અપ ડાઉન કરતા લોકો, વિધાર્થીઓ, દર્દીઓ સહિત હજારો લોકો માટે શિરદર્દ સમાન સમસ્યા
ખાસ ખબર સંવાદદાતા
વેરાવળથી રાજકોટ હતી અને રાજકોટથી વેરાવળ આવતી ટ્રેનને આદ્રી સ્ટોપ આપવા ગ્રામજનોની માંગ કરી છે.આ ટ્રેનને કોરોના બાદ સ્ટોપ આપવાનું બંધ કરી દેવામાં આવતા આસપાસના સુપાસી, સિડોકર, ડારી, કિંદરવા, સારસવા, દેદા , મલૂંઢા, વાવડી, ચમોડા સહિત 18 જેટલા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જેના પરિણામે સારવાર અર્થે જતાં દર્દીઓને પણ ખાનગી વાહનોના મસમોટા ભાડા ખર્ચીને અથવા તો બસ મારફતે જવું પડે છે.ઉપરાંત વેપાર અર્થે જતા વેપારીઓ, વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જેથી વહેલી તકે આ બંને ટ્રેનને આદ્રી સ્ટોપ આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.સારસવાનાં સરપંચ નાથાભાઇ પરમારે કહ્યું હતું કે,વેરાવળથી નીકળતી ટ્રેન સવારે 5 વાયગા આસપાસ અહી સ્ટોપ થતી હતી તે 10 વાગ્યા પહેલાં રાજકોટ પહોંચાડી દેતી હતી જે બંધ કરી દેવતા ખાસ કરીને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આદ્રીનાં સરપંચ નારણભાઇ ચાંડેરાએ કહ્યું હતું કે,આદ્રી ગામે સ્ટોપ આપવામાં આવે તો આસપાસના 18 જેટલા ગામોને તેનો ફાયદો મળી શકે અને લોકોની પરેશાની પણ ઓછી થઈ શકે. સિડોકરનાં સરપંચ સતારભાઇ તવાણીએ કહ્યું હતું કે,પહેલા જે ટ્રેનો નો સ્ટોપ આપવામાં આવતો હતો તે કોરોના કાળ બાદ બંધ થવાથી આસપાસ 18 થી 20 ગામોના હજારો લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. ડારીનાં સરપંચ ફારૂકભાઇ આકાણીએ જણાવ્યું હતું કે,નાના અને મધ્યમ વર્ગના લોકોની બાળકો તેમજ દર્દીઓ અહી સ્ટોપ ન હોવાને કારણે ભારે હાલકી ભોગવી રહ્યા છે.વહેલી તકે આદ્રી સ્ટોપ આપવામાં આવે તેવી અમારી માંગ છે.