સુપર સીએમ તરીકે ઓળખાતા નિતીનભાઇ ભારદ્વાજની રાજનૈતિક કારકીર્દિથી તો બધા પરિચિત છે જ, પરંતુ દરેક વ્યક્તિના બાળપણની યાદો તો સરખી જ ‘તોફાની’ હોય છે. તો ઘણી વખત સપના કંઈક અલગ હોય પણ નસીબ તમને કોઈ બીજી જ જગ્યાએ ખેંચી જતું હોય છે. આવું જ કંઈક ભાજપના નેતા નિતીનભાઈ ભારદ્વાજનું પણ છે. તેમની આવી જ કંઈક ખટ્ટ મિઠી વાતો તેમણે ‘ખાસ ખબર’ સાથે શેર કરી હતી. જેની ભાગ્યે જ કોઈને ખબર હોય.
રિપોર્ટર : સ્કુલની યાદગાર અથવા તો તોફાની ક્ષણ કઈ હતી?
નિતીનભાઈ : અમે સ્કૂલમાં હતા ત્યારે ત્યાં પાણીનો નળ ખુલ્લો મૂકી દેતા. જેથી કરીને પાણીનો ટાંકો ખાલી થઈ જતો અને સ્કૂલમાં તે દિવસે રજા પડી જતી. પછી પીટીના પીરીયડમાં પણ અમે ઘણી મસ્તી કરતાં. માથું નીચું કરવાનું કહે ત્યારે અમે બધા સાથે અવાજ કરતાં. સાહેબને ખબર જ ન પડતી કે આ કોણ છે.
રિપોર્ટર : ભગવાનમાં વિશ્વાસ કરો છો ખરાં?
નિતીનભાઇ : હા, હું મહાદેવનો મોટો ભક્ત છું. હું જે કંઈ પણ છું એ શિવની કૃપાથી જ છું. મારી જિંદગીમાં મને મહાદેવના દિવસે જ સારા સમાચારો સાંપડ્યા છે. તે પછી મારા લગ્ન નક્કી થવાનું હોય કે ઘરે નવા મહેમાનનું આગમન હોય.
- Advertisement -
રિપોર્ટર : પ્રવાસ કરવાનો શોખ ખરાં? ફેવરિટ પર્યટન સ્થળ કયું?
નિતીનભાઈ : ફરવાનો તો બહું શોખ છે. અત્યાર સુધીમાં 10 દેશો ફરી ચૂક્યો છું. ભારતમાં મસુરી મારું ફેવરીટ સ્થળ. ત્યાં જેટલી વાર જાઓ તેટલી વાર મજા જ આવે. હું હવે બદરીનાથ, કેદારનાથ જવા માંગુ છું. મારા મિસીસની પણ ત્યાં જવાની ભારે ઈચ્છા છે.
રિપોર્ટર : પુસ્તકો વાંચવા ગમે?
નિતીનભાઇ : હા, અશ્વિની ભટ્ટની ‘ઓથાર’ અને ‘આશકા માંડલ’ તથા ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ તથા કનૈયાલાલ મુનશીના પુસ્તકો વાંચવા ખૂબ ગમે. ઘરે મિની લાઈબ્રેરી પણ હતી. પરંતુ પછી ભાજપના કાર્યાલયમાં બધા પુસ્તકો આપી દીધા હતા. જેથી અન્ય કાર્યકરો પણ તે વાંચી શકે.
રિપોર્ટર : ફૂરસતના સમયમાં કઈ પ્રવૃત્તિ કરવી ગમે?
નિતીનભાઇ : પરિવારજનો સાથે સમય પસાર કરવો ગમે. બાકી સ્પોર્ટ્સ મારું ફેવરીટ. ક્રિકેટ રમવું અથવા જોવું ગમે. નોલેજ રિલેટેડ એક્ટિવીટી કરવી પણ ખૂબ ગમે. અથવા તો લોકોને મળી તેમની વાતો જાણવાનો પ્રયાસ કરું.
- Advertisement -
રિપોર્ટર : જિંદગીની યાદગાર ક્ષણ કઈ?
નિતીનભાઇ : હું પહેલી વખત ચૂંટણી લડ્યો અને તેમાં મેળવેલી જીત એ મારી જિંદગીની સૌથી યાદગાર ક્ષણ હતી.
રિપોર્ટર : તમારું ફેવરિટ ફૂડ?
નિતીનભાઇ : મને બટેટા ખૂબ જ ભાવે. જમવાનું મેનુ ગમે તે હોય પણ તેમાં બટેટાની વેરાયટી તો હોવી જ જોઈએ.
રિપોર્ટર : જો પોલિટીકલ લિડર ન હોત તો? અન્ય કોઈ વિકલ્પ વિચાર્યો હતો ખરાં?
નિતીનભાઇ : હું નાનપણથી સંઘ સાથે જોડાયેલો છું અને પછીથી આ પોલિટીકલ કારકિર્દી. સંઘ જ અમારો બેઝ છે. એ અમારી માતૃ સંસ્થા છે. હું જે કંઈ પણ છું તે તેના કારણે જ છું. પણ હા, એક સારા ડોક્ટર બનવાની ઈચ્છા હતી ખરાં.
રિપોર્ટર : કોરોનાકાળ દરમિયાન તમારી પ્રવૃત્તિ?
નિતીનભાઇ : હાલની પરિસ્થિતિમાં જે લોકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોય તેમને મદદ કરવાનો પ્રયાસ કરું છું. તકેદારીના ભાગરૂપે ખાસ કારણ સિવાય મળવાનું ટાળું છું, પરંતુ સોશ્યલ મીડિયા મારફતે કોરોનાને લઈને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું.
રિપોર્ટર : આજના યુવાઓને શું ટિપ્સ આપશો?
નિતીનભાઇ : જીવનમાં જે કંઈ પણ કરો તે 100 વખત વિચારીને કરો. ધૈર્ય રાખીને સખત મહેનત કરો. આપણા હાથમાં માત્ર કર્મ જ છે, બાકી બધુ ઈશ્વરના હાથમાં છે.


