ભાવનગર રેલ્વે મંડલને 192 દિવસોમાં 550 કરોડથી વધુ આવક
ખાસ-ખબર સંવાદદાતા
વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડીવીઝન મુસાફરોને સુવિધા આપવાની સાથે રેલ્વેની આવક વધારવામાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આ દિશામાં સતત પ્રયાસો ચાલુ રાખીને ભાવનગર મંડલે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગુડ્સ આવક, પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ અને અન્ય કોચિંગ આવકને જોડીને માત્ર 192 દિવસમાં રૂપિયા 550 કરોડનો જંગી આંકડો પાર કરીને વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. જેમાં વેરાવળ રેલ્વેએ 5.13 કરોડની આવક કરી હતી. ગત વર્ષે ભાવનગર મંડલે 280 દિવસમાં રૂપિયા 550 કરોડથી વધુનો આંકડો હાંસલ કર્યો હતો, જેની સરખામણીએ આ વર્ષે ડિવિઝને 88 દિવસ પહેલા આ સિદ્ધિ હાંસલ કરી છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલના નેતૃત્વ અને ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને તેમની ટીમના સતત પ્રયાસોને કારણે આ સિદ્ધિ હાસલ કરી છે.વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન, ભાવનગર ડિવિઝને 9 ઓક્ટોબર, 2022 સુધી રૂપિયા 550.60 કરોડની રેલ્વે આવક પ્રાપ્ત કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 354.88 કરોડ કરતાં 55.2% વધુ છે. આ વર્ષે ગુડ્સ પરિવહન થી રૂપિયા 436.37 કરોડ મળ્યા છે જ્યારે ગયા વર્ષે રૂ. 309.17 કરોડ મળ્યા હતા. પેસેન્જર ટ્રાન્સપોર્ટ થી રૂપિયા 103.41 કરોડ મળ્યા છે જ્યારે ગયા વર્ષે રૂપિયા 39.44 કરોડ મળ્યા હતા. આ વર્ષે અન્ય કોચિંગની આવકથી રૂપિયા 10.83 કરોડ પ્રાપ્ત થયા છે. જ્યારે ગયા વર્ષે રૂપિયા 6.28 કરોડ મળ્યા હતા.
આમ ભાવનગર મંડલે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.પીપાવાવ પોર્ટ થી ખાતર, એલપીજી ગેસ અને ક્ધટેનર ટ્રાફિકમાં વધારો થવાને કારણે અને કોવિડ-19 પછી પેસેન્જર ટ્રેનો ફરી શરૂ થવાને કારણે યાત્રી આવકમાં પણ વધારો થયો છે. આ સાથે મંડલ પરની જાહેરાત, પાર્કિંગ, પાર્સલની જગ્યા વગેરેના કોન્ટ્રાક્ટ માટે પણ ઈ-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે.