કુલપતિને પત્ર પાઠવી વિવિધ સૂચનો કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં શરૂ થયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાના પ્રથમ દિવસે જ બે પ્રશ્ર્નપત્રોમાં પેપર સેટરની ભૂલના કારણે વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થયાના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. નિદત બારોટે કુલપતિને પત્ર પાઠવી કાયમી પરીક્ષા નિયામકની નિમણુંક બાદ પણ આવી ભૂલો કેમ? તેવો સવાલ ઉઠાવ્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓની પરીક્ષાના પ્રથમ દિવસે જ ક્ષતિઓ બહાર આવી પેપર સેટરની ભૂલોને કારણે યુનિવર્સિટીની બદનામી થઈ. છેલ્લાં ઘણાં વર્ષોથી પરીક્ષા નિયામકની જગ્યા ખાલી હતી તે વખતે આપણે આવી ક્ષતિઓ પર ગંભીરતા દાખવતા ન હતા પરંતુ હવે જ્યારે આપણી પાસે કાયમી પરીક્ષા નિયામક છે ત્યારે આપણે ગંભીરતાથી આ વિશે વિચારવું જોઈએ.
- Advertisement -
આ ઉપરાંત યુનિવર્સિટીની પેપર સેટરની મોડરેટીંગની સિસ્ટમ દૂર કરી તે ફરી શરૂ કરવી જોઈએ. શક્ય હોય તો 10 પેપર સેટરને સાથે બોલાવી એકસાથે ક્વેશ્ર્ચન પેપર બેંક બનાવી શકાય જેથી કરીને બધા જ પેપરો બેંકમાં મુકતા પહેલાં અધ્યાપકો દ્વારા ચકાસી લેવામાં આવે જેથી કરીને ગુજરાતી અને અંગ્રેજી વર્ઝન, બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પેપર અને અભ્યાસક્રમ બહારનું પેપરમાં કોઈ વિગત ન હોય તેવી બધા પરીક્ષાઓની પૂર્ણ ખાતરી થાય.પરીક્ષા વિભાગ દ્વારા જ્યારે અધ્યાપકોને પેપર સેટીંગના ઓર્ડર મોકલવામાં આવે છે ત્યારે ઘણી વખત અભ્યાસક્રમ, પેપર સ્ટાઈલ વગેરે બાબતનું ધ્યાન દોરવા માટે, અધ્યાપકોની જરૂરી આધારો મોકલવામાં આવતા નથી જ્યાં સુધી નવી વ્યવસ્થા ઉભી ન થાય ત્યાં સુધી અધ્યાપકોને પેપર સેટીંગ વખતે અભ્યાસક્રમ હાલની પેપર સ્ટાઈલ વગેરે સાથે મોકલવું જોઈએ. શક્ય હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર છેલ્લામાં છેલ્લો મંજૂર થયેલો અભ્યાસક્રમ અને પેપર સ્ટાઈલની વિગત મૂકવી જોઈએ જે હાલમાં મૂકાયેલી નથી તેના કારણે અધ્યાપકોને પણ પેપર કાઢવામાં મુશ્કેલી પડે છે. જરૂર પડે તો યુનિવર્સિટીના કેટલાક બોર્ડના અધ્યક્ષ વિદ્યા શાખાઓના ડીન અને આચાર્યોને સાથે રાખીને તાત્કાલિક એક કમિટી બનાવી અને જરૂરી સુધારા શક્ય તેટલા ઝડપથી અમલમાં આવે તે રીતે કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.