શાળા નં. 88, 49 અને 58 માટે હવે ભાડાનાં મકાનનો ઉપયોગ થતો નથી, છતાં ભાડું ચૂકવાઈ રહ્યું છે…
ગણ્યા ગણાય નહીં, વિણ્યા વિણાય નહીં… એટએટલાં કૌભાંડોથી ખદબદતી શિક્ષણ સમિતિ
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર ક્યાં સરકારી પૈસાનો દુર્વ્યય કરે છે તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાસ-ખબરને મળેલી માહિતી અનુસાર રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવેલી શાળા નંબર 88, 49, 58 જે-તે સમયે ખાનગી ભાડાના મકાનમાં ચાલતી હતી. ત્યારબાદ તે સરકારી શાળા ભાડાના મકાનમાંથી સરકારી મકાનમાં સ્થળાંતર કરી નાખવામાં આવી છે તેમ છતાં ભૂતકાળમાં જે ભાડાના મકાનમાં સરકારી શાળા ચાલતી હતી તે હવે ભાડામાં મકાનમાં નથી ચાલતી તેમ છતાં તેનું ભાડું ચૂકવાઈ રહ્યું છે. રાજકોટ શિક્ષણ સમિતિ મહિને હજારો રૂપિયા ભાડું, લાઈટ-પાણી બિલ અને વર્ષે લાખો રૂપિયા કરવેરો ભાડાના મકાનો પાછળ ખર્ચી રહી છે જેમાં એકસમયે સરકારી શાળાઓ ચાલતી હતી. રાજકોટના નીલકંઠ પાર્ક પાછળ આવેલી શાળા નંબર 49 અને 58 તેમજ 150 ફૂટ રિંગરોડ પર આવેલી શાળા નંબર 88 એક સમયે ખાનગી ભાડાના મકાનમાં ચાલતી હતી. ત્યારબાદ આ સરકારી શાળાઓને સરકારી નજીકના સ્થળે જ નવું મકાન મળી જતા છેલ્લા કેટલાંક સમયથી તે શાળા નવા સરકારી મકાનમાં સ્થળાંતર કરી દેવામાં આવી છે. આમ છતાં શાળા નંબર 88, 49, 58 અગાઉ જે ખાનગી ભાડાના મકાનમાં ચાલતી હતી તેનું ભાડું હજુ પણ ચૂકવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે ભાડાના મકાનનો ઉપયોગ હવે કરતી નથી તેની પાછળ હજારો રૂપિયા ભાડું અને લાખો રૂપિયાનો ખર્ચ કેમ કરી રહી છે? જે સરકારી શાળાઓ ખાનગી ભાડાના મકાનમાં ચાલતી હતી તે સરકારી શાળાઓ હવે સરકારી મકાનમાં સ્થળાંતર થઈ ચૂક્યાંના એકથી બે વર્ષ બાદ પણ રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર ભાડાના મકાનનો કબજો છોડી રહ્યા નથી. જેના કારણે મહિને સરકારના હજારો અને વર્ષે લાખો રૂપિયાનો બગાડ થાય છે. આ ખર્ચ અટકાવવાનો પ્રયાસ શિક્ષણ સમિતિ દ્વારા કેમ કરવામાં આવી રહ્યો નથી? આ પાછળ એવું કહેવાય છે કે, પંડિત અને પરમારે જે સરકારી શાળા ભાડાના મકાનમાં ચાલતી હતી તે ખાનગી મિલ્કતના માલિકો સાથે સાંઠગાંઠ કરી લીધી છે. સરકારી શાળાઓ જે ખાનગી માલિકીના ભાડાના મકાનમાં ચાલતી હતી તે આ જ કારણોસર તેના મૂળ માલિકને પરત સોંપાઈ રહી નથી અને આમ દર મહિને શિક્ષણ સમિતિ હજારો રૂપિયાનું ભાડું, લાઈટ-પાણી બિલ અને દર વર્ષ લાખો રૂપિયાનો કરવેરો ચૂકવે છે. આમ, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, કિરીટ પરમારે સરકારના પૈસાનો બગાડ કરીને પણ કેટલાંક લોકો સાથે મિલીભગત સાધી પોતાનું બેંક બેલેન્સ વધારવાનો કિમીયો શોધી કાઢ્યો છે.
પંડિત-પરમાર જાણીજોઈને શાળા નં. 99 સૂચિત જગ્યામાં ચલાવે છે!
રાજકોટ શિક્ષણ સમિતિની ખોખળદળ નદીના કાંઠે આવેલી શાળા નંબર 99 સૂચિત ભાડાના મકાનમાં ચાલે છે. સૂચિત મકાનમાં ભાડે સરકારી શાળા ચલાવવા પાછળ પણ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને કિરીટ પરમારે પોતપોતાનું હિત સાધી લીધું છે. કહેવાય છે કે, સૂચિત ભાડાના મકાનમાં શિક્ષણ સમિતિની શાળા ચલાવી પંડિત-પરમાર સૂચિત મકાનને કાયદેસર કરાવી દેવાની વેતરણ ગોઠવી બેઠા છે.
શિક્ષણ સમિતિની દોઢ ડઝન શાળાઓ બંધ થઈ હોવા છતાં ભાડું ચૂકવાઈ છે!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવેલી આશરે 16થી 18 જેટલી સરકારી શાળાઓ જે ખાનગી ભાડાના મકાનમાં ચાલતી હતી તે બંધ થઈ ચૂકી છે. ભાડાના મકાનમાં ચાલતી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ હોવા છતાં હજુ પણ તેમનું ભાડું, વીજળી-પાણી બિલ સહિત કરવેરો પણ ચૂકવવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી શિક્ષણ સમિતિ ભાડાના મકાનમાં ચાલતી આ બંધ શાળાઓના પાછળ કોઈ જ ઉપયોગ વિના લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી પરમાર પોતાનું આર્થિક હિત સાધવાના કારણોસર જે સરકારી શાળાઓ ભાડાના મકાનમાં એક સમયે ચાલતી હતી તે બંધ થઈ જવા છતાં પણ બંધ મકાન, બિનઉપયોગી મિલ્કત પાછળ ખર્ચ કરી રહી છે.
- Advertisement -
એક તરફ ખાનગી સંસ્થાને લ્હાણી, બીજી તરફ ભાડાના મકાનમાં ચાલતી શાળાઓ!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પોતાના બેવડા ધોરણો માટે જાણીતી બની ગઈ છે. વર્તમાન ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારના શાસનાકાળમાં શિક્ષણ સમિતિમાં કૌભાંડોનો સૂર્ય ખીલ્યો છે. દિવા જેવા સ્પષ્ટ ગોટાળાઓ, ગરબડો અને ગોલમાલો અહીં કરવામાં આવી રહ્યા છે. અતુલ પંડિત અને કિરીટ પરમાર એક તરફ સરકારી શાળાની ખાનગી સંસ્થાને લ્હાણી કરી રહ્યા છે તો બીજી તરફ ખાનગી ભાડાના મકાનમાં સરકારી શાળાઓ ચલાવી પડી રહી છે. શિક્ષણ સમિતિ દ્વારા એવી ઉલટી ગંગા વહાવવામાં આવી રહી છે કે, સરકારી મિલ્કતો ખાનગી સંસ્થાને મનફાવે તેવા ઉપયોગ માટે અપાઈ રહી છે અને ખાનગી ભાડાના મકાનમાં સરકારી શાળાઓ ચલાવવામાં આવી રહી છે.