ખાસ-ખબર સંવાદદાતા
પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને તેના આંકલન માટે વાલીઓને વાકેફ કરી બાળકના સર્વાંગી વિકાસમાં અને બાળ ઉછેરમાં વાલીઓની ભૂમિકા સમજાવવાના હેતુથી આઈ.સી.ડી.એસ. શાખા જીલ્લા પંચાયત-મોરબી દ્વારા પટેલ સમાજવાડી, સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે ભુલકાં મેળો ઉજવવામાં આવ્યો હતો. આ ભૂલકા મેળા અંતર્ગત વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે ડેવલોપમેન્ટ એસેસમેન્ટ અંગે માહિતી આપી ઘરમાં તેવું વાતાવરણ પૂરું પાડવા પ્રવૃત્તિ દ્વારા શીખવવામાં આવ્યું હતુ. આંગણવાડી કાર્યકર અભ્યાસક્રમ આધારિત 17 થીમના શીખવા શીખવવાના સાધનો અંગે માહિતીગાર કરવામાં આવ્યા હતા અને તે મુજબ કેન્દ્ર પર વિવિધ પ્રવૃત્તિ કરવા શીખવવામાં આવી હતી. બાળકોને મુક્ત આનંદ દ્વારા સર્વાંગી વિકાસ થાય તે અંગે વાલીઓ અને કાર્યકરને પ્રવૃત્તિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. મોરબી જીલ્લા કક્ષાના ભૂલકા મેળાના આયોજનમાં તમામ પ્રિ-સ્કુલ ઈન્સ્ટકટર દ્વારા બનાવેલ ટીએલએમ અને મુખ્ય સેવિકા બહેનો દ્વારા આંગણવાડી કાર્યકરને યોગ્ય માર્ગદર્શન આપી કાર્યકર દ્વારા તૈયાર કટેલ ટીએલએમ જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં નિદર્શનમાં મુકવામાં આવ્યા હતા. વાંકાનેર ઘટક-2 સીડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય દ્વારા જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં રમત, પપેટ શો, સર્જનાત્મક પ્રવુતિ, બાળગીતો, જોડકણા, અભિનય ગીતની પ્રવૃત્તિ દ્વારા આંનદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન આઇ.સી.ડી.એસ. મોરબીના પોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
વાંકાનેરમાં બાળકોના સર્વાંગિક વિકાસના પ્રયાસ હેઠળ ભૂલકાં મેળો યોજાયો



