36 કિલોમીટર પરિક્રમાને લઇ વન વિભાગની તડામાર તૈયારીઓ શરૂ
ચોમાસું સારું હોય પાણીની સમસ્યા નહી થયા છતાં ડંકી, વૉટર ટેન્ક મૂકાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં પરંપરાગત રીતે દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ સુધી ચાર દિવસ(ચાલુ વર્ષે તા.4 થી 8-11-22) સુધી યોજાનારી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો જોડતા હોય છે. પ્રતિ વર્ષ યોજાતી આ પરિક્રમામાં કોઇ અનિચ્છિનીય બનાવ ન બને અને યાત્રિકોની સુખ અને શાંતિ જળવાઇ રહે તે માટેની વ્યવસ્થા અને આયોજન જૂનાગઢ વન વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે.ગરવા ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમાનું આગવું મહત્વ રહેલું છે. તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલે જણાવ્યું હતું કે, ગિરનાર પરિક્રમાના રૂટના 8 રસ્તા તથા 3 કેડીઓનું રીપેરીંગ થઇ રહ્યું છે, જે પરિક્રમા શરૂ થયે પૂર્ણ થશે. કુલ 9 જગ્યાએ ડંકી, વોટર ટેંક તથા કુવામાંથી પાણી ભરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં ઉત્તર રેન્જમાં જાંબુડી રાઉન્ડ પાસે ભાડવાળી ચાર ચોક ડેરવાણ પરબ પાસે પાણીનો પોઇન્ટ એટલે કે ડંકી પણ વન વિભાગ દ્વારા રખાશે.
પરિક્રમા દરમિયાન વન વિભાગનો 362 કર્મચારીઓ તૈનાત રહેશે
આરએફઓ અરવિંદ ભાલિયાએ જણાવ્યું હતું કે,પરિક્રમા દરમિયાન વન્યપ્રાણી દ્વારા યાત્રિકોને ઇજા નુકસાની ન થાય તે હેતુસર કુલ 13 ફોરેસ્ટ રાવટીઓ કરાશે. દરેક રાવટી ઉપર 2 થી 5નો ફોરેસ્ટ સ્ટાફ ફરજ ઉપર રહેશે. તેમજ ટ્રેકર ટીમ દ્વારા સતત ફેરણું કરી વન્યપ્રાણીઓને લોકટ કરી જરૂરી મોનીટરીંગ કરાશે. પરિક્રમા દરમિયાન નકકી કરેલ કંટ્રોલ પોઇન્ટ ઉપર ફરજ ઉપર કુલ 362 સ્ટાફને તૈનાત કરાશેે. જેમાં 12 પરીક્ષેત્ર વન અધિકારી, 25 વનપાલ, 120 વનરક્ષક, 160 લેબર, 65 એનજીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાશે.
પરિક્રમા સ્થળ ઉપર 14થી વધુ વાયરલેસ નેટવર્ક સેટથી કામગીરી થાશે
પરિક્રમા દરમિયાન વન્યપ્રાણીઓ અને યાત્રિકો વચ્ચે ઘર્ષણના બનાવના બને અને વન્ય પ્રાણીઓ પ્રત્યે જન જાગૃતિ કેળવાય તે માટેની વ્યવસ્થાઓ પણ કરાશે. નળપાણીની ઘોડી તથા ગિરનાર સીડી ખાતે યાત્રિકોની ગણતરી વન વિભાગના સ્ટાફ દ્વારા કરાશે. પરિક્રમા સ્થળ ઉપર 14થી પણ વધુ વાયરલેસ નેટવર્ક સેટ દ્વારા વન વિભાગ કામગીરી કરશે. વોકીટોકીના માધ્યમથી વન વિભાગના સ્ટાફ દ્વારા દવ રક્ષણ તથા વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી કરાશે.
- Advertisement -
ઇટવા ગેઇટ પરથી જરૂરિયાતમંદને લાકડીઓ આપશે
વર્ષ 2018 માં 81 અન્નક્ષેત્રને પરમીટ અપાઇ હતી. આ વર્ષે જે સંસ્થાઓ માગણી કરશે એમને મંજૂરી અપાશે. ઇટવા ફોરેસ્ટ ગેઇટ ઉપરથી જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે લાકડીઓનું વિતરણ કરાશે અને બોરદેવી ગેઇટ ઉપરથી લાકડીઓ પરત લેવાશે.