કાશ્મીરમાં ત્રાસવાદનો સફાયો કરવાના ઓપરેશન કલીન આઉટ વચ્ચે પણ ત્રાસવાદીઓ ટાર્ગેટ કીલીંગ કરતા રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાશ્મીર પ્રવાસ વખતે જ જેલવિભાગના પોલીસવડાની હત્યાના ખળભળાટ વચ્ચે સુરક્ષાદળોએ વળતો આકરો પ્રહાર કર્યો હોય તેમ ચોવીસ કલાકમાં જ ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે.
કાશ્મીરમાં શોપીયા તથા મુલુ એમ બે જુદા-જુદા ક્ષેત્રોમાં ત્રાસવાદીઓ તથા સૈન્ય-સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી તેમાં ચાર આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવાયો હતો.
- Advertisement -
કાશ્મીરના પ્રવાસે રહેલા અમિત શાહની જાહેરસભામાં વિક્ષેપ પાડવામાં ષડયંત્રને સુરક્ષાદળોને નાકામ બનાવી દીધુ હતું. શોપીયાના દ્રાચમાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારી વિજયકુમારે કહ્યું કે, ત્રણેય જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. પુલવામામાં પોલીસ જવાન તથા પશ્ચિમ બંગાળના શ્રમિક મજુરની હત્યામાં સામેલ હતા. તેઓને શરણે આવવાની તક આપવામાં આવી હતી. પરંતુ તેઓએ ફાયરીંગ કરતા સુરક્ષાદળોએ વળતો પ્રહાર કરીને ખાત્મો બોલાવી દીધો હતો.
આ સિવાય મુલુમાં પણ પરોઢીયે એક આતંકવાદીને ઠાર કરી દેવાયો હતો. ચોકકસ બાતમીના આધારે તલાશી અભિયાન દરમ્યાન આતંકીએ ગોળીબાર કરતા વળતા જવાબમાં ઠાર કરાયો હતો.