ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં અવારનવાર સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા કરચોરીની આશંકાએ ઓચિંતું ચેકીંગ કરવામાં આવતું હોય છે જેમાં અનેક વાર નાની મોટી કરચોરી સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર રાજકોટ જીએસટી વિભાગની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા મોરબીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 7 ટ્રકોને જીએસટી ચોરીની આશંકાએ ડિટેઈન કરવામાં આવ્યા હતા. રાજકોટ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષની પ્રિવેન્ટિવ ટીમ વિંગના ઈન્સ્પેક્ટરો દ્વારા મોરબીમાં સોમવારે મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન અલગ અલગ ટ્રકોને રોકીને જીએસટી ઈ-વે બીલ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી સાત ટ્રકોમાં ભરેલ માલના ડોક્યુમેન્ટ શંકાસ્પદ લગતા સાતેય ટ્રકોને જીએસટી વિભાગની ટીમ દ્વારા રાજકોટ હેડક્વાર્ટર ખાતે વધુ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. જીએસટી વિભાગના ઓચિંતા ચેકીંગથી કરચોરી કરતા સીરામીક ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને આગામી દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા વધુ કરચોરી પકડવામાં આવે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.