મારુ વતન ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે. મારા ઘરની સામે જ ધીરુભાઇ ઠુંમર નામના એક ભાઇ રહેતા હતા. ધીરુભાઇ કોઇ રોગનો શિકાર બન્યા અને ધીમે ધીમે એનું શરીર ઘસાવા લાગ્યું. એનાથી કોઇ કામ થઇ શકતુ નહીં એટલે પરિવાર ચલાવવાની જવાબદારી એમના પત્ની લલિતાબેન પર આવી. લલિતાભાભી ભારે હિંમતવાળા. શરીર સ્ત્રીનુ હતું પણ મનોબળ પુરુષને પણ ટક્કર મારે એવું હતું. બે દીકરાઓ હતા પણ દીકરા નાના હતા એટલે ખેતીવાડીની બધી જ જવાબદારી લલિતાભાભીએ પોતાના માથે લઇ લીધી. વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરે. કમાણીનો મોટો ભાગ તો પતિની દવામા ચાલ્યો જાય પણ હિંમત હાર્યા વગર મહેનત કર્યે રાખે. મોટો દીકરો હર્ષદ ભણવામાં સામાન્ય પણ નાનો દીકરો મિતુલ ભણવામાં હોશિયાર. લલિતાભાભી ઘણીવખત મને કહેતા, શૈલેષભાઇ, મારે મિતુલને તમારા જેવો મોટો સાહેબ બનાવવો છે. મિતુલ મારી પાસે ભણવા માટે આવતો. ધો. 12 સુધીનો અભ્યાસ મીતુલે મોવિયા ગામની જ સરકારી શાળામાં પુરો કર્યો. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી તો આ પરિવારને પોસાય તેમ નહોતી એટલે મેં જે કોલેજમાં અભ્યાસ કરેલો એ રાજકોટની પીડીએમ કોલેજમાં બી.કોમ. કરવાનું મે મિતુલને સૂચન કર્યું.
મિતુલ કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે એના પિતા ધીરુભાઇનું લાંબી બિમારી બાદ અવસાન થયું. મિતુલનું ગ્રેજ્યુએશન પૂરું થયું પછી એમસીએ કરવા માટે બેંગલોર જવાનું નક્કી થયું. મને લલિતાભાભીએ આ વાત કરી. મેં કહ્યું, ભાભી, બેંગલોરમાં ભણાવવાનો ખર્ચ વધુ થશે તમે પહોંચી વળશો ? જવાબમાં મને કહે, શૈલેષભાઇ, હું ગમે તેમ કરીને ભેગુ કરી લઇશ. જરુર પડ્યે મારા ઘરેણા વેંચી નાંખીશ. વ્યાજે રૂપિયા લઇ આવીશ પણ મારે મારા દીકરાને તમારા જેવો બનાવવો છે. મિતુલના અભ્યાસ માટે એના મોટાભાઇએ પણ પોતાનાથી જે કંઇ થઇ શકે એ કરી છુટવાની તૈયારી બતાવી. મિતુલને આગળના અભ્યાસ માટે બેંગ્લોર મોકલ્યો. ખેતીમાંથી થતી આવકમાંથી માંડ માંડ ઘર ચાલે એટલે દીકરાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે લલિતાભાભીએ સગા-વહાલા પાસેથી ઉછીના પૈસા લઇને દેવુ કર્યું. મિતુલ પણ ખૂબ સમજુ અને સંસ્કારી છોકરો. મમ્મીનું સપનું પૂરું કરવા માટે ખૂબ મહેનત કરે.
એમસીએ પૂરું કર્યા પછી બેંગ્લોરની જ એક કંપનીમાં મિતુલને મહિને 7000ના પગારથી નોકરી મળી ગઇ. બેંગ્લોર જેવા શહેરમાં મહિને 7000માં પોતાનું પણ પૂરું ન થાય ત્યાં પરિવારને મદદ તો ક્યાંથી થઇ શકે! મિતુલ એને મળતા પગાર સામે જોયા વગર દિલ દઇને કામ કરતો. ધીરે ધીરે કંપનીઓ બદલાતી ગઇ અને પગાર પણ વધતો ગયો. હું જ્યારે જ્યારે મોવિયા જાઉ ત્યારે લલિતાભાભી પોરસાતા-પોરસાતા કહે, શૈલેશભાઇ મિતલાનો પગાર હવે 20,000 થઇ ગયો, 30,000 થઇ ગયો, 40,000 થઇ ગયો ! આ વાત કહેતી વખતે લલિતાભાભીના ચહેરા પરનો આનંદ જોઇને હું બહુ રાજી થતો. થોડા સમય પહેલા જ્યારે હું મિતુલને મળ્યો ત્યારે મને જાણવા મળ્યું કે એણે હવે અમેરિકાની 250 વર્ષ જૂની કંપનીમાં નોકરી મળી ગઇ છે. 2011માં મહિનાના 7000નો પગાર મેળવતો મિતુલ અત્યારે વાર્ષિક 18 લાખના પેકેજમાં કામ કરે છે. નોકરી ઉપરાંતના સમયમાં વધારાનું કામ કરીને બીજી 5 થી 6 લાખની કમાણી કરી લે એ પાછી જુદી. ગામડાની એક વિધવા બાઇએ જોયેલું સપનું એના દીકરાએ સાર્થક કર્યું. લલિતાભાભી કહેતા કે મિતુલને તમારા જેવો સાહેબ બનાવવો છે પણ એક માતાના સમર્પણ, મોટાભાઇના સહયોગ અને પોતાની મહેનતથી મિતુલ મારા કરતા બમણો પગાર મેળવતો થઇ ગયો.
- Advertisement -
આપણી કારકિર્દીની ઈમારત આપણી મહેનતના પથ્થરથી ચણાતી હોય છે પણ આ ઈમારતના પાયામાં માતા-પિતાનું સમર્પણ અને ભોગ હોય છે.
‘સફળતા તો તમે કરેલા વિચારોનું અંતિમ પરિણામ છે.’
-અર્લ નાઈટિંગલ