ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના બંધુનગર નજીક આવેલા એપલ સિરામીક પાસેથી એક યુવકની ઢોર મૂંઢ માર મારેલી હાલતમાં લાશ મળી હતી ત્યારબાદ પોલીસે સઘન તપાસ આરંભી ગણતરીની કલાકોમાં જ ચાર આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવકે ચોરી કરી હોવાની શંકા રાખીને ચાર શખ્સે તેને ઢોર માર માર્યો હતો અને યુવકનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. મોરબીના બંધુનગર નજીક આવેલ એપલ સીરામીકમાં ગત શનિવારે રાત્રીના મંગલસિંહ લક્ષ્મણસિંહ ભાભર નામના વ્યકિતની 4 શખ્સે માર મારી હત્યા કરી હતી. આ ઘટનામાં મૃતકના ભાઈ નાથુભાઈ લક્ષ્મણભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે શૈલેષ પસવાભાઇ પરમાર, વિક્રમ સીતારામ જાટ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ દ્વારા તેમના ભાઈ પર ચોરીની આશંકા રાખી ઢોર માર મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે બનાવ અંગે તાલુકા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ચારેય આરોપીને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના બંધુનગર પાસે ચોરીની આશંકાએ થયેલી હત્યામાં ચાર આરોપીની ધરપકડ



