ગાંધીનગરમાં ભાજપ શાસનના મેયર અને ડે. મેયરના બે દિવસના રાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ
રાજનીતિમાં આપણે ગાદી પર બેસવા આવ્યા નથી, સત્તા એ સેવાનું માધ્યમ : ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાનું સંબોધન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વેના વધુ એક મહત્વપૂર્ણ સંબોધનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મેયર સંમેલનમાં જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકનો સંબંધ જો સરકાર નામની કોઇ વ્યવસ્થાથી આવે છે તો તે પંચાયતમાંથી આવે છે, નગર પંચાયતમાંથી આવે છે, નગરપાલિકામાંથી આવે છે અને મહાનગરપાલિકામાંથી આવે છે અને તેથી જ આ પ્રકારના રાષ્ટ્રીય સંમેલન વધુ મહત્વના બની જાય છે. આજે અમદાવાદમાં ભાજપ શાસનના મહાનગરપાલિકાના મેયર અને ડે. મેયરને સંબોધન કરતાં મોદીએ કહ્યું કે આજે શહેરોના વિકાસના માટે લોકોને ભાજપ પર વિશ્વાસ છે તો આપણી જવાબદારી વધી જાય છે. મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં ભારત આગામી 25 વર્ષમાં શહેરી વિકાસનો એક રોડમેપ તૈયાર કરશે અને તેમાં પંચાયતથી લઇ મહાનગરપાલિકાની ભૂમિકા સૌથી વધુ છે. અને લોકોનો ભાજપ પર તથા સંસ્થાઓ પર વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી આપણી સૌની છે. ગાંધીનગરમાં હોટલ લીલા ખાતે રાષ્ટ્રીય મેયર સંમેલનને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, દેશના એકતાના રચયિતા સરદાર પટેલ અમદાવાદના મેયર રહી ચૂક્યા છે. સરદાર સાહેબે અમદાવાદના મેયર તરીકે જે કામ કર્યા હતા તેને આજે યાદ કરવામાં આવે છે. મને પણ ગુજરાતમાં જનતાની સેવાનો મોકો મળ્યો અને દેશના નાગરિકોએ ગુજરાતનો અને ગુજરાતના શહેરોનો વિકાસ જોયો અને ભાજપ પર વિકાસ કર્યો તેથી આજે કેન્દ્રમાં અને વધુમાં વધુ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષને લોકો તક આપે છે.



