‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ અવિરત દાનનો પ્રવાહ
દયનીય હાલતમાં જીવતાં સોની પરિવારના ખાતામાં આશરે 1 લાખ રોકડ જમા થયા: 4 લાખમાં મળી શકે છે ક્વાર્ટર: છ માસનું અનાજ-કરિયાણું પણ મળી ગયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વસતાં સોની સમાજના ઝિંઝુવાડીયા પરિવારની કરૂણ કથની ‘ખાસ-ખબરે’ પ્રકાશિત કર્યા બાદ વિવિધ સમાજના દાતાઓ દ્વારા રોકડ રકમ અને અનાજ-કરિયાણાની અવિરત સહાય કરવામાં આવી રહી છે. આજ સુધીમાં બેંક એકાઉન્ટમાં 70 હજાર જેવી અને રોકડ સ્વરૂપે 25 હજાર આસપાસ મળી અંદાજે 1 લાખની આર્થિક સહાય અને છ માસ ચાલે એટલો અનાજ-કરિયાણાનો જથ્થો દાન સ્વરૂપે મળી ચૂક્યો છે.
દારૂણ ગરીબીમાં જીવતાં આ સોની પરિવારની સૌથી મોટી સમસ્યા ઘરના ઘરની છે. નાનો એવો આશરો આ પરિવારને સ્વર્ગનો અહેસાસ કરાવી શકે તેમ છે. ‘ખાસ-ખબર’ની જાણકારી મુજબ રૂા. 4 લાખમાં એક ક્વાર્ટર મળી શકે તેમ છે. આશરે 1 લાખ જેવી રોકડ રકમ જમા થઈ ચૂકી છે ત્યારે રાજકોટના દાનવીરો અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સધિયારો આપે તો ગરીબ પરિવારને કાયમી આશરો મળી રહે.
ઝિંઝુવાડીયા પરિવાર ઝુંપડામાં નળ, વીજ, ગેસ કે છત વગરની હાલતમાં દયનિય પરિસ્થિતિમાં જીવન વિતાવે છે. ચાર વ્યક્તિના પરિવારમાં એક માત્ર 25 વર્ષનો દીકરો આશિષ તનતોડ મહેનત કરીને બે ટંકના રોટલા રળે છે. જ્યારે આશિષના પિતા બાબુભાઈ સોનીને બંને પગમાં તકલીફ છે. તેઓ ચાલી શકતાં નથી. આશિષના માતા પ્રફુલ્લાબેન સોની અંધ છે, જોઈ શકતાં નથી. આશિષનો મોટોભાઈ વિજય માનસિક બીમાર છે. મોટાભાઈ, માતા-પિતાની શારીરિક અને માનસિક બીમારીઓ, ગરીબી પરિસ્થિતિ અને પાયાની સુવિધાઓના અભાવ વચ્ચે બધામાં સૌથી નાનો આશિષ આખા પરિવારની જવાબદારી નિભાવે છે. આશિષ દરરોજ પોતાના ઘરથી આશરે 5 કિલોમીટર ચાલીને વિદ્યાનગર રોડ પર આવેલા ચામુંડા ભોજનાલયમાં વાસણ સાફ કરવા જાય છે. કામ પતાવી ફરી 5 કિલોમીટર ચાલીને પોતાના ઘર આવે છે. આશિષને વાસણ સાફ કરવાના આશરે 200 રૂપિયા રોજ મળે છે. આ રોજમાંથી તે રોજેરોજનું જમવાનું લાવે છે અને જે દિવસે આશિષ વાસણ સાફ કરવા જતો નથી તે દિવસે તેના સહિત તેનો પરિવાર ભૂખ્યો રહે છે. આશિષનો પગાર મહિને 6 હજાર રૂપિયા જેટલો છે અને આ પગારમાંથી આશિષ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
સમૃદ્ધ સોની સમાજ તરફ આશાભરી મીટ
આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ મનાતાં સોની સમાજના લોકો આ અતિગરીબ ઝીંઝુવાડિયા (સોની) પરિવારના આશરાનું સ્વપ્ન સાકાર કરવા સોની મહાજનો આગળ આવે તે ઈચ્છનીય છે.
- Advertisement -
સોની પરિવારને આર્થિક મદદ માટે ‘ખાસ-ખબર’ની ખાસ અપીલ
ઝિંઝુવાડિયા પરિવાર ખરેખર દારૂણ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. સોની સમાજ અને અન્ય સમાજનાં શ્રેષ્ઠીઓ તેમને મદદ પહોંચાડે તો તેઓ છત, બાથરૂમ, ગેસ, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પામી શકે તેમ છે. સામાન્ય રીતે આ પ્રકારની અપીલ ‘ખાસ-ખબર’ ક્યારેય કરતું નથી. પરંતુ એક અપીલથી જો એક પરિવારનાં જીવનમાં પરિવર્તન આવતું હોય તો તેનાંથી રૂડું બીજું શું હોઈ શકે? સોની પરિવારને મદદ કરવા માટે નીચે બેન્ક ડીટેઈલ આપી રહ્યાં છીએ.
ખાતા નં. : 90298100000749
બેંક : બેંક ઓફ બરોડા,
રણછોડનગર બ્રાન્ચ,
રાજકોટ
ઈંઋજઈ : BARB0BRNCH
(ઋશરવિં ઈવફફિભયિિં શત નણયજ્ઞિસ્ત્ર)