યુનિ. ખાતે કાલે ફાઈનાન્સ કમિટીની બેઠક મળશે
છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ રજિસ્ટ્રારને આવેદન પાઠવી રજૂઆત કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે ફાઈનાન્સ કમિટીની બેઠક મળવાની છે જેમાં જુદા જુદા ભવનો અને વિભાગોમાંથી આવેલી દરખાસ્ત અંગે ચર્ચા કર્યા બાદ ક્યાં ખર્ચા મંજૂર કરવા, શેમાં ખર્ચ ઘટાડવો તેની કમિટીના સભ્યો ચર્ચા કર્યા બાદ નિર્ણય કરશે. ત્યારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ બિનજરૂરી ખર્ચ મંજૂર ન કરવા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્ર મુજબ આંકડાશાસ્ત્ર ભવનમાં આગામી દિવસોમાં યોજાનારી નેશનલ કોન્ફરન્સમાં કુલ 7 લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી છે. જે અયોગ્ય છે. આ સિવાય પત્રકારત્વ ભવનના 50 વર્ષની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ માટે 6.32 લાખ નામંજૂર કરવામાં આવે. કારણ કે, ભવનને કાર્યક્રમ માટે જે રકમ ફાળવવામાં આવતી હોય તેમાંથી જ કરવાના હોય જો આ રકમને મંજૂર કરાશે તો અન્ય ભવનમાંથી પણ પ્રસ્તાવ આવશે. જ્યારે રિસર્ચ ફોર રિસર્જન ફાઉન્ડેશન બાબતે 21થી 25 સપ્ટેમ્બર સુધી કાર્યક્રમ યોજાશે.
જેના સાત લાખનો પ્રસ્તાવ મુકાયો છે. જે મંજૂર કરવો પણ અયોગ્ય છે. જ્યારે એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રેટીવ આસિસ્ટ સિસ્ટમના હેતુ માટે આશરે 31.86 લાખનો પ્રસ્તાવ મુકાયો છે તો આ સિસ્ટમનો ઉદ્દેશ શું છે આટલો મોટો ખર્ચ શા માટે ? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી બિનજરૂરી ખર્ચ ન થાય તેમજ આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આપી હતી.