આપ મંત્રી મનોજ સોરઠીયાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો, મારી અને ઇટાલિયાની હત્યા પણ થઈ શકે: ઇસુદાન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (અઅઙ) જોરશોરથી પોતાનું કદ વધારવા તરફ આગળ વધારી રહી છે, એની સાથે રાજકીય યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે આ જંગ લોહિયાળ બનવા લાગ્યો છે. સુરતમાં મંગળવારે રાત્રે અઅઙ દ્વારા યોજવામાં આવેલા ગણેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં અઅઙના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
આ હુમલા અંગે અઅઙના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કરવામાં આવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું આપે. ગુજરાતની સંસ્કૃતિને ક્યાં પહોંચાડી છે. ભાજપની આ હિન્દુવિરોધી નીતિ છે. ચૂંટણી લોહિયાળ બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડીજીપી અને સુરત પોલીસ કમિશનર પણ નિષ્ફળ ગયા છે. તમારે પણ તપાસ કરવી જોઈએ, નહીં તો રાજીનામું આપી દેવું જોઈએ. મનોજ સોરઠિયા પર નહિ, પણ ગુજરાતની જનતા અને શાંતિ પર હુમલો કર્યો છે. ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ ડો. સંદીપ પાઠક અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજે બપોરે સુરત પહોંચશે અને હોસ્પિટલ ખાતે તેમની મુલાકાત લેશે.
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જણાવ્યું હતું કે અમારે સીમાડા નાકા પર ગણપતિ ઉત્સવના શુભેચ્છાનાં બેનર લગાડવામાં આવ્યાં હતાં, ત્યાં જ અન્ય કોંગ્રેસ પાર્ટીના પણ બેનર લગાડવામાં આવ્યાં છે, એ પણ એસએમસીની ગ્રિલ ઉપર લગાડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં આવીને એકાએક જ અમારા શુભેચ્છાનાં બેનરો ફાડવાના શરૂ કરી દીધું હતું અને હુમલો કરી દીધો હતો. મંડપ પાસે જે પાઇપ પડેલી હતી એનાથી જ અમારા કાર્યકર્તા પર પણ હુમલો કરી દીધો હતો.
- Advertisement -
મનોજ સોરઠિયા પરના હુમલાને અરવિંદ કેજરીવાલે વખોડ્યો
આ હુમલાને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે આ રીતે વિપક્ષ પર હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર-જીત તો થયા કરે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડવો, આ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને જનતા એને પસંદ કરતી નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે દોષિતોને કડકમાં કડક સજા અપાવે અને સૌની રક્ષા કરે.
‘ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો’
ઇસુદાન ગઢવીએ વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે સુરતમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા આપ કા રાજા નામના અમારા પંડાલ પર ગયા ત્યારે ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો. મનોજભાઈ સમજે એ પહેલાં જ માથામાં પાઇપ મારી છે. અત્યારસુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે. ભાજપ લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે.
‘નરેન્દ્ર મોદી પણ ટ્વીટ કરે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી છે’
ભાજપની નીતિને વખોડવા અપીલ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે તેઓ પણ ટ્વીટ કરે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. અઅઙથી ભાજપ ડરી ગયો છે. અમારા પર 7 વખત હુમલા થયા છે તેના ફોટો સહિતના પુરાવા આપ્યા છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. પોલીસ હવે પપેટ બની ગઈ છે. કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવે એવી અમારી માગ છે અને બહારના રાજ્યની પોલીસને ચૂંટણીમાં બંદોબસ્તમાં બોલાવવામાં આવે એવી માગ છે.