ભાવનગરના રાજકારણમાં ખળભળાટ મચાવતી મહિલા આગેવાનની પોસ્ટ
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપના મહિલા આગેવાન ગીતાબેન કોતરે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખના ત્રાસથી કંટાળી ગાંધીનગર સચિવાલય ખાતે આત્મવિલોપન કરવાની ચિમકી આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરતાં ખળભળાટ મચી ગયો છે. કારડીયા રાજપૂત સમાજના વિવાદ બાદ ગીતાબેન કોતરના આક્ષેપથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ગીતાબેને ચિમકી આપી છે કે પ્રમુખનો ત્રાસ છે, ન્યાય આપો નહીં તો આત્મહત્યા કરીશ. આજે આ મારો છેલ્લો મેસેજ છે, મારા પર મુકેશ લંગાળીયા દ્વારા જે ત્રણ પાનાનો આરોપ નાખવામાં આવ્યો છે તે દ્વારકાધીશના સોગંદ ખાઈને કહું છું કે મેં નથી લખ્યો, ને જો મને આમાં ન્યાય નહીં મળે તો હું ગાંધીનગર સચિવાલયમાં ઝેર પીને આત્મહત્યા કરીશ. મારી આ વાતને કોઈએ મશ્કરી ન સમજવી, હું જે કહું છું ને એ કરી બતાવું છું. આજ સુધી ક્યારેય ખોટું નથી બોલી. મારે ન્યાય જોઈએ, મને હોદ્દાની કે ટિકિટની ભૂખ નથી. દ્વારકાધીશના વંશજનો છીએ ખોટું બોલી નથી ને બોલીશ નહીં. આખો જિલ્લો જાણે છે મારા સ્વભાવને ન્યાય માટે લડવાનું છે. ગીતાબેને બીજી એક પોસ્ટમાં પણ કહ્યું હતું કે મારી આ વાતને કોઈએ મશ્કરી ન સમજવી. હું જે કહું છું ને એ કરીને બતાવું છું. આજસુધી ક્યારેય ખોટું નથી બોલી, મારે ન્યાય જોઈએ, મને હોદ્દાની કે ટિકિટની ભૂખ નથી. દ્વારકાધીશના વંશજનો છીએ ખોટું બોલી નથી ને બોલીશ નહીં આખો જિલ્લો જાણે છે મારા સ્વભાવને ન્યાય માટે લડવાનું છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશ લંગાળીયાના વિવાદિત નિવેદનથી હજુ રાજપૂત સમાજનો રોષ શમ્યો નથી ત્યાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વપ્રમુખે મુકેશ લંગાળીયાના ત્રાસથી ગાંધીનગર ખાતે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા ભારે ખળભળાટ મચી ગયો છે.
- Advertisement -
ભાવનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ મુકેશ લંગાળીયાએ તાજેતરમાં શિહોર ખાતે મળેલી ભાજપની બેઠકમાં મહામંત્રી સમાજના કાર્યક્રમમાં વ્યસ્તતાને કારણે ગેરહાજર હોવાથી સમાજ કે ભાજપ મોટો?નું કહી ધમકીભર્યા સૂરમાં મહામંત્રીનું રાજીનામુ લઈ લેવા તાલુકા પ્રમુખને જણાવતાં અને તે ઓડિયો વાઈરલ થતાં કારડીયા રાજપૂત સમાજ અને કરણી સેનામાં આક્રોશ ફેલાયો છે.