વેરાવળ પોલીસને મળી સફળતા: તહેવારોમાં શહેરનાં બસ સ્ટેશનમાં પહોંચી જતા આરોપીઓ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સિટી પોલીસે છેલ્લા બારેક વર્ષથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બરોડા, નડિયાદ, દાહોદ તથા વેરાવળ શહેરના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડમાં નજર ચુકવી પેસેન્જરોના પૈસા સેરવી લેવાના અને ચોરીના આશરે 339 જેટલા ગુનાઓ આચરનાર ગેંગને પકડી પાડી છે.
- Advertisement -
આ અંગે વધુ વિગતો આપતા ડીવાયએસપી જી.બી. બાંભણિયાએ જણાવ્યું હતું કે, માંગરોળના રહેવાસી નિકિતાબેન કોડીયાતર પોતે પોતાના પિયર વેરાવળ ખાતે જન્માષ્ટમીનો તહેવાર કરવા આવેલા હતા અને તહેવાર પુર્ણ થતા પોતાના સાસરે માંગરોળ જવા વેરાવળ બસ સ્ટેશન ખાતે આવેલા દરમિયાન પોતે બસની રાહ જોઇ ઉભેલ હતા. માંગરોળ રૂટની બસમાં બેસવા પેસેન્જરોની ભીડમાં બેસવા ગયેલ ત્યારે પેસેન્જરની ભીડમાં કોઇ અજાણ્યા ચોરએ તેમની થેલામાંથી પર્સ જેમાં રોકડ રૂપિયા 5 હજાર, મોબાઇલ ફોન કિં.રૂ.10 હજાર તથા ઉષાબેન પ્રફુલભાઇ કાનાબાર (રહે.વેરાવળ)વાળાના પર્સમાંથી રોકડ રૂપિયા 11 હજાર મળી કુલ રૂ.26 હજાર નો મુદામાલ ચુકવી સેરવી ગયા હતા. ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ વેરાવળ સીટી પો.સ્ટે.ના પીઆઇ એસ. એમ. ઇશરાણીએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી.
સીસીટીવી ફુટેજનો ઉપયોગ કરી ઝીણવટભરી રીતે અભ્યાસ કરતા આશરે ત્રીસેક વર્ષની બે મહીલા ગ્રે કલરની ફોર વ્હીલ કારમાંથી ઉતરી બસ સ્ટેશનમાં જઇ શંકાસ્પદ હીલચાલ દેખાઇ હતી. ફુટેજમાં કાર તથા શંકમંદ મહીલાઓને પકડી પાડવા તા.24ના રોજ વેરાવળ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા,તે દરમિયાન બાતમીના આધારે આ ફોરવ્હીલમાં બન્ને મહીલા ઇસમો તથા તે બન્ને મહીલાઓ પતિ મળી સંજય ઉર્ફે સંજુ મોતીસિંગ બેરાવત, ગીતાબેન સંજય ઉર્ફે સંજુ બેરાવત, નરેશભાઇ હુમજીભાઇ ભાભોરને ઝડપી લીધા હતાં. તેમની પાસેથી 5 મોબાઇલ ફોન કિં. 11 હજાર 500 તથા રોકડ રકમ રૂપિયા 96,800 તેમજ ગુનામાં ઉપયોગ કરેલ ફોર વ્હીલ કાર કિંમત રૂપિયા 6 લાખની મળી કુલ રૂપિયા કુલ રૂ.7,34,300ના મુદામાલ કબજે કર્યો હતો. આશરે રૂા.9,92,000 જેટલા રૂપિયાની ચોરી કર્યાની કબુલાત આપી હતી.



