કાંબલી BCCI તરફથી દર મહિને મળતાં 30,000ના પેન્શન ઉપર જ નિર્ભર
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર વિનોદ કાંબલી અત્યારે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે અને પાઈ પાઈનો મોહતાજ થઈ ગયો છે. સ્થિતિ એવી છે કે તે પૈસા કમાવા માટે ક્રિકેટ સાથે જોડાયેલું કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે. સામાન્ય રીતે સોનાનો ચેઈન, સ્ટાઈલિશ કેપ અને શાનદાર ડ્રેસમાં જ દેખાતાં કાંબલી અત્યારે સાવ સાધારણ દેખાઈ રહ્યા છે અને તેના મોબાઈલ ફોનની સ્ક્રીન પણ તૂટેલી જોવા મળી હતી !
- Advertisement -
કાંબલીની સ્થિતિ એવી છે કે ક્લબ સુધી આવવા માટે તેણે પોતાના એક મીત્રની કારમાં આવવું પડ્યું હતું. કાંબલીએ કહ્યું કે તેને કામની જરૂર છે અને અત્યારે તેની આવકનો એકમાત્ર સ્ત્રોત બીસીસીઆઈનું પેન્શન જ છે. કાંબલીને બીસીસીઆઈ તરફથી પેન્શનના રૂપમાં 30,000 રૂપિયા મળે છે. પોતાની આર્થિક તંગી વિશે વાત કરતાં કાંબલીએ કહ્યું કે હું એક નિવૃત્ત ક્રિકેટર છું અને સંપૂર્ણ રીતે બીસીસીઆઈના પેન્શન ઉપર નિર્ભર છું. મારી આવકનો સ્ત્રોત માત્ર પેન્શન જ છે અને આ માટે હું ભારતીય ક્રિકેટ બોર્ડનો આભારી છું.
કાંબલીએ કહ્યું મને એવા કામની જરૂર છે જેનાથી યુવા ખેલાડીઓની મદદ થઈ શકે. મને ખબર છે કે મુંબઈએ અમોલ મજૂમદારને પોતાનો મુખ્ય કોચ બનાવી રાખ્યો છે પરંતુ જો તેને મારી જરૂર હોય તો હું ઉપલબ્ધ છું. મેં તેને ઘણીવાર કહ્યું છે કે મારી જરૂર હોય તો મને કહે. મારો પરિવાર છે અને મારે તેની સારસંભાળ રાખવાની છે. ક્રિકેટથી નિવૃત્ત થયા બાદ તમારી પાસે કોઈ જ ક્રિકેટ નથી પરંતુ તમારે જીવનમાં સ્થિરતા જાળવી રાખવા માટે કામની જરૂર રહે છે. હું એમસીએ પ્રમુખને અનુરોધ કરું છું કે જો મારી જરૂર હોય તો હું તૈયાર છું.