ચીનની અમેરિકાને ખુલ્લી ધમકી: પૂર્વીય એશિયામાં તંગદિલી
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના નીચલા ગૃહ ‘હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટીવ્સ’ (લોકસભા)ના સ્પીકર નેન્સી પેલોસીએ એશિયાના ચાર દેશોની યાત્રાનો સિંગાપોરથી પ્રારંભ કર્યો હતો. નેન્સી પેલોસી તાઈવાનનો પ્રવાસ કરે એવી અટકળો હોવાથી અમેરિકા-ચીન વચ્ચે તંગદિલી સર્જાઈ છે.
- Advertisement -
ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાને યુદ્ધની આડકતરી ધમકી આપતા કહ્યું હતું કે જો નેન્સી પેલોસી તાઈવાન જશે તો અમારું સૈન્ય બેસી રહેશે નહીં. અમે અમારા સાર્વભૌમત્વના રક્ષણ માટે દરેક સ્થિતિનો સામનો કરવા સજ્જ છીએ.
નેન્સી પેલોસીની જાહેરાત પ્રમાણે તેમની એશિયન દેશોની યાત્રા શરૂ થઈ હતી. સિંગાપોરમાં પહોંચીને સિંગાપોરના નેતાઓ સાથે તેમણે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું એ પ્રમાણે સિંગાપોર, મલેશિયા, જાપાન અને દક્ષિણ કોરિયાની તેઓ મુલાકાત કરશે. જોકે, તાઈવાન પણ જઈ શકે છે એવી અટકળો અને અહેવાલોના કારણે ચીન આ યાત્રાનો વિરોધ કરે છે. નેન્સી પેલોસીએ તાઈવાનનો ઉલ્લેખ સત્તાવાર જાણકારીમાં ક્યાંક કર્યો નથી.
અમેરિકન સંસદના સ્પીકર તાઇવાનની મુલાકાત કરે તેનો ચીન વિરોધ કરે છે. તાઈવાનને ચીન પોતાનો હિસ્સો ગણાવે છે. તાઈવાન તેની આંતરિક બાબત ગણાવીને ચીન કહે છે કે વિદેશી બાબતોની ચર્ચા સીધી તાઈવાન સાથે થાય તે બિલકુલ યોગ્ય નથી.
જો વિદેશી નેતાઓ તાઇવાનની મુલાકાત કરે તો તાઈવાનને માન્યતા મળવા લાગે. ચીન એનો વિરોધ કરે છે.
અમેરિકાને તાઇવાન સાથે સત્તાવાર રાજદ્વારી સંબંધો પણ નથી પરંતુ અમેરિકાના કાનૂનો તાઇવાનને તેના રક્ષણ માટે પૂરતા સાથનો પૂરા પાડવા સ્પષ્ટત: જણાવે છે.
- Advertisement -
જો નેન્સી પેલોસી તાઇવાનની મુલાકાત લેશે તો ચીન અને અમેરિકાના વણસી રહેલા સંબંધો વધુ વણસવા સંભવ છે.તાઇવાનની મુલાકાત લેનારા અમેરિકાના રિપબ્લિકન સ્પીકર ન્યૂટ ગીનરીવ હતા તેઓએ 1997માં તાઇવાનની મુલાકાત લીધી હતી.