આકસ્મિક સંજોગો માટે દરેક તાલુકાઓમાં એક-એક મેડીકલ ટીમ તૈનાત
અત્યાર સુધીમાં 4 લાખ જેટલા લોકોને સઘન સર્વેલન્સ હેઠળ આવરી લેવાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર સાથે મેઘરાજાએ મોરબી જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ સાથે એન્ટ્રી મારી છે. મોરબી જીલ્લામાં વરસાદ પછી રોગચાળાને ફેલાતો અટકાવવા તેમજ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ સંલગ્નની કામગીરી માટે મોરબી જીલ્લામાં આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા વર્કર સહિત કુલ 1377 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા હાલ સુધીમાં 80,820 ઘરોની મુલાકાત લઈ 3,99,003 જેટલા લોકોને સઘન સર્વેલન્સમાં આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેલન્સ દરમિયાન 1840 લોકોના લોહીની તપાસ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત અતિ વરસાદના કારણે કોઈ ઈમરજન્સી ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે દરેક તાલુકાઓમાં ગાડી, ડ્રાઈવર, ડોકટર્સ અને જરૂરી સ્ટાફ, દવા તથા જરૂરી તમામ સાધન સામગ્રી સાથે એક-એક મેડીકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. આમ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ રોગચાળા અટકાયતી કામગીરી માટે અને અતિવૃષ્ટિ અંતર્ગત કોઈ વધુ જરૂરીયાત જણાય તેમના માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર મુલાકાત કરી રોગચાળા અંગે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યા છે તેમજ ઘરઘર મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાલની સ્થિતિમાં પાણીજન્ય રોગચાળાથી બચવા શું કરવું અને શું ન કરવું વગેરે બાબતોની માહિતી આપી લોકોમાં પાણી જન્ય રોગચાળાથી બચવા અંગે જાગૃતિ કેળવવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે.