41થી વધુ હજુ લાપતા : દટાયેલા લોકો જીવિત હોવાની શક્યતા ઓછી
ખાસ-ખબર સંવાદદાતા
અમરનાથમાં વરસાદી દુર્ઘટનાઓ અને પૂર પછી લાપતા થયેલા લોકોને શોધવા ત્રીજા દિવસે પણ બચાવ અભિયાન ચાલ્યું હતું. જોકે, ત્રણ દિવસ વીતી જતા કાટમાળ નીચે દટાઈ ગયેલા લોકો જીવિત હોવાની શક્યતા ઘણી ઓછી છે. સૈન્યના જવાનો અને બચાવકર્મીઓ દ્વારા જીવિત લોકોને બહાર કાઢવાના પ્રયાસને પ્રાથમિકતા અપાઈ રહી છે. બીજી તરફ, અમરનાથ ગુફામાં દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ખરાબ હવામાનના કારણે જમ્મુના રસ્તે પણ અમરનાથ યાત્રા રોકી દેવાઈ છે. અમરનાથ ગુફાના રસ્તે શુક્રવારે સાંજે ભારે વરસાદ પછી આવેલા પૂર-કાટમાળની ચપેટમાં આવી જવાથી 16 શ્રદ્ધાળુના મોત થઈ ગયા હતા, જ્યારે 41 લોકો લાપતા પણ થઈ ગયા હતા. આ દરમિયાન 53 શ્રદ્ધાળુને ઈજા પણ થઈ હતી, જેમાંથી 35ને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. આ ઉપરાંત 17ની સારવાર ચાલી રહી છે.