મોરબીની આર્થિક કરોડરજ્જુ સમાન અને પાલિકાને લાખો રૂપિયાની કમાણી કરાવતાં લાતીપ્લોટનાં વેપારીઓ પ્રાથમિક સુવિધાઓ માટે લાચાર
એક જ દિવસમાં કિચડના કારણે અનેક વાહનો ફસાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરનો કમાઉ દીકરા સમાન લાતીપ્લોટ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી પાલિકાને લાખો રૂપિયાનો વેરો આપે છે તો સરકારને પણ ઘડિયાળ, ગિફ્ટ આર્ટીકલ સહીતની નાની મોટી ફેક્ટરીઓ જીએસટીના નામે લાખો રૂપિયા કમાઈને આપે છે જોકે શહેરનો કમાઉ દીકરા સમાન જીઆઈડીસી વિસ્તાર હાલમાં નર્કાગાર જેવી હાલતમાં છે. એક વર્ષ પહેલા મોરબી જિલ્લાના તત્કાલીન પ્રભારીમંત્રી સૌરભ પટેલ તથા હાલના મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ વિસ્તારમાં રોડ રસ્તા અને માળખાકીય સુવિધા માટે રૂ. 20 કરોડનું પેકેજ જાહેર કર્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત જે તે સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આવતા વર્ષથી જીઆઈડીસી વિસ્તારની સકલ બદલાવી દેવાશે અને ફરીથી આ વિસ્તારમાં લોકોને ભૂગર્ભ ગટર ઉભરાવવા કે વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે ત્યારે મોરબી ક્લોક એસોશિએશન દ્વારા પ્રભારીમંત્રી અને ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો જોકે આ પેકેજમાંથી કેટલો ખર્ચ થયો અને ક્યાં વિસ્તારમાં સુવિધા મળી તે તો પાલિકા અને સરકારી તંત્ર જાણે કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાતી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલ છે જે સ્થાનિક ઉદ્યોગકારો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે.
આ વિસ્તારમાં રો મટિરીયલ ભરેલ વાહન કે તૈયાર માલ અન્ય સ્થળે લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રક, બોલેરો કે અન્ય માલવાહક વાહન કીચડમાં ફસાઈ જતા હોય છે અને તેના કારણે વાહનમાલિકો પણ વધુ ભાડા વસુલે છે તો ઘણા વાહનચાલકો આવવા પણ રાજી થતા નથી જેના કારણે ઉધોગકારોને હાલાકી સાથે-સાથે નુકસાની પણ વેઠવી પડી રહી છે.
- Advertisement -
કાદવનાં કારણે મજૂરોને મહિનામાં 15 દિવસ રજા જેવો માહોલ
ચોમાસા દરમિયાન દર વર્ષે કાદવ કીચડ અને પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે જેના કારણે મજૂરોને આવવાં જવામાં મુશ્કેલી થાય છે અને મહિનાના 15 દિવસ તો નાછુટકે રજા જેવો માહોલ હોય છે. અહીં સીસી રોડ પર માટી નાખી દેવાતા વાહન પણ લપસી રહ્યા છે. બ્રિજેશભાઈ મેરજાએ જયારે આ વિસ્તારમાં રસ્તાના કામના ખાતમુર્હુત કર્યા ત્યારે તેમના પર આશા હતી કે સમસ્યા ઉકેલાશે પરંતુ આશા ઠગારી નીવડી છે. – વેપારી દેવાંગભાઈ
વેપારીઓએ ત્રસ્ત થઈને ઉદ્યોગનાં પ્રવેશદ્વારે પાળી બનાવી
લાતી પ્લોટના 7 વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું જેના કોન્ટ્રાક્ટર દ્વારા અહીં વાહન ચલાવવામાં આવતા હતા તેનાથી પાણીની લાઈન છેલ્લાં 15 દિવસથી તૂટી ગઈ છે. આ બાબતે અનેક વાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કામગીરી કરાઈ નથી. હાલ વરસાદના કારણે વધુ પાણી ભરાયું છે. વરસાદી પાણી તેમજ આ લાઈન લીકેજનું પાણી દુકાનમાં કે ફેક્ટરીમાં ન ભરાય તે માટે નાછૂટકે વેપારીઓએ પોતાના ઉદ્યોગ-ધંધાના પ્રવેશદ્વાર પાસે પાળી બનાવી નાખી છે. – વેપારી બાબુભાઈ