PGVCLએ પ્રદુષણ ઓકતા પાંચ એકમોના વીજ કનેક્શન કાપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છનું નાનું રણ કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર એમ ત્રણ જીલ્લાની હદ સાથે જોડાયેલું છે. આ અભ્યારણ્યમાં દુર્લભ અને શિડ્યુલ એકમાં જેની ગણતરી થાય છે તેવા ઘુડખરનો વસવાટ છે. વન કાયદા અંતર્ગત શિડ્યુલ એકમાં આવતા વન્યજીવો માટે અભ્યારણ્ય વિસ્તાર જાહેર કરવામાં આવે છે જેમાં કોઈપણ પ્રકારની ફેકટરીઓ કે બાંધકામને મંજૂરી આપવામાં આવતી નથી તેમ છતાં હળવદના ટીકર રણનો ઢસી વિસ્તાર કે જેનો અભ્યારણ્યમાં સમાવેશ થાય છે, આ વિસ્તારમાં એક બે નહીં પરંતુ અનેક ફેકટરીઓ ગેરકાયદે ધમધમી રહી છે જેમાંથી કેટલીક ફેક્ટરીઓ તો કેમિકલયુક્ત જોખમી પાણીનો નિકાલ પણ આ જ વિસ્તારમાં કરે છે જેથી ઘુડખરના અસ્તિત્વ સામે જોખમ ઉભું થઈ શકે છે તેમ છતાં ખુબ લાંબા સમયથી આવી ફેકટરીઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે ત્યારે શું વનવિભાગ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પીજીવીસીએલ, જીલ્લા કલેકટર કે સ્થાનિક મામલતદારને આ અંગેની જાણકારી જ ન હતી ? કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા તેવા સવાલો ઉઠ્યા છે.
- Advertisement -
આ બાબતે સ્થાનિક લોકોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારતા અંતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને પીજીવીસીએલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટીકર રણના ઢસી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ધમધમતી ફેક્ટરી સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લાલ આંખ કરીને સ્થળ તપાસ કરી હતી જે ચકાસણીમાં 11 એકમો રણની ઢસીમાં હોવાનું સામે આવ્યું હતું જેમાંથી જીપીસીબીએ ચાર એકમોને ક્લોઝર નોટિસ, 25-25 લાખનો દંડ તથા વીજ કનેક્શન દૂર કરવાની પીજીવીસીએલને સૂચના આપી હતી ત્યારબાદ હાલમાં વધુ એક ફેક્ટરી સામે જીપીસીબીએ દંડનીય કાર્યવાહી કરી હતી અને આ ફેક્ટરીને પણ ક્લોઝર નોટિસ, 25-25 લાખનો દંડ તથા વીજ કનેક્શન કાપવા પીજીવીસીએલ તંત્રને સૂચના આપી હતી જેથી પીજીવીસીએલ તંત્ર દ્વારા હાલમાં કેમ સ્ટોન, શિવાય એક્સપોર્ટ, શિવ ઈન્ડસ્ટ્રીઝ, ફાલ્કન ઈન્ડસ્ટ્રીઝ અને શિવકૃપા એમ કુલ પાંચ ફેકટરીઓના વીજ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે ત્યારે આ કામગીરી કેટલો સમય ચાલશે તે પણ એક સવાલ છે.
અભ્યારણ્યના અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં !
હળવદના ટીકર રણની ઢસીમાં ઘુડખર અભ્યારણ્યની ઝીરો મીટરની રેન્જ (ઈકો સેન્સેટીવ ઝોન) માં યુનેસ્કોએ જાહેર કરેલી કચ્છ બાયો રિઝર્વ જગ્યામાં રેડ અને ઓરેન્જ કેટેગરીના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એશિયામાં લુપ્ત થતી ઘુડખર જેવી પ્રજાતિ માત્ર ઘુડખર અભ્યારણ્યમાં જોવા મળે છે. આ અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખરની સાથે અનેક લુપ્ત થતી પ્રજાતિઓના પ્રાણીઓ વસવાટ કરે છે તેમજ શિયાળામાં વિદેશી પક્ષીઓના સ્વર્ગ મનાતા અભ્યારણ્યના કાંઠે પ્રદૂષણ ઠાલવતા એકમો સામે વન વિભાગ હેઠળ આવતા અભ્યારણ્યના અધિકારીઓ પણ કેમ લાપરવાહી દાખવીને ફેક્ટરીના માલિકોને છાવરી રહ્યા છે તે સમજાતું નથી.