આર્થિક ભીંસમાં સપડાયેલા વૃદ્ધે જીવન ટૂંકાવતા પરિવારમાં આક્રંદ
પરિવારજનો સૂતા હતા ત્યારે હોલમાં જઇ પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો : પોલીસ તપાસનો ધમધમાટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ’પટેલ વિહાર’ રેસ્ટોરન્ટના સંચાલક હસમુખભાઈ પાંચાણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
કોરોના કાળથી આર્થિક ભીંસમાં સપડાયેલા વૃદ્ધે જીવન ટૂંકાવ્યું હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના આનંદ બંગલા ચોક પાસે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને શહેરમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર નામે રેસ્ટોરન્ટ ધરાવતા હસમુખભાઈ પરસોતમભાઈ પાંચાણી નામના 65 વર્ષના વૃદ્ધે પોતાના ઘરે હોલમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચારી મચી ગઇ છે.
આ અંગે ઘટનાની જન થતા માલવિયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડ્યા અને દિગવિજયભાઈ ગઢવી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
- Advertisement -
આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ હસમુખભાઈ પાંચાણી પટેલ વિહાર નામે શહેરમાં બે રેસ્ટોરન્ટ ધરાવતા હતા. પરંતુ કોરોના કાળથી બંને રેસ્ટોરન્ટમાં ધંધો મંદો થઈ જતાં છેલ્લા ઘણા સમયથી વૃદ્ધ આર્થિક ભીંસમાં સપડાયા હતા અને તણાવમાં રહેતા હતા. તે દરમિયાન આજરોજ વહેલી સવારે પરિવારજનો સૂતા હતા તે દરમિયાન પોતે હોલમાં જઇ પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
પત્નીએ ઊઠીને રૂમમાં જોતા હસમુખભાઈ દેખાયા ન હતા. જેથી તેઓ હોલમાં ગયા ત્યારે હસમુખભાઇનો મૃતદેહ લટકતો જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ઘટના અંગે જાણ થતાં પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળનું સચોટ કારણ જાણવા માટે વધુ તજવીજ હાથધરી છે.
વર્ષોથી પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ ચલાવતા
હસમુખભાઇ પાંચાણી રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ નામે વર્ષોથી ધંધો કરતા હતા. ગોંડલ રોડ પરનું તેમનું પરોઠા હાઉસ વર્ષો જૂનું અને લોકોમાં જાણીતું છે.