કોઇપણ ગુનામાં આરોપીને જામીન આપતા પૂર્વે અદાલતોએ ગુનાની ગંભીરતા અને પૂરાવાઓ પર વિચાર કરવો જોઇએ તેવી મહત્વની સલાહ સર્વોચ્ચ અદાલતે આપી છે. એક હત્યા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા જામીનને રદ કરીને સુપ્રિમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણીમાં ગુનાની ગંભીરતા, પૂરાવા અને આરોપીની માનસિકતા જેવા તથ્યોને ધ્યાને લીધા ન હતા.
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કરીને સર્વોચ્ચ અદાલતે જામીન આપવા અથવા ન આપવા માટે કેટલાક માપદંડ ગણાવ્યા હતા.કેસ જામીન માટે ફીટ છે કે નહીં તે માટે ગુનાની પ્રકૃતિ, મહત્તમ સજા અને આરોપીની માનસિકતાને ધ્યાનમાં લેવાનું જરુરી છે. સામાન્ય રીતે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરાતા કે નામંજૂર કરાતી જામીન અરજીને પડકારવામાં આવે તો સર્વોચ્ચ અદાલત દરમિયાનગીરી કરતી નથી. પરંતુ એ જરુરી છે કે, હાઇકોર્ટ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ ગંભીરતાપૂર્વક કરે. સર્વોચ્ચ અદાલતે આ માટે માર્ગદર્શિકા બનાવી છે તેનું પાલન કરવામાં આવે.
- Advertisement -
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કોર્ટે જામીન મંજૂર કરતી વખતે ઔચિત્યહીન તથ્યો ધ્યાને લીધા હોય તો જામીન રદ થઇ શકે છે. વગદાર આરોપી દ્વારા સાક્ષી તથા પૂરાવાઓને પ્રભાવિત કરવાના તથ્યને નજરઅંદાજ કરવામાં આવ્યા હોય તો પણ જામીન રદ કરી શકાય છે. સાથોસાથ કોઇપણ નક્કર આધાર વિના જામીન આપવામાં આવ્યા હોય તો પણ તે રદ થઇ શકે છે. આવા કેસોમાં હાઈકોર્ટના આદેશ ટકી શકતા નથી.



