બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે
વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે
- Advertisement -
વાસ્તુ લેખમાળાના આજના આ અંકની અંદર આપણે વાસ્તુશાસ્ત્રમાં સવિશેષ મહત્ત્વ ધરાવતાં ઈશાન ખૂણા વિશે માહિતી મેળવીશું.
વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણો એ દેવતાઓની દિશા તરીકે ઓળખાય છે. દેવતાઓની વાત કરીએ તો ભગવાન શિવ એટલે કે મહાદેવજીનો ઈશાન ખૂણા પર સવિશેષ પ્રભાવ રહેલો છે. આ ઉપરાંત જો ગ્રહોની વાત કરીએ તો દેવગુરૂ બૃહસ્પતિ એટલે કે ગુરૂ મહારાજ પણ ઈશાન ખૂણા ઉપર આધિપત્ય ધરાવે છે અને તેથી જ વાસ્તુની અંદર બધા જ ખૂણા અને દિશાઓની અંદર ઈશાન ખૂણાનું મહત્ત્વ ઘણું વધારે છે.
આ ખૂણાનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાંથી આવતી શુભ ઊર્જાઓ અહીંથી આપની પ્રોપર્ટીમાં ફેલાય છે એટલે સારી ઊર્જાને પ્રદૂષિત અથવા તો નબળી કરી શકે તેવું કોઈપણ બાંધકામ જો અહીં હશે તો પૂરા ઘરની ઊર્જાની સાયકલ નબળી પડશે કે પ્રભાવિત થશે અને જો ઘરની અંદર ઈશાન ખૂણો વ્યવસ્થિત હોય તો સફળતા અને સુખાકારી માટે આપને ભરપૂર તકો પ્રદાન કરશે.
સૌ પ્રથમ આપણે એ સમજીએ કે આપની રેસિડેન્સીયલ કે કોમર્શિયલ પ્રોપર્ટીની અંદર ઈશાન ખૂણામાં શું હોવું જોઈએ?
દેવતાઓની દિશા હોવાને કારણે ઈશાન ખૂણામાં મંદિર રાખવું સૌથી ઉત્તમ રહેશે.
ડીઝાઈનીંગ કરતી વખતે આજકાલ લોકો ભગવાન માટે એક અલગ રૂમ બનાવવાની ઈચ્છા રાખતાં હોય છે, જે ઘણી સારી બાબત છે. ઘણાં લોકો ઈશાન ખૂણામાં મંદિર બનાવ્યા બાદ મંદિરની ઉપર ઘરની અન્ય વસ્તુઓનું સ્ટોરેજ કરતાં હોય છે, જે યોગ્ય નથી.
મંદિરની ઉપર કોઈપણ પ્રકારનું વજન રાખવું નહીં. યાદ રાખશો, આપની મિલ્કતની અંદર ઈશાન ખૂણાની અંદર સૌથી ઓછું વજન હોવું જોઈએ.
ઈશાન ખૂણામાં પૂજા રૂમ કે પૂજા મંદિર બનાવી શકાય. ઘણાં લોકો એ ભૂલ કરતાં હોય છે કે પૂજા કરતી વખતે પોતાનું મુખ ઉત્તર દિશા તરફ અને ભગવાનનું મુખ દક્ષિણ દિશા તરફ રહે તેવી રીતે મંદિરની ગોઠવણી કરતાં હોય છે જે યોગ્ય નથી. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશા તરફ અને ભગવાનનું મુખ પશ્ર્ચિમ દિશા તરફ રહે તે રીતે ભગવાનની મૂર્તિઓ કે ભગવાનના ચિત્રોની ગોઠવણી કરવી.
પૂજા-અર્ચના ઉપરાંત લોકો યોગ, પ્રાણાયામ અને અધ્યાત્મ માર્ગમાં ધ્યાન માટે પણ ઘણી સાધનાઓ કરતાં હોય છે તેમના માટે પણ ઈશાન ખૂણો જ સૌથી શ્રેષ્ઠ રહેશે.
આપણે ભાગ્યે જ કોઈ એવું ઘર જોયું હશે કે જ્યાં તુલસીજી ન વાવ્યા હોય. આપણી સંસ્કૃતિમાં તો તુલસીજીનું મહત્ત્વ એટલું છે કે જો બહુ મોટી જગ્યા ન હોય તો લોકો નાનકડાં કુંડામાં પણ ઘરની અંદર એક તુલસીનો છોડ અચૂક રાખે છે. ઈશાન ખૂણો તુલસીનો છોડ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ ખૂણો છે.
હવે તો લોકો ફેકટરીની અંદર પણ ઈશાન ખૂણામાં મંદિરની સ્થાપના કરતાં હોય છે. આગળ કહ્યા મુજબ આ ખૂણામાં આપણે વજન ખૂબ જ ઓછું રાખવાનું છે, માટે ફેકટરીની અંદર જો ઈશાન ખૂણામાં ખુલ્લામાં મંદિર બનાવો તો ત્યાં વજન કે મંદિરની ઊંચાઈ ખૂબ વધી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખશો.
ઈશાન ખૂણાની અંદર બાળકોના ભણવા માટે સ્ટડી રૂમ બનાવી શકાય છે. બુદ્ધિ, શક્તિ અને જ્ઞાન સાથે સંકળાયેલા આ ખૂણામાં બેસીને વિચાર-મંથન કે ભણવા માટે ઘણો સહાયરૂપ થશે.
ઘણાં ઉગ્ર સ્વભાવના બાળકો પણ જો અહીં બેસીને ભણશે તો તે પણ સારી રીતે ભણી શકશે, કેમકે ઈશાન ખૂણામાં રહેલું જળતત્ત્વ તેમની ઉગ્રતાને ઓછી કરવામાં મદદરૂપ થશે.
જો ઈશાન ખૂણામાં બાળકોનું સ્ટડી ટેબલ રાખવાનું હોય તો બાળક પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભણી શકે તે રીતે ગોઠવવું, પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે આપણે ઈશાન ખૂણામાં ભારે વજનવાળા ફર્નીચરની ગોઠવણી કરવાની નથી તેથી સ્ટડી ટેબલ ઈશાન ખૂણામાં પ્રમાણમાં હલકું વજન ધરાવતાં હોય તેવા પસંદ કરવા.
વાસ્તુ પ્રમાણે પ્રવેશદ્વાર અને આપનો લિવિંગરૂમ કે બેઠક રૂમ પૂર્વ દિશાથી લઈ ઈશાન અને ઉત્તર દિશા સુધી બનાવી શકાય. જો આપના ઘરની એન્ટ્રી પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો આપના બેઠક રૂમ માટે પૂર્વ, ઉત્તર કે ઈશાનનો ઝોન સૌથી યોગ્ય રહેશે. પરંતુ એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે સોફા કે અન્ય ફર્નીચરની ગોઠવણી ઈશાન ખૂણામાં ન કરતાં તેને પ્રમાણમાં ખાલી રાખવી અને સોફા ને લિવિંગ રૂમની પશ્ર્ચિમ અને દક્ષિણા દિશા તરફ ગોઠવવા.
પૂર્વ, ઉત્તર અને ઈશાન ખૂણાના લિવિંગ રૂમમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખો કે બધાં જ ફર્નીચરની અંદર ઓછા વજન ધરાવતાં ફર્નીચરને પસંદ કરવું. સાથે-સાથે આપના લિવિંગ રૂમમાંથી જો બાલ્કની બનાવવાની હોય તો તે પણ પૂર્વ બાજુના ઈશાન કે ઉત્તર બાજુના ઈશાનમાં બનાવી શકાય તો વધારે સારૂં રહેશે.
ઉપરાંત જો વિન્ડો કે બારીઓ મૂકવાની હોય તો તે પણ આ ખૂણામાં મૂકી શકાય છે.
કોમર્શિયલ ઓફિસમાં સ્ટાફને બેસવાની વાત કરીએ તો ઈશાન ખૂણાની અંદર આપની એકાઉન્ટ ટીમને બેસાડવી જોઈએ.
વાસ્તુ લેખમાળાના આજના પ્રકરણમાં આપણે ઈશાન ખૂણામાં શું હોવું જોઈએ, કે જે આપણા જીવનની સુખાકારી માટે યોગ્ય છે તે વિશે ચર્ચા કરી. આવતાં અંકમાં વાસ્તુની અંદર ઈશાન ખૂણાની અંદર ક્યા પ્રકારના બાંધકામથી વાસ્તુદોષ ઉદ્ભવે છે અને આપણા જીવન પર તેની શું અસર થાય છે? તે વિશે વિગતવાર ચર્ચા કરીશું.
ફરી મળીશું આવતાં શનિવારે….
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.