શ્રીનગરમાં ગણિતના શિક્ષક બિલાલ અહમદે લક્ઝરી કારની જેમ દરવાજા ખોલતી સેડાન કાર તૈયાર કરી છે, જેના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નેટિઝન્સે એની પ્રશંસા કરી છે
- Advertisement -
ઈંધણની કિંમત વધતાં લોકો પરિવહન માટે અન્ય વૈકલ્પિક ઉપાય શોધવા માંડ્યા છે. એવામાં કાશ્મીરના એક શિક્ષકે સોલર પાવરથી ચાલતી કાર તૈયાર કરી છે. શ્રીનગરમાં ગણિતના શિક્ષક બિલાલ અહમદે લક્ઝરી કારની જેમ દરવાજા ખોલતી સેડાન કાર તૈયાર કરી છે, જેના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નેટિઝન્સે એની પ્રશંસા કરી છે. સોલર પાવરથી ચાલતી આ કારમાં બોનેટથી માંડીને પાછળની વિન્ડશીલ્ડ સુધીની કારની સપાટી પર સોલર પૅનલ જોઈ શકાય છે.
લગભગ એક દસકાથી સોલર પાવર પર ચાલતી કાર પર કામ કરનાર બિલાલ અહમદ સામાન્ય લોકો માટે આ કારનું સસ્તું મૉડલ બનાવવા માગે છે. શરૂઆતમાં તેઓ આવી કાર દિવ્યાંગ માટે બનાવવા માગતા હતાં, પરંતુ ભંડોળની અછતને લીધે એ વિચાર પડતો મૂકવો પડ્યો હતો.
- Advertisement -
જોકે પછીથી ઈંધણની કિંમતમાં થયેલા અમર્યાદ વધારાને પગલે તેમણે સોલર પાવર પર ચાલતી કાર બનાવવાનો નિર્ણય કર્યો હતો, જે લગભગ ૧૧ વર્ષની મહેનત અને સંશોધન બાદ હકીકતમાં પરિણમી શકી હતી. તેમણે આ કાર માટે મોનોક્રિસ્ટલાઇન સોલર પૅનલનો ઉપયોગ કર્યો, જે ઓછી સૌર ઊર્જા સાથે મહત્તમ ઊર્જા ઉત્પન્ન કરવા માટે જાણીતી છે. મોટા ભાગની સ્પોર્ટ્સ કારમાં બે જણ બેસી શકે એવી સગવડ હોય છે, જ્યારે આ કારમાં ચાર વ્યક્તિ બેસી શકે છે.
અત્યાર સુધી આ કાર બનાવવા પાછળ ૧૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, જે માટે તેમણે કોઈની મદદ નથી લીધી. હવે તેઓ એવી કંપની શરૂ કરવા માગે છે જે આ કારનું ઉત્પાદન શરૂ કરી શકે અને ખીણમાં યુવાનોને રોજગાર પૂરો પાડી શકે.