રેલવે પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
અસામાજિક શખ્સોએ રેલવે ટ્રેક ઉપર ઈંટોનો ખડકલો કરી દેતાં રાજકોટ રેલવે પોલીસમાં ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનને ઉથલાવી નાખવા ગઈકાલે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મોરબીના મકનસર નજીક રેલવે ટ્રેક ઉપર ઈંટોનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો જોકે રેલવે પાયલટની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના સહેજમાં અટકી ગઈ હતી. આ મામલે રેલવે તંત્રમાં રેલપથ નિરીક્ષક તરીકે મોરબી ખાતે ફરજ બજાવતા સિનિયર સેક્શન એન્જીનીયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાજકોટ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન ગઈકાલે રવિવારે સર્વિસ માટે મોરબી આવી હતી અને બાદમાં રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઈ જતા મુસાફરો વગર ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે રવાના કરવામાં આવી હતી તે દરમિયાન પોણા ચારેક વાગ્યાના અરસામાં મકનસર નજીક રેલવે ટ્રેક પર નડતરરૂપ વસ્તુનો જથ્થો પડ્યો હોવાનું રેલવે પાયલટને નજરે પડતા પાયલટ સલીમભાઈ મન્સુરી દ્વારા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઈમરજન્સી બ્રેક મારી દેવામાં આવી હતી જેથી બ્રોડગેજ લાઈનની ટ્રેક પર પડેલા વસ્તુના જથ્થા સાથે ડેમુ ટ્રેનનું એન્જીન અથડાઈને ઉભું રહી ગયું હતું ત્યારબાદ પાયલટ સલીમભાઈએ નીચે ઉતરીને તપાસ કરતા વ્યવસ્થિત રીતે જાણી જોઈને રેલવે ટ્રેક પર કોઈએ ઈંટોનો જથ્થો ગોઠવ્યો હોવાનું પ્રતીત થતું હતું જેથી પાયલોટ સલીમભાઈ દ્વારા રેલવેના ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવતા રાજકોટ મોરબી વાંકાનેર રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી બાદમાં વહેલી સવારે ટ્રેનને તે સ્થળેથી રવાના કરવામાં આવી હતી. હાલમાં મોરબી રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર સુરેશકુમાર રામશબ્દ ગૌતમે રાજકોટ રેલવે પોલિસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા રેલવે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.