જગતમાં સુખી થવું હોય તો અહંકારનો ત્યાગ કરો. અહંકાર એટલે રાવણના અભિમાન જેવા અહંકારની વાત નથી. દરેક મનુષ્યમાં એક સૂક્ષ્મ ‘ઈગો’ રહેલો હોય છે. પોતાના મતાગ્રહો હોય છે, હઠાગ્રહો હોય છે, જીદ હોય છે. આ બધાનો જન્મ અહંકારની કુખમાંથી થાય છે. હું કહું એમ કેમ ન થાય? હું ઇચ્છું એ મને કેમ ન મળે? આપણે ભૂલી જઈએ છીએ કે આ વિશ્વમાં બીજા સાત અબજ જેટલા મનુષ્યો જીવે છે. અંતે તો એ થવાનું છે જે ’શિવતત્ત્વ’ અને ‘શકિતત્ત્વ’ ઈચ્છે છે. આપણે તો એના હાથના રમકડાં છીએ.
કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવી એ ખોટું નથી, પણ એના માટે હઠાગ્રહ રાખવો એ દુ:ખનું મૂળ છે. ઘણા મનુષ્યો એવું માનતા હોય છે કે એમના મનની અંદર ચાલતા વિચારો બહાર કોઈને દેખાતા નથી, પરંતુ હકીકતમાં એવું નથી. તમારા હઠાગ્રહો, અનુગ્રહો, અધિગ્રહો, પૂર્વગ્રહો આ બધું તમારી શારીરિક ભાષા એટલે કે ‘બોડી લેંગ્વેજ’ દ્વારા અને તમારી આંખોમાં ઊમટતા ભાવપલટા દ્વારા વ્યક્ત થયા વગર રહેતા નથી. ખૂબ ખરાબ વિચાર કરતા માણસનો ચહેરો અને આંખ વિકૃત બની જાય છે. તદ્દન સરળ અને કપટરહિત પ્રકૃતિના માણસની આંખ નિર્મળ હોય છે. ચહેરા પર એક પ્રકારની પવિત્રતા ઝળકતી હોય છે.
- Advertisement -
આપણે અહંકારરહિત, હઠાગ્રહરહિત બનવાનો પ્રયત્ન કરીએ. ધીમે ધીમે અવશ્ય સફળતા મળશે.