શાપર-વેરાવળના જે.કે. કોટિંગ નામના કારખાનામાં કામ કરતા શ્રમિકને માલિકે ચોરીના આરોપમાં માર માર્યો, શ્રમિક સોનુનું મોત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના શાપર વેરાવળમાં જે.કે. કોટિંગ નામના કા2ખાનામાં કામ કરતાં કારખાનામાં નોકરી કરતા શ્રમિક સોનુ આહિરવાડને માલિકે ઢોર મારતા મોત નિપજ્યું છે. 7 જૂનના રોજ શેઠ વિજયે ચોરી કર્યાના આરોપમાં પટ્ટા-લાકડીથી માર માર્યો હતો. આથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ આજે સોનુએ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. સિવિલ હોસ્પિટલમાં સોનુના માતા-પિતા અને પરિવારજનોએ આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું. શાપર-વેરાવળ પોલીસે કારખાનેદાર વિજયને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મૃતકના પિતા મહેશભાઈએ જણાવ્યું હતું કે, સોનુ વિજયભાઈના કારખાનામાં કોટિંગ ચડાવાનું અને કલરનું કામ કરતો હતો. મારી પત્નીએ વિજયભાઈને પૂછ્યું કે, શેઠ સોનુને શું કામ મારો છો? તો વિજયભાઇએ કહ્યું કે સોનુએ ચોરી કરી છે. આથી મારી પત્નીએ કહ્યું કે શેઠ ચોરી કરી છે તો તમે પોલીસમાં સોંપી દ્યો, મારો નહીં. તો વિજયભાઈએ કહ્યું કે, હું પોલીસમાં સોંપીશ નહીં.
હું જ પોલીસ છું અને હું જ આને સજા આપીશ. દોઢ વાગ્યા બાદ અમને અમારો પુત્ર સોંપ્યો. બાદમાં અમે કપડા ઉતારીને જોયું તો આખા શરીરે સાંભા પડી ગયા હતા. તેમજ આખો ધ્રુજી રહ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.