10 તાલુકાનાં જૂનાગઢ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની માત્ર બે હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોમાં એડમિશન લેવા મજબૂર
ખાસ-ખબર સંવાદદાતા
કહેવાય છે કે જૂનાગઢ એજ્યુકેશનનું હબ બની રહી રહ્યું છે. પરંતુ આ એજ્યુકેશન હબ ખાનગી લોકોનાં હાથમાં છે. જૂનાગઢ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ફરજિયાત છાત્રોએ ખાનગી અથવા ગ્રાન્ટેડ સ્કૂલનો સહારો લેવો પડે તેવી સ્થિતીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 10 તાલુકા છે અને જૂનાગઢ શહેર મહાનગર પાલીકાનો દરજ્જો ધરાવે છે. વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ જૂનાગઢમાં માત્ર બે જ છે. જૂનાગઢ શહેરમાં ગર્લ્સ હાઈસ્કૂલ અને બિલખા નજીક બધાળામાં વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ છે. જૂનાગઢની હાઈસ્કૂલ માટે બહેનો માટે જ છે. તેમજ બધાળામાં ભાઇઓ અને બહેનો બન્ને માટે છે. વિશાળા જિલ્લામાં માત્ર બે જ વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ હોય છાત્રોએ ફરજિયાત ખાનગી શાળામાં પ્રવેશ મેળવવો પડે છે. ખાનગી શાળાઓ વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. એટલું જ નહી ખાનગી શાળામાં પણ શિક્ષણ કરતા ટ્યુશનને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જૂનાગઢ મહાનગર પાલીકા હોવા છતા સરકારી વિજ્ઞાન પ્રવાહની એક પણ હાઈસ્કૂલ નથી. ગ્રાન્ટેડ શાળાઓ છે. પરંતુ સરકારી શાળા ન હોવાનાં કારણે છાત્રોને ફરજિયાત ખાનગીમાં અભ્યાસ કરવો પડે છે.
- Advertisement -
વિજ્ઞાન પ્રવાહમાં સરકારી શાળા ન ચલાવી ખાનગી શાળાઓને ખટવવાનો કારસો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જૂનાગઢની નેતાગીરી શિક્ષણ મુદે હંમેશા ચુપ રહે છે. યુનિવર્સીટી લાવ્યાનો જશ ખાટવા બધા નેતા દોડે છે. પરંતુ પાયાનાં શિક્ષણને લઇ જૂનાગઢની નેતાગીરી પાણીમાં બેસી ગઇ છે. એટલું જ નહી વાર તહેવારે જૂનાગઢનાં નેતાઓ સીએમ,મંત્રીની મુલાકાત કરે છે અને ફોટા પડવી આનંદ ઉઠાવે છે. પરંતુ જૂનાગઢનાં સરકારી શિક્ષણને લઇ કોઇ દિવસ આગળ આવ્યાં હોય કે ઠોસ રજુઆત કરી હોય તેવું ભાગ્યે જ બન્યું છે. 4 લાખ આસપાસ વસતી ધરાવતા જૂનાગઢ શહેરમાં ભાઇઓ માટે એક પણ વિજ્ઞાન પ્રવાહની સરકારી હાઈસ્કૂલ નથી. તે દુ:ખદ બાબત કહી શકાય તેમ છે. વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ હોવા ન હોવાથી નેતાઓને કોઇ જ ફરક પડતો નથી.જૂનાગઢમાં આગામી સમયમાં સરકારી વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ શરૂ થાય તે જરૂરી છે. હાલ બીલખા નજીક બધાળામાં વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ છે. સામાન્ય પરિવારનાં છાત્રોએ બધાળા જવું પડે છે. જૂનાગઢમાં સરકારી વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ શરૂ થાય તે જરૂરી છે.
માત્ર જૂનાગઢ અને બધાળામાં સરકારી વિજ્ઞાન પ્રવાહની 1-1 હાઈસ્કૂલ
ખાનગી શાળાઓને ખટાવવાનો કારસો કે શું? જૂનાગઢની નેતાગીરી ચૂપ
વંથલીમાં શિક્ષકોનાં અભાવે સ્કૂલ બંધ થઇ
બિલખા નજીક બધાળા પહેલા વંથલીમાં વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ કાર્યરત હતી. અહીં વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલ તો શરૂ કરી દીધી પરંતુ શિક્ષકોની સમયસર સરકારે ભરતી ન કરી. જેના કારણે વંથલીમાં શાળા બંધ થઇ અને બધાળા શરૂ કરવામાં આવી.
- Advertisement -
વિવેકાનંદ હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ બંધ
જૂનાગઢમાં વિવેકાનંદ હાઈસ્કૂલ ખુબ જ જૂની છે. સરકારની નીતિ અને તંત્રનાં કારણે આ હાઈસ્કૂલની સ્થિતિ પણ કફોડી બની છે. પહેલાં સરકારે વહીવટ કર્યો બાદ ખાનગી સંસ્થાને સોંપી ફરી કોર્પોરેશને વહીવટ કર્યો હવે વહીવટદાર નીમી ગ્રાન્ટેડ બનાવી નાખવામાં આવી છે. વિવેકાનંદ હાઈસ્કૂલમાં હસ્તીઓએ અભ્યાસ કર્યો છે. પરંતુ હાલ તેની અવદશા થઇ ગઇ છે. એટલું જ નહી વિવેકાનંદમાં વિજ્ઞાન પ્રવાહ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ વિવેકાનંદ ગ્રાન્ટેડ છે.
બધાળા હાઈસ્કૂલનું પરિણામ 60%
જૂનાગઢની ગર્લ્સ હાઈસ્કૂલ અને બધાળા શાળામાં શિક્ષકો સારા પ્રયાસ કરી રહ્યાં છે. વિજ્ઞાન પ્રવાહમાં ગર્લ્સ હાઈસ્કૂલની એક છાત્રા જિલ્લામાં ટોપ ટેનમાં આવી છે. જયારે બધાળા હાઈસ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 60 ટકા આવ્યું છે. અહીંનાં શિક્ષકો વિજ્ઞાન પ્રવાહને લઇ ખૂબ જ સારી મહેનત કરી રહ્યાં છે.
જૂનાગઢ અને કેશોદમાં વિજ્ઞાન પ્રવાહની સરકારી હાઈસ્કૂલની જરૂર
જૂનાગઢ અને કેશોદમાં સરકારી વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલની તાતી જરૂર છે. જૂનાગઢની વસતી 4 લાખની આસપાસ પહોંચી ગઇ છે. સામાન્ય વર્ગનાં છાત્રો પોતાની મહેનતથી અભ્યાસ કરી શકે તે માટે સરકારી વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલની જરૂરી છે. તેમજ કેશોદ વિકસીત શહેર છે. અહીં વિજ્ઞાન પ્રવાહ હોય તો માળિયા, માંગરોળ, ચોરવાડ સહિતનાં તાલુકાનાં છાત્રોને ફાયદો થાય તેમ છે.