દેશભરમાં 2019 સુધી ચેક બાઉન્સના 35 લાખથી વધુ કેસ પેન્ડિંગ : સુપ્રીમ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ચેકબાઉન્સના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ રાજ્યોમાં વિશેષ કોર્ટની રચના કરવાના આદેશ આપ્યા છે. આ કોર્ટનું કામકાજ ચેકબાઉન્સના કેસોનો ઝડપી નિકાલ કરવાનું રહેશે. નિવૃત જજને આ કાપ સોપવામાં આવશે. જે રાજ્યોમાં આ વિશેષ ચેક બાઉન્સ કોર્ટની સ્થાપના કરવામાં આવશે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એલ. નાગેશ્વર રાવ, ન્યાયાધીશ બી આર ગવઇ અને ન્યાયાધીશ એસ. રવીંદ્ર ભટે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિતના આ પાંચ રાજ્યોમાં મોટી સંખ્યામાં ચેક બાઉન્સના કેસો પેન્ડિંગ છે. જેને જોતા નેગોશિએબલ ઇંસ્ટ્રુમેંટ્સ એક્ટ અંતર્ગત આ રાજ્યોમાં વિશેષ કોર્ટોનું ગઠન કરવામાં આવશે. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે અમે પાયલટ કોર્ટોના ગઠનનો આ નિર્ણય ન્યાય મિત્ર દ્વારા કોર્ટને આપેલી સલાહોના આધારે લીધો છે અને આ માટે અમે સમય મર્યાદા પણ નક્કી કરી છે. આ વિશેષ કોર્ટો પહેલી સપ્ટેમ્બર 2022 બાદ શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે ન્યાય મિત્રએ એવી સલાહ આપી હતી કે આ કેસોના નિકાલ માટે દરેક જિલ્લામાં એક નિવૃત ન્યાયાધીશ વાળી એક કોર્ટ હોવી જોઇએ. નોંધનીય છે કે 31મી ડિસેંબર 2019 સુધી ચેક બાઉન્સના 35.16 લાખ કેસો પેન્ડિંગ હતા.