જગતનાં તાતથી લઈ જાહેર જનતા અશોકભાઈ પટેલની કોઈપણ ઋતુગત અગાહીઓ પર આંખ મીચી વિશ્વાસ કરે છે
ભવ્ય રાવલ
- Advertisement -
હવામાન વિશે હવામાં વાત કરીએ ન ચાલે, હવામાન વિશે હકીકતમાં વાત કરીએ તો હીરો બની જઈએ, આવા જ એક હવામાન શાસ્ત્રનાં હીરો એટલે વન એન્ડ ઓન્લી અશોકભાઈ પટેલ
અશોકભાઈ પટેલની હવામાન વિશે જાણકારી આપતી વેબસાઈટ http://www.gujaratweather.com વિશ્વની ૧૦૦ શ્રેષ્ઠ હવામાનનાં બ્લોગ – વેબસાઈટમાં ૩૨માં ક્રમે છે!
હવામાન’ વિષય જ પી.એચડી.નો છે. ગૂગલ પરથી માહિતી મેળવી કોઈપણ વ્યક્તિ તેના પર અઢળક પુસ્તકો લખી શકે અને કેટલાય વક્તાઓ કલાકો સુધી તેના પર ચર્ચાઓ કરી શકે. પણ ઓનલાઈન અભ્યાસ કરી હવામાન વિષય પર સચોટ અને સાચી આગાહી અમૂક જ કરી શકે અને એ અમૂકમાનાં એક એટલે અશોકભાઈ પટેલ. સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દેશ-વિદેશમાં હવામાન ક્ષેત્રની અભ્યાસપૂર્ણ – સંશોધનબદ્ધ આગાહીઓ કરવામાં અશોકભાઈ પટેલનું નામ જાણીતું – માનીતું છે, આગળ પડતું છે. અશોકભાઈ પટેલની વરસાદ, ઠંડી, ભેજ, ઝાકળ, તાપ, બફારા, વાવાઝોડા વગેરેની અંસખ્ય આગાહીઓ શબ્દશ: સાચી પડતી આવી છે. હવામાનની હંમેશા સચોટ-સાચી આગાહી કરતા અશોકભાઈ પટેલ કોઈ જ્યોતિષ નથી, પરનું વૈજ્ઞાનિક છે. જી હા. તેઓ એક વૈજ્ઞાનિક અને ખેડૂત છે. આ ખેડૂત કમ વૈજ્ઞાનિક વધુ અશોકભાઈ પટેલે હવામાન અંગેનો એટલો અભ્યાસ અને સંશોધન કર્યું છે કે, આજે હર કોઈ હવામાન વિશેની જાણકારી અશોકભાઈ પટેલ પાસેથી લઈ પોતાના આયોજન કરે છે. અશોકભાઈ પટેલનો હવામાન વિષયક વર્તારો એટલો વાસ્તવિક સાબિત થતો હોય છે કે જગતનાં તાતથી લઈ જાહેર જનતા તેમની ઋતુગત અગાહીઓ પર આંખ મીચી વિશ્વાસ કરે છે. વૈજ્ઞાનિક માપદંડ અને વિવિધ પરિબળો આધારીત અલગ-અલગ ઋતુઓ પૂર્વે અથવા જે-તે ઋતુમાં વાતાવરણનું તટસ્થ અને તથ્ય આંકલન રજૂ કરતા પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અશોકભાઈ પટેલ સાથે ખાસ ખબરની ખાસ મુલાકાત..
- Advertisement -
આજે ૭૦ વર્ષની ઉંમરે પણ અશોકભાઈ પટેલ યુવાનોને શરમાવે એવી ગજબની સ્ફૂર્તિ અને ચપળતા ધરાવે છે. તેઓ ઉત્સાહી અને મહેનતુ છે. તેઓ ઉમદા માનવી અને માયાળુ જીવ છે. છેલ્લા બે દાયકાથી તેમની હવામાન વિષેની સચોટ, સત્ય અને સંપૂર્ણ આગાહીઓ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ ગુજરાતભરના માતબાર સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતી આવી છે. આ ઉપરાંત તેમની વેબસાઈટ http://www.gujaratweather.com વિશ્વની ૧૦૦ શ્રેષ્ઠ હવામાનનાં બ્લોગ – વેબસાઈટમાં ૩૨માં ક્રમે છે. નિવૃત્ત જીવન જીવતા અને અન્યોને મદદરૂપ બનતા અશોકભાઈ પટેલ – પટેલ કેળવણી મંડળ, જૂનાગઢ (ટ્રસ્ટી), પ્રભાત લક્ષ્મણ પટેલ સમાજ જૂનાગઢ (ટ્રસ્ટી), પટેલ સેવા સમાજ રાજકોટ, શૈક્ષણિક વિકાસ કમિટીના પૂર્વ સભ્ય, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસર (પૂર્વ પ્રમુખ, ઓડિટ કમિટી) વગેરે જેવી શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓમાં સેવા પણ આપેલ છે. આટલું જ નહીં તેઓ જેમને હવામાન શાસ્ત્રમાં રસ હોય તેમને હવામાન શાસ્ત્ર શીખવવા-સમજાવવામાં ગાઈડ-ગુરુની ભૂમિકા પણ ભજવે છે.
વૈજ્ઞાનિક પૃથ્થકરણ આધારિત, વિવિધ ફોરકાસ્ટ મોડલ આધારિત ગુજરાતના ઘણા વેધર એનાલિસ્ટ વરસાદની આગાહી કરતા હોય છે ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત હવામાનની જાણકારી પણ ઘણા વેધર એનાલિસ્ટ આપતા હોય છે. એમાના ઘણા વેધર એનાલિસ્ટમાં એક ગુજરાતનાં અવ્વલ દરજ્જાનાં વેધર એનાલિસ્ટમાં અશોકભાઈ પટેલની ગણના – નામના છે. પોતાની વેબસાઈટ અને બ્લોગમાં હવામાન વિષયક માહિતી આપતા અશોકભાઈ પટેલે હવામાન અંગે જનજાગૃતિ લાવવા એક દસકા પૂર્વે એવું સપનું સેવેલું કે મારે મારી ગુજરાત વેધર વેબસાઈટ થકી સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિસ્તારને આવરીને ઓછામાં ઓછા ૧૦૦ વેધર એનાલિસ્ટ તૈયાર કરવા છે. અને આજે અશોકભાઈ પટેલનું એ સપનું સાકાર થઈ ગયું છે. હાલ પણ ગુજરાત વેધર વેબસાઈટ થકી નવયુવાનો હવામાન અંગેનું જ્ઞાન મેળવી રહ્યા છે. આજે સોશિયલ મીડિયામાં ઘણા વેધર એનાલિસ્ટની આગાહીઓ આવે છે તેમાના મોટાભાગના વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની વેબસાઈટ થકી જ હવામાન વિષયને સમજ્યા-શીખ્યા અને હવામાનની આગાહી કરતા થયા છે.
હવામાન વિશેની વર્ષોથી અભ્યાસપૂર્ણ અને તથ્યપૂર્ણ આગાહી કરતા પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અશોકભાઈ પટેલ સાથે ખાસ ખબરની ખાસ મુલાકાત
ખાસ ખબર : તમને વેધર એનાલિસિસમાં રસ કેવી રીતે પડ્યો? કોર્સ કર્યો છે? ભણ્યા છો શું?
અશોક પટેલ : મેં પ્રાથમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ રાજકુમાર કોલેજ – રાજકોટમાંથી વર્ષ ૧૯૫૮–૬૭ દરમિયાન, ત્યારબાદ બી.ઈ. કેમિકલનો અભ્યાસ એમ. એસ. યુનિવર્સિટી – વડોદરામાંથી વર્ષ ૧૦૭૨ દરમિયાન અને ત્યારબાદ એમ.એસ. કેમિકલ એન્જિનિયરીંગનું ભણતર આઈ.આઈ.ટી – શિકાગો અમેરિકામાંથી વર્ષ ૧૯૭૪ દરમિયાન કર્યું છે. હવામાન વિભાગ કે વેધર એનાલિસિસનો કોઈ કોર્ષ કર્યો નથી. આ વિષયમાં રસ એ રીતે પડ્યો કે, અમારે જૂનાગઢમાં ખેતી કરવા માટે બળદ ગાડું વસાવેલું હતું. ખેતીનાં કામ માટે જ્યારે ટ્રેક્ટરની જરૂર હોય ત્યારે ટ્રેક્ટર ભાડેથી મંગાવી લેતા. ચોમાસામાં અમુક સમયે ટ્રેક્ટર મળતું નહીં એટલે શ્રમિકોને કામ કરવા બોલાવ્યા હોય અને બરાબર ત્યારે જ વરસાદ આવે તો કામ અટકી જતું. મજૂરો કામ કરી શકતા નહીં છતાં તેને મજૂરી આપવી પડતી એટલે પૈસા ઘણા બગડતા. ત્યારે મને હવામાનને સમજવાનો એક વિચાર સૂજ્યો. મારી વ્યક્તિગત સમસ્યાનો ઉપાય મેં જાતે જ શોધ્યો. હું ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીને આધારે વરસાદ ક્યારે આવશે તેની જાણકારી મેળવી લેતો અને વરસાદ ન આવે તે દિવસે ટ્રેકટર બોલાવી લેતો. આ વાત છે ૧૯૯૮-૨૦૦૦ની સાલ પહેલાની. આ રીતે ધીમેધીમે હવામાન શાસ્ત્રમાં રસ પડતો ગયો. અમારા ખેતીનાં વહીવટકર્તાને જણાવતો કે કેટલા દિવસમાં વરસાદ આવશે અને ક્યારે નહીં આવે એ મુજબ ખેતી કરવી ન કરવી વગેરે. એટલે આ વાત ધીમેધીમે મારા ગામ અને આસપાસનાં વિસ્તારમાં પસરી ગઈ. પછી મારી ખેતીનાં વહીવટકર્તાને લોકો પૂછવા લાગ્યા કે, શેઠને પૂછો તો ખરા ક્યારે વરસાદ આવશે? કેવો અને કેટલો વરસાદ પડશે વગેરે.. વગેરે.. અને આમ ધીમેધીમે જોતજોતામાં પોતાના સ્વહિત માટેનો હવામાનનો અભ્યાસ અને આગાહી સમાજહિત માટે કરવા લાગ્યો.
ખાસ ખબર : તમારી પાસે કેવા-કેવા સાધનો છે? ક્યાં સેટઅપ ઉભું કર્યું છે?
અશોક પટેલ : હું ૨૦૦૦ની સાલમાં રાજકોટ રહેવા આવ્યો. વર્ષ ૨૦૦૪થી ઓફિસીયલી વેધર એનાલિસિસ કરું છું, છેલ્લા બે દસકાથી હવામાનની આગાહી જાહેરમાં કરતો થયો છું. શરૂઆતમાં હું ઈન્ટરનેટ પર અભ્યાસ કરીને હવામાન વિભાગની આગાહી કરતો હતો. લોકોનો પ્રતિભાવ સારો મળતા હવામાન વિભાગની પળેપળની જાણકારી આપતા સાધનો વસાવ્યા. મેં ડેવિસ વાન્ટેજ પ્રો વાયરલેસ વેધર સ્ટેશન અમેરિકાથી મંગાવ્યું. જે રાજકોટનાં મારા નિવાસસ્થાન રોયલ ટાવર ફ્લેટ્સના ટેરેસ પર ફીટ કરેલું. ઓટોમેટિક વેધર સ્ટેશનના આધારે પવનની દિશા અને તીવ્રતા, વરસાદનું પ્રમાણ, ભેજ અને તાપમાનનો ડેટા વેધર સ્ટેશનમાંથી મોનીટરમાં ઓટોમેટિક ટ્રાન્સફર થાય. દરેક ૩-૪ સેકેન્ડમાં નવો ડેટા અપડેટ થાય. આ ડેટાનો અભ્યાસ કરી હું આગાહી કરતો. એ માટે વેબસાઈટ પણ બનાવી છે અને એક બોલ્ગ પણ છે. જેમાં બધો જ ડેટા ઓટોમેટિક અપડેટ થતા રહે. ત્રણ વર્ષ પહેલા મારા કાલાવડ રોડ પર આવેલા નિવાસસ્થાન રોયલ ટાવર પર વીજળી પડતા એ વેધર સ્ટેશનમાં નુકસાની થયેલી. હવે નવું વેધર સ્ટેશન વસાવ્યું નથી. એ અગાઉ એક મંગાવેલું વેધર સ્ટેશન અત્યારે રાજકુમાર કોલેજમાં છે. વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરતા હોય છે અને ઘણું ખરું શીખતા હોય છે. આ સિવાય હવે તો રાજકોટમાં આરએમસીએ દરેક એરિયા – ઝોન મુજબ વેધર સ્ટેશન વસાવ્યા છે. પર્સનલ વેધર સ્ટેશનની જરૂર જણાતી નથી, હવામાન વિભાગની આગાહીઓ કરવા માત્ર ઈન્ટરનેટની જરૂર પડે છે.
ખાસ ખબર : વરસાદની સાયકલ આપણે ત્યાં બદલાઈ છે? જુલાઈથી ઓક્ટોબર?
અશોક પટેલ : વરસાદની સાયકલમાં કોઈ મોટો ફેરફાર નથી આવ્યો. ઉદાહરણ તરીકે સુરતમાં જે ચોમાસું ૧૯ જૂને પહોચતું તે હવે ૧૩ જૂને પહોંચે છે. એ જ રીતે સુરતમાં જે ચોમાસું ૨૫ સપ્ટેમ્બરે વિદાય લેતું તે હાલ ૨ ઓક્ટોબરનાં વિદાય લે છે. જો પૂનાની વાત કરવામાં આવે તો ચોમાસાના આગમનમાં એક દિવસ અને વિદાયમાં પાંચ દિવસનો ફેર પડ્યો છે. ચોમાસું આવવાના કે જવાના સમયમાં લાંબો કે મોટો કોઈ જ ફર્ક પડ્યો નથી.
ખાસ ખબર : વેધર એનાલિસ્ટ તરીકે કામ ક્યારે શરૂ કર્યું?
અશોક પટેલ : અમારે ખેતી હતી. એ સમયે ખેતી વરસાદ આધારિત હતી. ટ્રેકટર જેવા આધુનિક ખેતીના સાધનો નહોતા એટલે આજુબાજુમાંથી સાધનો ભાડે લઈને ખેતી થતી. પરંતુ એ બધું બીજાની સગવડે થતું. ક્યારેક વાવણીનો સમય ચૂકાઈ જતો, ક્યારેક વરસાદ પડી જતો, ક્યારેક માવઠું તો ક્યારેક ધુમ્મસ.. ઘણીવાર ખેતીને નુકસાન થતું. પછી નક્કી કર્યું કે હવામાનનો અભ્યાસ કરવો. હવામાન ખાતાની આગાહી મોટેભાગે સચોટ હોય છે. ધીમેધીમે મારી જેમ બીજા પણ હવામાનનીની આગાહીનો લાભ લઈ શકે તે માટે વેબસાઈટ – બ્લોગ શરૂ કર્યા. જેને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો. જુદાજુદા ગામના લોકો પોતાના ગામના હવામાન વિશે જાણવા લાગ્યા. ઓપન ફોરકાસ્ટ મોડેલ મૂક્યું છે. તમામ જરૂરી સામગ્રી વેબસાઈટ પર મૂકી દીધી છે. ૨૦૧૦ની સાલમાં સિદસર ઉમિયા માતાજીના મંદિરનાં એક કાર્યક્રમમાં મેં જાહેરમાં કહ્યું હતું કે, હવામાન વિશે જેને જે શીખવું હોય તેને તે શીખવાડીશ. ૧૦૦ ગામડાનાં છોકરાઓને આગાહી કરતા શીખવાડવા છે. હાલમાં મેં ૧૦૦ લોકોને તૈયાર કર્યા છે તેમાંથી મોટાભાગના એટલે કે ૩૦ જેટલા લોકોની આગાહી સાચી પડે છે. બાકીનાં લોકો પણ એકંદરે સારી આગાહી કરી શકે છે. સચોટ આગાહી કરવા અભ્યાસ કરવો પડે, સંશોધન કરવું પડે. ખૂબ જ ખંત, ધીરજ અને મહેનત કરવી પડે. હું વિદ્યાર્થીઓને પણ જણાવતો હોઉં છું કે, પૂર્ણ અભ્યાસ અનવ સંશોધન કર્યા બાદ આત્મવિશ્વાસથી આગાહી કરો એટલે તમારી આગાહી પણ સાચી સાબિત થશે અને લોકો તમને પણ ઓળખતા થશે. કોઈપણ મીડિયાથી લઈ સોશિયલ મીડિયામાં તમારા નોલેજની નોંધ લેવાશે.
ખાસ ખબર : આટલી સચોટ આગાહી કેવી રીતે કરી શકો છો?
અશોક પટેલ : સચોટ રહેવાનું કારણ સંપૂર્ણ અભ્યાસ અને સંશોધન છે આ ઉપરાંત સનસનાટીભર્યા તહેલકા મચાવતા વર્તારા ન કરવા. હોય તેનાથી વધુ ન કહેવું. આ સમાચાર નથી, આગાહી છે. આગાહીમાં કોઈ વધારાનો ઉમેરો ન હોય. વળી, અગાહીઓ ટાઈમ સેન્સીટીવ હોય. આજે જે આગાહી આપી હોય એનો કાલે કોઈ મતલબ નથી. વાસી આગાહી ગેરમાર્ગે દોરનારી બને છે. ઘણા પહેલા કહેતા અને આજે પણ કહે છે કે, હવામાન ખાતાની આગાહી કેમ ખોટી પડે છે? હવામાન ખાતાની આગાહી ક્યારેય ખોટી પડતી નથી. પહેલાનાં સમયમાં એ આગાહી આપણા સુધી પહોચતા સમય લાગતો એટલે ખોટી જણાતી, આજનાં સમયમાં હવામાન ખાતાની આગાહી રિપીટ બતાવવામાં આવે છે એટલે ખોટી જણાય. પરંતુ હવામાન ખાતાની આગાહી સચોટ અને સમયસરની જ હોય છે. કોમ્યુનિકેશન ગેપને કારણે થતું હોય. પાંચ વર્ષ પહેલા હવામાન ખાતાની આગાહી અખબારમાં પહોચતા બે દિવસ લગતા. આજે બે મિનીટમાં આગાહી મળી રહે છે. એટલે જો એ આગાહીઓ સમયસર મળે તો ઘણી ઉપયોગી સાબિત થઈ રહે છે પણ જ્યારે એ જ માહિતી સમાચાર માધ્યમો વારંવાર પ્રદર્શિત કરે છે ત્યારે વળી એનો કોઈ અર્થ રહેતો નથી.
ખાસ ખબર : હવામાન આગાહીનાં કોઈ યાદગાર પ્રસંગો..
અશોક પટેલ : ઘણાબધા યાદગાર પ્રસંગો છે. મેં રાજકોટમાં ૨૦૦૭માં પોતાનું વેધર સ્ટેશન શરુ કર્યું અને મારી વેબસાઈટ પર સરળ ભાષામાં સૌને સમજાય એવી આગાહી શરૂ કરી. આ આગાહી ટૂંકા સમયમાં દરેકને પહોંચે એવા પ્રયત્નો આજ દિન સુધી કરું છું એટલે દરેક વખતે આગાહી સચોટ મળી રહે છે. ઘણીવાર કોઈ જાણીતી વ્યક્તિ મને કહે કે તમારી જાહેરાત આવે છે. આ કોઈ જાહેરાત નથી કે નથી હું એના પૈસા લેતો. આ જાહેર જનતા માટે હોય છે જેનાથી દરેકને લાભ થાય. ઘણા ખેડૂતો હવામાનની માહિતી મારા બ્લોગ, વેબસાઈટ કે પછી સોશિયલ મીડિયામાંથી મેળવીને ખેતી કરે છે જેનાથી એમને આગામી મોસમની જાણકારી રહે. માવઠું હોય કે પછી વધુ વરસાદ હોય, ભારે ઠંડી કે ઝાકળ પડે તો એ લોકો માહિતી પરથી આગામી પગલાં લઈને પાકને રક્ષણ આપી શકે. દિવાળીનાં સમયે ખેડૂતો મગફળી ઉપાડતા હોય. ભાદરવાનાં તડકા બાદ ચોમાસું ચાલ્યું ગયું હોય તેવું ખેડૂતો સમજતા હોય. બરાબર એ જ સમયે વરસાદ આવવાની ખબર પડી જાય તો કોઈ મગફળીનો પાક સુરક્ષિત કરી નાખે, કોઈ ગોડાઉનમાં પહોચાડી આપે. મગફળીનો પાલો ઢાકી દે. શિયાળામાં ઘઉં લીધા હોય અને વેસ્ટન ડિસ્ટન્સનું કોઈ માવઠું થવાનું હોય ત્યારે આગાહી કરી હોય તો સમયસર થ્રેસર કરી ઘઉંને સલામત કરી નાખે. આવું જ જીરામાં બનતું હોય છે. ઝાકળ આવે તો ઝીરું બગડી જાય. ખેડૂતને અગાઉથી ઝાકળ આવવાની જાણ થઈ જાય તો એ એની વ્યવસ્થા કરે. આમ, ઘણા ખેડૂતો કહે કે તમારી આગાહી અનુસરી તો અમારા ૧૦૦ વીઘાનાં પાક બચી ગયા. મુખ્ય તો સચોટ આગાહીના આધારે ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવી શક્યા છીએ.
ખાસ ખબર : ગ્લોબલ વોર્મિંગનાં કારણે આપણે ત્યાં હવામાનની પેટર્ન બદલાઈ છે? અશોક પટેલ : જનરલ પીપલ્સ, ગવર્મેન્ટ અને યુનાઈટેડ નેશન એવું માને છે કે મેન મેઈડ ગ્લોબલ વોર્મિંગ. એ વાત સાથે હું સહેમત નથી. માનવી કુદરત સામે પામર છે. આપણી કોઈ જ ક્ષમતા નથી કે આપણે કુદરતને બદલાવી શકીએ. સૂર્ય પ્રકાશની એક કલાકની ગરમીથી ઓછી ગરમી આખી દુનિયામાં વપરાય છે. સૂર્ય પ્રકાશમાં ગજબનાક ઉર્જા રહેલી છે. એક સમયે સદી અગાઉ પ્રગતિશીલ દેશમાં કોલસાનો બળતણ તરીકે પુષ્કળ ઉપયોગ થયો અને એ દેશો પણ ધુમાડિયા હતા. પછી પ્રગતિશીલમાંથી વિકસિત બની ગયા એટલે એ દેશોમાં કોલસાનો ઉપયોગ ઘટ્યો અને આમ હવાનું પ્રદૂષણ થતું અટકી ગયું. આજે અમેરિકા સત્તર-અઢાર ટન કાર્બન – કોલસાનો ઉત્સર્જન કરે છે. આપણે બે ત્રણ ટન કાર્બન પ્રતિ માણસ એક વર્ષમાં માંડ ઉપયોગ કરે છે. દુનિયાની એવરેજના ત્રીજા ભાગનો બળતણ આપણે વાપરીએ છીએ. ભારતે આ પેટર્ન મુજબ કોલસાનો ઉપયોગ કરવો જોઈએ. આપણી પાસે રહેલા ઉર્જાનાં સાધનો-સંશાધનો વિકસાવવા જોઈએ. જો કલાઈમેન્ટ ચેન્જની વાત કરીએ તો એ સમાયંતરે થતું જ આવ્યું છે અને થશે જ.
ખાસ ખબર : ક્લાઈમેટ ચેન્જ વિશે આપનું શું કહેવું છે?
અશોક પટેલ : ક્લાઈમેટ ચેન્જ લાખો-કરોડો વર્ષોથી થતું હતું, થાય છે અને લાખો-કરોડો વર્ષો સુધી થતું રહેશે. પરંતુ અમૂક વૈશ્વિક સંસ્થાઓ કહે છે કે, દસ વર્ષમાં બરફનાં પ્રદેશો ઓગળી જશે, હિમાલય પીગળી જશે વગેરે વગેરે.. ૨૦૦૭માં પણ કહેતા હતા કે આર્કિટમાં બે-પાંચ વર્ષમાં બરફ નહીં હોય. આજે ૨૦૨૦માં પણ એવોને એવો અને એટલોને એટલો જ બરફ આર્કિટમાં કે એન્ટાર્કિટમાં બરફ છે. હાલ તો ભારતે પ્રગતિ કરવા બને એટલી વધુ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. ભારત પાસે કોલસો પુષ્કળ છે તો તેનો ઉપયોગ કરવો જોઈએ. ટેકનોલોજી માટે જરૂર પડે તો અમેરિકાની મદદ લેવી જોઈએ. પ્રદૂષણ ઓછું થશે. હા અન્ય એક વાત. કાર્બન શબ્દ એ અપભ્રંશ થઈ ગયું છે. કાર્બનડાયોક્સાઈડનું અપભ્રંશ કાર્બન થઈ ગયું છે. કાર્બન ડાયોક્સાઈડ એટલે અંગાર વાયુ. અંગાર વાયુ ખેડૂતો માટે લોટરી સમાન છે અને દરેક વનસ્પતિનો ખોરાક કાર્બન ડાયોક્સાઈડ છે. જે વનસ્પતિનો ખોરાક છે તેને આપણે ઓછું કરવાની વાત કરીએ છીએ તે યોગ્ય નથી. આપણે ત્યાં ધુમાડો અને કાર્બન ડાયોક્સાઈડ બંને બાબતોને ભેગી કરી દેવામાં આવે છે. મેસ, કાર્બનનાં કણ, રજોટ વગેરે એ ધુમાડો છે જ્યારે કાર્બન ડાયોક્સાઈડ કલરલેશ અને સ્મેલલેશ છે. કાર્બન ડાયોક્સાઈડએ વનસ્પતિનો ખોરાક છે અને કોઈપણ વનસ્પતિ એ આપણો ખોરાક છે. હવે તમે જ નક્કી કરો કાર્બન ડાયોક્સાઈડ સારો કે ખરાબ.
ખાસ ખબર : છેલ્લાં બે-ત્રણ દાયકામાં સૌરાષ્ટ્ર-કચ્છનાં વરસાદ વધ્યો છે?
અશોક પટેલ : હા, છેલ્લા ૧૦૦ વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ક્રમશઃ વધ્યું છે. ગ્લોબલ વોર્મિંગ નહીં પરંતુ ક્લાઈમેન્ટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૧૧૭ વર્ષથી વરસાદનું પ્રમાણ વધ્યું છે. મારી વેબસાઈટ પર ૩૦-૩૦ વર્ષ ગાળામાં આ અંગેનાં તમામ ગ્રાફ અને ડેટા ઉપલબ્ધ છે. હવામાન વિશે કોઈને પણ કઈપણ શીખવું-સમજવું હોય તો હું ફ્રી શીખવું-સમજાવું છું પરંતુ એના માટે અંગ્રેજીનું જ્ઞાન હોવું થોડું અનિવાર્ય છે કારણ કે મોટાભાગની માહિતી અંગ્રેજીમાં હોય છે. આ એટલું અઘરું પણ નથી. હું મારી રીતે બીજા માટે થોડું કરી શકું તો મને અત્યંત આનંદ થાય છે.