ડુંગરપુરનાં યુવાને પોલીસ પર કર્યા આક્ષેપ : અન્ય જગ્યાએ દારૂ લાવી મને માર્યા
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં 4 પોલીસ કર્મચારીઓ ડુંગરપુરથી યુવાને ઉપાડી લાવ્યાં હતાં અને દારૂની 3 બોટલનાં નામ ખોલાવવા માટે ઢોર માર માર્યોનાં યુવાને આક્ષેપ કર્યા છે. યુવાનને ઢોર માર મારતા જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મીઓ શનિવારે ડુંગરપુર ગામે તપાસ માટે ગયા હતાં. તે દરમિયાન અવાવરૂં જગ્યામાંથી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે ડુંગરપુર ગામે હાજર મળી આવેલા સમસુદ્દીન ઉર્ફે મોગલીને પકડીને પોલીસ કર્મી દેવાભાઈ તાલુકા પોલીસ સ્ટેશને લાવ્યાં હતાં. આ દારૂ કોનો છે ?, ક્યાંથી લાવ્યો છે ? તેમ પુછપરછ કરી હતી. આ અંગે સમસુદ્દીને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મે પોલીસને કહ્યુ કે દારૂ બાબતે મને કશું જ ખબર નથી. ત્યારબાદ પોલીસે મને ઢોર માર માર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા દેવાભાઇ, ગોવિંદભાઈ, રામભાઈ અને અન્ય પોલીસ કર્મીએ ઢોર માર માર્યા હતો. જેના કારણે મારા શરીર ઉપર ગંભીર રીતે ઈજાઓ થઇ હતી અને શરીર પર નિશાન પણ પડી ગયા છે. પોલીસ કર્મી દેવાભાઈએ રસાનાં પાઇપથી માર્યો હતો અને શોર્ટ દીધા છે. હું છેલ્લા બે દિવસથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પોલીસ અધિકારી ફરિયાદ લેવા કે પુછપરછ માટે આવ્યાં નથી.