સીન સપાટા માટે હથિયારોનું લાયસન્સ મેળવવું બન્યું અઘરૂં
સ્વચ્છ પોલીસ રેકોર્ડ હોય અને સ્પોર્ટ્સ ક્વોટાવાળાની અરજી માન્ય રાખવામાં આવે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પોલીસ વિભાગે હથિયાર રાખવા માટેનું લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ભારે કડક બનાવી દીધી છે. હવે કોઈપણ વ્યક્તિ આસાનીથી હથિયાર રાખવા માટેનું લાયસન્સ મેળવી શકશે નહીં. ખાસ કરીને સીન સપાટા માટે હથિયારનું લાયસન્સ મેળવવાની ઈચ્છા ધરાવનાર તો ભૂલી જ જજો કે સરળતાથી તમારી અરજી સ્વીકારાશે. રાજકોટના ઈન્ચાર્જ સીપી હથિયાર લાયસન્સ બાબતે કડક વલણ શરૂ કર્યું છે. ઈન્ચાર્જ સીપી ખુર્શીદ અહેમદે હાલમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં અને નેગેટીવ અભિપ્રાય હોય તેવા 24 અરજદારોની અરજી રદ કરી છે. ઈન્ચાર્જ સીપી ખુર્શીદ અહેમદે જણાવ્યું છે કે જેમને ખરેખર જરૂર હોય તેવા જ લોકોએ અરજી કરવી.
તાજેતરમાં હથિયારનો પરવાનો મેળવવા 24 જેટલા અરજદારોએ ફાઈલ મૂકી હતી. તમામ ફાઈલની ચકાસણી કરતાં મોટાભાગના અરજદારો ગુનાહિત ઈતિહાસ ધરાવતાં હતા. તેમજ સ્થાનિક પોલીસ મથકના વેરિફિકેશનમાં પણ અરજદારનો અભિપ્રાય નકારાત્મક પ્રાપ્ત થયો હતો. તેથી તમામ અરજદારોની હથિયાર લાયસન્સની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ રેકોર્ડ સ્વચ્છ હોય અને સ્પોર્ટ્સ ક્વોટામાં હોય તેવા લોકોની અરજી માન્ય રાખવામાં આવે છે.