- જગદીશ આચાર્ય
જમાનો ફરી ગયો છે.નિતનવા સંશોધનો થતાં રહે છે. નિતનવી ટેકનિકો શોધાતી રહે છે. આજે આપણે વાત કરવી છે એક અદભુત ટેક્નિકની.આ એક ક્રાંતિકારી શોધ છે.આ શોધને આપણે તબીબીક્ષેત્રના એક યુગ પલટા તરીકે પણ વર્ણવી શકીએ.
આ એક અલટરનેટ થેરાપી છે. પણ તેમાં તમારે નથી કોઈ ગુરુ પાસે નતમસ્તકે બેસવાનું. નથી ફેફસામાં ઊંડા ઊંડા શ્ર્વાસો ભરવાના. તમારે કોઈ રેકી માસ્ટર પાસે પણ નથી જવાનું કે નથી મસાજ માટે શરીરો ચોળાવવાના. પરાણે પરાણે ધ્યાન પણ નથી કરવાનું. નથી તમારે શરીરને પડીકું બનાવી દેતા યોગાસનો કરવાના કે નથી સવારે મીઠી નિંદ્રા ત્યાગીને રેસકોર્સ રિંગરોડ પર ટાંટિયા ઘસવાના.
- Advertisement -
આ તો એક એવી ટેકનીક છે જેમાં તમે શત પ્રતિશત આત્મનિર્ભર છો. હા!શરૂઆતમાં એ પદ્ધતિના પ્રયોગ માટેના સાધન સરંજામનો ઉપયોગ કરવો ન ફાવે ત્યારે કોઈની મદદની જરૂર પડે.પણ ત્યાર બાદ દરેક માણસ, સોરી દરેક પુરુષ સ્વપુરુષાર્થથી જ તેનો ઉપયોગ કરતો થઈ જશે.
હા!આ ક્રાંતિકારી શોધનું લોન્ચિંગ માત્ર અને માત્ર પુરુષોના લાભાર્થે જ કરવામાં આવ્યું છે અને એ પણ એવી સમસ્યાના નિવારણ માટે કે જેનો પૂર્ણ ઈલાજ આજ સુધી તબીબી વિજ્ઞાન શોધી શક્યું નથી.
એ સમસ્યા છે ટેન્શનની. તબીબી જગત જેની સામે ટૂંકું પડે છે એ ટેન્શનને દૂર કરવાનો અકસીર ઘરગથ્થુ ઈલાજ જાપાનના ક્રાંતિકારી સંશોધકોએ શોધી કાઢ્યો છે.
તબીબી વિજ્ઞાન કહે છે કે મન નાદુરસ્ત થઈ જાય તો તન બદન પણ નબળાં પડી જાય છે અને મનની નાદુરસ્તી માટે મહદ અંશે ટેન્શન જવાબદાર હોય છે.માણસને ભગવાને મગજ આપ્યું છે અને એ મગજ સતત આડું અવળું વિચારતું રહે છે.આ સમસ્યા મગજ સાથે નિસબત ધરાવતી હોવાથી મહિલા સમાજને લાગુ પડતી નથી.પણ પુરુષો વિપુલ માત્રામાં એનો ભોગ બને છે.વિચારતરંગો જ્યારે મન ઉપર કબ્જો જમાવી દે છે ત્યારે માણસ ટેન્શન માં આવી જાય છે. ટેન્શન પછીનો દ્વિતીય તબક્કો ડિપ્રેશનનો છે.અને ત્યારબાદ ત્રીજા અને ફાઇનલ રાઉન્ડમાં માણસ ગાંડો બનીને ચીંથરેહાલ હાલતમાં રાજકોટની શેરીઓમાં ભટકવા લાગે છે.
- Advertisement -
પૃથ્વી પરના તમામ પુરુષો ગાંડા ઘેલા થઈને શેરીઓમાં રખડતાં ન થઈ જાય એ માટે ટેન્શનના તબક્કે જ એનો ઈલાજ જરૂરી છે.મનોચિકિત્સકો એના માટે ઢગલાબંધ દવાઓ ખવડાવે છે.મોટેભાગે તો ટેનશનિયાને ઊંઘતો રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે.પણ તેમ છતાં તબીબી ઇલાજો સંપૂર્ણ સફળતાની ગેરંટી નથી આપતા.
પણ,દેશના પુરુષો! હવે ટેન્શન રાખવાની જરૂર નથી.જાપાની સંશોધકોએ શોધેલી એક ટેકનીક રામબાણ ઈલાજ સાબિત થવાની છે.
અને તેમાં કાંઈ જાજું કરવાનું પણ નથી.તમારે બસ ફક્ત એક બ્રા પહેરવાની છે.સવારે ન્હાય ધોઈને તમે જ્યારે વસ્ત્ર પરિધાન કરો ત્યારે એ ક્ષણ પૂરતું તમારે ભૂલી જવાનું છે કે તમે પુરુષ છો. પુરુષ હોવાના યુગો પુરાણા વિચારને હિંમતભેર ફગાવીને તમે બ્રા પહેરશો એટલે ટેન્શન જોજનો દૂર ભાગી જશે. તમને બ્રા પહેરેલા જોઈને ટેન્શન પોતે ટેન્શન માં આવી જશે.જાપાનમાં તો પુરુષોએ બ્રા પહેરવાનું શરૂ કરી પણ દીધું છે.નવું સૂત્ર વહેતુ થયું છે,”બ્રા પહેરો ટેન્શન હટાવો”.વિથરૂમ નામની કંપનીની વ્હાઇટ,પિંક અને બ્લેક કલરની બ્રા પુરુષ સમાજમાં અતિ લોકપ્રિય સાબિત થઈ છે.બ્રા ખરીદવા જાપાની નરબંકાઓ ધક્કામુક્કી કરે છે.
તો ભાઈઓ,ભાયડાઓ,મરદ મૂછાળાઓ!આપણે પણ થઈ જાઓ તૈયાર. પણ..આ ટેકનીકને કારણે કેટલાંક પેટા પ્રશ્ર્નો સર્જાવાની સંભાવના છે.ટેન્શન જતું હોય તો માન્યું કે આપણે બ્રા પહેરી પણ લઈએ.પણ પહેરવા માટે બ્રા કાઢવી ક્યાંથી?ઘરવાળાને કહીએ કે બે ચાર દિવસ તમારી બ્રા વાપરવા આપો ને તો આપણાવાળા પોક મૂકીને પડોશીઓને ભેગાં કરે,”તમારા ભાઈ પહેલેથી જ
અધઘેલા તો હતા જ.પણ હે ભગવાન હવે તો આનું સાવ ચસ્કી ગયું”.
મુશ્કેલીનો પાર ન રહે.આપણે અત્યાર સુધીની જિંદગીમાં શાકબકાલાથી માંડીને રેફ્રિજરેટર સુધીની અનેક વસ્તુઓની ખરીદી કરી હોય.પણ કોઈ દિ એકલા એકલા જઈ ને બ્રા વેંચાતી લઇ આવ્યા હોય એવું બન્યું છે? માની લ્યો કે આપણે સાહસ કરીને ધડકતા હૈયે દુકાનમાં જઈએ પણ ખરા,પણ તો પેલો વેપારી સાશંક નજરે આપણને તાકયે રાખે.આપણામાં વધારે પડતો રસ પડે તો આડા અવળા સવાલો પૂછે.સાઈઝ-બાઇઝનું પૂછે તો આપણે જવાબ શું દેવો?
આ તો સાલું ટેન્શન થઈ ગયું.તો’ય જેમ તેમ કરીને આપણે એકાદી જૂની પુરાણી બ્રાની વ્યવસ્થા કરી પણ લઈએ તો પણ પીઠ પાછળ હાથની આંટીઓ મારવી ફાવે નહીં. બ્રા પહેરવા જઈએ એમાં હાથ મરડાઈ જાય.
તો’ય ટેન્શન જતું જ હોય તો આપણે આપણાવાળાને મનાવી પણ લઈએ અને એમની સહાયથી બ્રા ચડાવીને મંડીએ અગાશી ઉપર આંટા મારવા.પણ ભગવાનને કરવું ને ત્યારે જ કોઈ મળવા આવે તો શું કહે આપણા વાળા?,” બેસો બેસો, તમારા ભાઈને જરાક ટેન્શન થઇ ગયું હતું તો બ્રા પહેરીને અગાશીમાં આંટા મારે છે.હમણાં ટેન્શન જશે એટલે આવશે નીચે”.
આ તો સાલું અઘરું છે.અગાશીમાં તો સમજ્યા કે બ્રા બાંધીને આંટા મારીએ પણ બહાર જઈએ ત્યારે શું કરવું?ત્યારે વળી નવી સમસ્યા સર્જાય.પહેલાં બ્રા પહેરીને એની ઉપર ગંજી ચડાવવું કે ગંજીને ત્યાંને ત્યાં રહેવા દઈને એનું ઉપર બ્રા મુકવી?અમારા મતે ગંજીને સ્થાનભ્રષ્ટ કરવાથી ગંજી ટૂંકું પડી જવાની સમસ્યા ખડી થશે.એ સંજોગોમાં બીજો વિકલ્પ ઉત્તમ છે.
જો કે કઠણાઈ ત્યાં પુરી નહીં થાય.જરા કલ્પના કરો. તમારી જાત બ્રામાં બંધાયેલી હોય એ ભવ્ય દ્રશ્ય નિહાળો. એ અવસ્થામાં (અલબત્ત તેની ઉપર શર્ટ પહેરીને) બહાર નીકળીએ તો સમાજમાં આપણા માટે ભયંકરમાં ભયંકર ગેરસમજણ ખડી થવાની સંભાવના છે.આટલા વર્ષ સુધી આપણી સામે કોઈએ ઊંચી નજર માંડીને પણ ન જોયું હોય પણ બ્રાને કારણે નીખરી ઉઠેલા આપણા રૂપમાં લટ્ટુ થઈ રોમિયાઓ આપણો પીછો કરશે.વહીસ્લો વગાડશે.ધૂમ બાઈકવાળાઓ આપણી આગળ પાછળ ચકકરો માર્યે રાખશે.હવે તો પાછા કાયદા પણ ફરી ગયા છે.બ્રા બાંધીને ટેન્શન તો જતું જશે પણ આપણું ભાયડા માણહનું પવિત્ર શિયળ જોખમમાં મુકાઈ જશે એનું શું?
સંશોધકો બ્રાથી ન ધરાયા હોય તેમ કેનેડામાં હવે પુરુષો માટે બિકીનીઓ બનાવાઈ છે.તેને નામ અપાયું છે બ્રોકીની. બ્રોકીની સિંગલ લોન્ગ શોલ્ડર સ્ટ્રેપમાં તૈયાર કરવામાં આવી છે.અગાઉ જાંઘીયાભેર દરિયામાં ડૂબકીઓ લગાવતા મરદો ને બિકીની પહેરતાં કરી દેવાયા છે.
પુરુષ ભાઈઓ ચેતજો.ટેન્શન બેનશન દૂર કરવાની આ ટેકનીકો જોખમોથી ભરપૂર છે.બિકીની અને બ્રાને રવાળે ચડવા જેવું નથી.બ્રા પહેરવાનો ધંધો કરવા જેવો નથી.સંશોધકોને તો બીજકાંઈ કામધંધા હોતા નથી.એ તો કાલ સવારે કહેશે કે ફ્રોક પહેરવાથી કબજિયાત મટી જશે તો શું આપણે પાટલુનો કાઢીને ફ્રોક પહેરશું?આ બધા તો ઈચ્છે છે કે આખો નરસમાજ બ્રા પહેરીને ગલીઓમાં આંટા મારે.હકીકતમાં તો આખા નરસમાજને બૈરા બનાવી દેવાના હરીફ પ્રજાતિના છુપા એજન્ડાના ભાગ રૂપે ટેન્શન ના નામે ભાયડાઓને બિકીની અને બ્રા પહેરતાં કરી દેવાનો આ ખૌફનાક કારસો છે.આ તો હજુ શરૂઆત છે.આ ખેલમાં સફળતા મળી તો આના પછી આપણને ચણીયા અને પોલકા પહેરાવશે.આવી વાતોમાં ભોળવાઈ જઈને બ્રા ચડાવવા લાગતા નહીં. બ્રાનો વિષય આવે ત્યારે મક્કમપણે એ યાદ રાખો કે મરદોનું કામ નથી બ્રા પહેરવાનું કે નથી પહેરાવવાનું. સો વાતની એક વાત.ટેન્શન મટાડવા ભાયડા મટીને બૈરા ન બનાય.સાચી વાત તો એ છે કે સાચા ભાયડા ટેન્શન થી ડરે નહીં, ટેન્શન તેનાથી ડરે.