પત્રકાર ભવનના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલાં સામયિક લક્ષ્યવેધનું વિમોચન
વિમોચન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બનાવેલી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકાર ભવન દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે તાલીમ મળી રહે તે હેતુસર છેલ્લા 15 વર્ષથી લક્ષ્યવેધ નામનું સામયિક બહાર પાડવામાં આવે છે. આ સામયિકની ખાસિયત એ છે કે, તે ભવનમાં ભણતાં વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. જે અન્વયે આ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા લક્ષ્યવેધ સામયિક બનાવવામાં આવ્યું હતું. જેનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે જી.ટી.પી.એલ ચેનલના ઓપરેશન હેડ સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, પત્રકાર ભવનના વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે જે તાલીમ આપવામાં આવે છે જે ખરેખર પ્રશંસનીય છે. હું પણ આજ ભવનનો વિદ્યાર્થી રહી ચુક્યો છું. અહીંથી જે શીખવા મળે છે તે આગળ જતાં ઘણું કામ આવે છે. તેમજ પત્રકાર ક્ષેત્રમાં આવ્યા છો તો વાંચન પ્રવૃતિ પણ વધારવી જોઈએ અને જીવનમાં ક્યારે પણ શોર્ટકટ ન અપનાવવું જોઈએ એ પ્રગતિ માટે પૂર્ણવિરામ બની શકે છે.
- Advertisement -
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પત્રકાર ભવન દ્વારા ક્ષેત્રમાં જાય એ પહેલાં જ દરેક પ્રકારની પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે. વરિષ્ઠ પત્રકાર, લેખક અને લોકગાયક નિલેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ દર વર્ષે વિદ્યાર્થીઓ લક્ષ્યવેધ સામયિક બનાવે છે. તેમજ કુશળ ફિલ્મમેકર વિકાસ રાજપોપટના માર્ગદર્શન હેઠળ ફિલ્મ મેકીંગની તાલીમ મેળવે છે તેમ પત્રકાર ભવનના અધ્યક્ષ નીતા ઉદાણીએ કહ્યું હતું.આ વિમોચન કાર્યક્રમમાં ડો.યોગેશ જોગાસણ, ડો.બી.કે.કલાસવા, ડો.કલ્પા માણેક, પ્રો. તુષાર ચંદારાણા, ડો.યશવંત હિરાણી, ડો.જિતેન્દ્ર રાદડિયા અને આરતી દોશી સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.