આમા કયાંથી ભણે ગુજરાત! નવા સત્રથી પુસ્તકોમાં ભાવ વધારો
રશિયા-યુક્રેન યુધ્ધ અને દેશની ઊંચા કરની નીતિ કારણભૂત મનાય છે
અગાઉ સ્કૂલો ખુલી ન્હોતી ત્યારે આઈએસઆઈ ફરજીયાત થતા અને બાદમાં રો મટીરીયલ્સના ભાવમાં તોતિંગ વધારાથી વેકેશનમાં રમકડાંથી રમવાનું મોંઘુ થયા બાદ હવે બાળકોને પણ મોંઘવારીનો ડામ લાગવાનું શરુ થયું છે. રાજકોટના સ્ટેશનરી એસોસીએશનના સૂત્રો અનુસાર કાચા માલના ભાવમાં અસહ્ય અને સતત વધારાથી ગત મહિનામાં નોટબૂક, સ્ટેશનરી સહિત તમામ અભ્યાસકીય ચીજોમાં સરેરાશ 20 ટકાનો ભાવ વધારો થયો છે.
રૂ.30માં મળતી બસ્સો પાનાની નોટબૂક કે ચોપડાં રૂ.35ના થયા છે અને ઉચ્ચ ક્વોલિટીના ચોપડાં કે જે ઘણી સ્કૂલ મંગાવતી હોય છે તેના ભાવ તેથી વધુ વદ્યા છે. સારી બોલપેન રૂ.10માં આવતી તેની કિંમત 15 થઈ ગઈ છે. આ જ રીતે ચિત્રકામના સાધનો, રંગો, કંપાસ બોક્સ વગેરે તમામ ચીજો સરેરાશ 20 ટકા મોંઘી થઈ છે. રૂ.1માં થતી ઝેરોક્સ કોપીના પણ રૂ.2 કરી દેવાયા છે.
- Advertisement -
વેપારી સૂત્રોએ જણાવ્યું કે મહિના પહેલા રશિયા-યુક્રેન યુધ્ધ થયું અને દેશમાં દરેક વસ્તુ પર જી.એસ.ટી. અને પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા તેની સ્ટેશનરી પર પણ વ્યાપક અસર પડી છે અને હાલ તો વેકેશન શરુ થનાર છે પરંતુ, આ સ્થિતિ જારી રહી તો જૂનમાં સત્ર શરુ થતા સુધી વધુ ભાવ વધી શકે છે, વાલીઓ આ ભાવવધારા સામે નારાજગી વ્યક્ત કરતા હોય છે પરંતુ, માલ સપ્લાય કરનારાએ જ ભાવ વધાર્યા છે. હાલ, જુનો સ્ટોક જેમની પાસે છે તે વેપારીઓ મોટાભાગે સ્ટીકર લગાડી ઉંચી કિંમત લેવાનું ટાળે છે અને જુના ઓછા ભાવે વસ્તુ વેચતા હોય છે પરંતુ, નવો માલ તેઓ પણ મોંઘો વેચશે.