ઈમરાનને PM પદેથી દૂર કરવા કોઇ વિદેશી સરકારનું ષડયંત્ર નથી : પાક. સૈન્ય
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ઇમરાન સરકાર પર સત્તા ગુમાવવાનું સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે હવે બીજી તરફ પાકિસ્તાનમાં વિદેશી ષડ્યંત્રના આરોપો ઘડીને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને નામંજૂર કરાવનારી ઇમરાન સરકારની મુશ્કેલીઓ વધી છે. ઇમરાન સરકારથી પહેલાંથી જ અસંતુષ્ટ અને નારાજ સેનાએ સ્પષ્ટતા કરી છે કે સરકારને પાડવામાં અમેરિકાના ષડ્યંત્રના કોઇ પુરાવા મળ્યા નથી. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સમક્ષ આપેલા નિવેદનમાં સેનાએ કહ્યું હતું કે અમેરિકાની સંડોવણી અથવા ધમકીના કોઇ પુરાવા મળ્યા નથી.
આ વચ્ચે, મંગળવારે સંસદ ભંગ કરવાની વિરુદ્વ વિપક્ષની અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. ચીફ જસ્ટિસ અતા બંદિયાલની અધ્યક્ષતા હેઠળની પાંચ જજોની ખંડપીઠે કહ્યું કે બંધારણના અનુચ્છેદ પાંચનો હવાલો આપીને અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવીના શકાય. ચીફ જસ્ટિસે કહ્યું કે તેઓના સાથી જજ પણ દેશમાં બંધારણીય સંકટને લઇને ચિંતિત છે.
- Advertisement -
શું અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યા સિવાય સ્પીકર પાસે અન્ય કોઇ વિકલ્પ ઉપલબ્ધ ન હતો? કોર્ટે વિપક્ષને પૂછ્યું કે શું સ્પીકરે અયોગ્ય રીતે અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર કર્યો? આ મામલે હવે બુધવારના રોજ પણ સુનાવણી ચાલુ રહેશે.
પાકિસ્તાનના ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મતવિસ્તારોનું સીમાંકન કરાશે. આ પ્રક્રિયા વચ્ચે તરત જ ચૂંટણીનું આયોજન વધુ પડકારજનક રહેશે.