રાહુલ ગાંધી-રઘુ શર્મા સાથે કરી લાંબી ટેલિફોનિક વાતચીત
નરેશ પટેલને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં નહી આવે, નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવાશે
નરેશ પટેલનું લાંબા સમયથી ચાલી રહેલુ ચલક ચલાણાનો અંત આવી ચુક્યો છે. આજે જે પ્રકારે પત્રકાર પરિષદ યોજીને સંકેતો આપવામાં આવ્યા તે જોતા તેઓ રાજકારણમાં જોડાય તે તો નક્કી થઇ જ ગયું હતું. જો કે તેઓ કયા પક્ષ સાથે જોડાય તે મુદ્દે ભારે અવઢવ હતી. પાટીદાર સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં આ મામલાએ ઉત્કંઠા જગાવી છે. જો કે નરેશ પટેલ આપમાં જોડાય તેવી શક્યતાઓ નહીવત્ત છે તેવો અહેવાલ અગાઉ એક ગુજરાતી ચેનલ પ્રસિદ્ધ કરી ચુક્યું છે. જો કે હવે નરેશ પટેલ ક્યાં જાય છે તે અંગેના સમાચાર પણ ગુજરાતી ચેનલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલની આજે જ રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત થઇ હતી. જેમાં નરેશ પટેલે પોતાની તમામ માંગણીઓ રાહુલ ગાંધી સામે મુકી હતી. જેમાં તેમણે પોતાને કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવે તેવી માંગ પણ કરી હતી. જો કે લાંબી ટેલિફોનિક ચર્ચાનો નિષ્કર્ષ નિકળ્યો હતો કે, હાલ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં નહી આવે. આ ઉપરાંત નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવશે. આ ઉપરાંત પક્ષમાં તેમની વાતને વધારે મહત્વ આપવા અંગે પણ સંમતિ સધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજકારણમાં આવવાની જાહેરાત કરી ત્યારથી જ ગોપાલ ઇટાલિયા તેમને આપમાં અને હાર્દિક પટેલ તેમને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ આખરે નરેશ પટેલ હાર્દિકનો ‘હાથ’ મજબુત કરવા માટે આવી પહોંચ્યા છે. તેઓ ચૈત્રી નવરાત્રી દરમિયાન અધિકારીક રીતે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી શકે છે.
- Advertisement -
ગુજરાતમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાશે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી તો હાજર રહેશે આ ઉપરાંત પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે. સુત્રો અનુસાર નરેશ પટેલની સાથે સાથે પ્રશાંત કિશોર પણ અધિકારીક રીતે કોંગ્રેસમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન જોડાઇ શકે છે. તેઓને રાષ્ટ્રીય કોંગ્રેસના કેમ્પેઇન કમિટીના કર્તાધર્તા બનાવવામાં આવી શકે છે. જેથી રાષ્ટ્રીય સ્તરના તમામ કેમ્પેઇન પ્રશાંત કિશોર સંભાળશે. એટલે કે ગુજરાત ખાતે કોંગ્રેસનાં ચાણક્ય નરેશ પટેલ અને રાષ્ટ્રીય સ્તરે પ્રશાંત કિશોર રહેશે.
પોતાના જ બનાવેલા નિયમ તોડશે નરેશ પટેલ?
ખોડલધામ ટ્રસ્ટ એ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે. આ ટ્રસ્ટ નું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ટ્રસ્ટ નું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટ માં સામેલ વ્યક્તિ જો કોઇ ચૂંટણી લડે અથવા તો રાજકીય પક્ષ સાથે જોડાય તો તેમણે ટ્રસ્ટ માંથી રાજીનામું આપવું પડે, એટલે કે જો નરેશ પટેલ કોઇ પક્ષમાં જોડાય તો તેમણે ચેરમેનપદેથી રાજીનામું આપવું પડે, પરંતુ ખુદ નરેશ પટેલ જ આ બંધારણનો અનાદર કરવા જઇ રહ્યા હોય એવો ઘાટ ઘડાયો છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો પોતે ચેરમેનપદે પણ કાયમ રહેશે એવો આડકતરો ઇશારો કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે હાલની ખોડલધામના ચેરમેન તરીકેની જવાબદારી કોઈપણ રાજકીય પાર્ટીના હોદ્દાથી ઉત્તમ છે. રાજકારણમાં જોડાવવા મારી વ્યક્તિગત ઈચ્છા છે, પણ યુવાનોનો સૂર છે કે ખોડલધામમાં પણ રહો, સરવેમાં રાજકારણમાં પ્રવેશ કરું તો ખોડલધામમાંથી રાજીનામું આપશો એવો સવાલ યુવાનો કરી રહ્યા છે. હજુ મને તમે સાથસહકાર આપો.


