આજરોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની ખાસ બેઠક યોજવામાં આવી હતી, જેમાં 50 જેટલા પ્રશ્ર્નો પ્રજાના પ્રતિનિધિઓએ રજૂ કર્યા હતા જે પૈકીના 36 પ્રશ્ર્નો ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળીયાના હતા. આ બેઠક રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં લોકોના પ્રશ્ર્નોના ઉકેલ માટે કુંવરજી બાવળીયાએ સવાલોનો મારો ચલાવ્યો હતો. આ તકે 50 પ્રશ્ર્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ બેઠકમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ દબાણ હટાવવાની કામગીરી તેમજ ગ્રામ્ય રસ્તાના કામો ઉપરાંત એસ.ટી. સેવા અને જુદા-જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને સોમવાર સુધીમાં જરૂરી અહેવાલ કરવા પણ જણાવ્યું હતું. જે કોન્ટ્રાક્ટ એજન્સીઓ સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરે એમને બ્લેકલિસ્ટ કરવા માટે પણ તાકિદ કરવામાં આવી હતી.