આ તરફ ભારતીય જ્ઞાન, તે તરફ વિજ્ઞાન
જગદીશ આચાર્ય
ભગવાન બુદ્ધે નિર્વાણ પહેલાં એવી ઘોષણા કરી હતી કે મૈત્રેયના નામે તેઓ વધુ એક વખત અવતાર ધારણ કરશે.એ વાતને અઢી હજાર વર્ષ વીતી ગયા પણ મૈત્રેયનું આગમન ન થયું.સાધકોને એવા સંકેત મળતાં હતા કે ભગવાન બુદ્ધ અવતાર તો ધારણ કરવા માંગે છે પણ યોગ્ય ગર્ભ ઉપલબ્ધ નથી.ત્યારે એક અદભુત કોશિશ કરવામાં આવી.થિયોસોફીસ્ટોએ એવી વ્યક્તિ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો કે જેના શરીરમાં બુદ્ધ પ્રવેશ કરી શકે અને ત્યારબાદ એ શરીરના માધ્યમથી કાર્ય કરી શકે.
એની બેસન્ટ અને લીડ પીટરની આગેવાનીમાં થિયોસોફીસ્ટોએ આ હેતુ માટે યોગ્ય પાત્ર શોધવાનું શરૂ કર્યું.અંતે જે.કૃષ્ણમૂર્તિ,તેમના ભાઈ નિત્યાનંદ,કૃષ્ણમેનન અને જ્યોર્જ એરન્ડલ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો.એ ચારેય ને “કેળવવા”નું શરૂ કરાયું.પણ બુદ્ધના આત્માના વાહક બનવા યોગ્ય પાત્રતા મેળવવા માટે કરાયેલી ચેષ્ટાઓના અતિરેકને કારણે નિત્યાનંદનું મૃત્યુ થયું.આ ઘટનાથી તેના પિતા ગભરાયા.એક પુત્રને ગુમાવી ચૂકેલા પિતાએ બીજા પુત્ર કૃષ્ણમૂર્તિને બચાવવા માટે થિયોસોફીસ્ટો પાસેથી તેનો કબ્જો લેવા માટે અદાલતના દ્વાર ખખડાવ્યા.કાનૂની જંગ જીતી શકાય તેમ નથી એવું લાગતાં એની બેસન્ટ નવ વર્ષના કૃષ્ણમૂર્તિને લઈને ભારત છોડીને ભાગી ગયા.બાદમાં કૃષ્ણમૂર્તિ ઉપર ઘણી મહેનત કરવામાં આવી અને એક દિવસે જાહેર કરાયું કે કૃષ્ણમૂર્તિ હવે “તૈયાર” છે.
- Advertisement -
આખી દુનિયામાંથી છ હજાર લોકો બુદ્ધના અવતરણને નજરો નજર નિહાળવા હોલેન્ડમાં એકઠા થયા.કૃષ્ણમૂર્તિ પોતાનું વ્યક્તિત્વ ત્યજે અને મૈત્રેય ઉતરી આવે એ ક્ષણ નજદીક આવતી જતી હતી ત્યાં છેલ્લી મિનિટે કૃષ્ણમૂર્તિએ ઇનકાર કરી દીધો.એક અદભુત પ્રયોગ અસફળ રહ્યો.
અશરીરી આત્માઓનું આહવાન કરવાના અખતરા દરેક યુગમાં થતા રહ્યા છે.આત્માનું લેબોરેટરીમાં પરીક્ષણ નથી થઈ શકતું.એનો એક્સ રે નથી નીકળી શકતો.વિજ્ઞાન આત્માના અસ્તિત્વને સ્વીકારતું નથી.
જો કે તેનાથી આત્માના દબદબામાં કાંઈ ફેર પડ્યો નથી.તમામ ધર્મોએ એક યા બીજા સ્વરૂપે આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે આત્મા અજર અમર છે એવી હિંદુ ફિલોસોફી છે.પૂર્વજન્મ અને પુનર્જન્મની માન્યતાઓ આત્માના અમરત્વ ઉપર જ આધારીત છે આત્મસાક્ષાત્કારને પરમ આધ્યાત્મિક સિદ્ધિ માનવામાં આવે છે.દરેક ધર્મ અને જાતિમાં મૃત્યુ બાદ આત્માની અવસ્થા બાબતે ચોક્કસ માન્યતાઓ છે.આપણે પિતૃલોક અને સ્વર્ગલોકને અશરીરી આત્માઓના વિરામસ્થાન તરીકે જ કલ્પયા છે.આપણી શ્રાદ્ધ અને પિતૃતર્પણની વિધીઓ આત્માને આહવાન કરવાની વિધિઓ જ છે.
આ ક્યારેય નજરે ન પડતાં આત્માનો તાગ મેળવવા કાળા માથાનો માનવી સદીઓથી મથામણ કરતો રહ્યો છે.કોઈ ધ્યાનનો, કોઈ યોગનો આશરો લે છે.તો કોઈ તંત્ર મંત્ર અને ગૂઢ સાધના કરે છે.કોઈ મૃત વ્યક્તિના આત્મા સાથે સંપર્ક કરવા ગેબી વિદ્યાઓ અજમાવે છે.આ બધા વચ્ચે આત્મા જેવું ખરેખર કાંઈ છે કે પછી યુગોથી ચાલ્યું આવતું આ માત્ર અંધશ્રદ્ધા પ્રેરિત હંબગ છે એ પ્રશ્ન વૈજ્ઞાનીકોને મૂંઝવી રહ્યો છે.
- Advertisement -
વિજ્ઞાન દ્વારા આ ગૂઢ રહસ્યનો તાગ મેળવવાનો પહેલો ગંભીર પ્રયાસ અમેરિકામાં 1870માં થયો.આત્માઓ સાથે સંપર્ક સાધવાનો દાવો કરતાં અનેક જૂથ એ સમયે અમેરિકામાં અસ્તિત્વમાં હતા.
મિસિસ ફ્લોરેક્સ કુક નામની એક પ્રખ્યાત મહિલા ગેબી શક્તિઓ ધરાવતી હતી અને કેટી કિંગ નામની એક મૃત મહિલાના આત્મા સાથે તેને ડાયરેકટ ડાયલિંગ હોવાની કથા અમેરિકામાં ઘરે ઘરે ગાજતી હતી.એ મહિલાના દાવાની સત્યતા ચકાસવા એ સમયના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનીક સર વિલિયમ કુકે તેની સાથે ત્રણ વર્ષ સુધી પ્રયોગો કર્યા.પ્રયોગના સ્થળે ઇલે.વાયરીંગ ફેંસીંગ સહિત સૂક્ષ્મતમ વૈજ્ઞાનીક યંત્રો ગોઠવવામાં આવ્યા.અન્ય વૈજ્ઞાનીકો પણ પ્રયોગ સમયે હાજર રહેતા.બાદમાં સર વિલિયમ કુક અને અન્ય વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે કેટી કિંગના આત્માનું આહવાન કરવામાં આવતું ત્યારે તેનો આત્મા શરીર પણ ધારણ કરતો હતો.એટલું જ નહીં તેની નાડીના ધબકારા પણ નોંધવામાં આવ્યા હતા.
સર કુકની આ વાતે સનસનાટી ફેલાવી દીધી.બીજી તરફ તેમની ખૂબ હાંસી પણ ઉડાવવામાં આવી.પણ સર કુકે કહ્યું કે ભલે બધા મારી ઠેકડી ઉડાવે પણ મેં જે જોયું અને અનુભવ્યું એનો ઇનકાર કઈ રીતે થઈ શકે?હું મારી વાતને દ્રઢપણે વળગી રહું છું.
આ ઘટના બાદ આત્માના રહસ્યને જાણવા માટે લંડનમાં ધી સોસાયટી ફોર સાઈકીકલ રિસર્ચ નામની સંસ્થા શરૂ કરવામાં આવી.તે સમયના વિખ્યાત વૈજ્ઞાનીકો એડમન્ડ ગુરની, ડો.એફ.ડબ્લ્યુ.એચ. માયર્સ, અને ફ્રેન્ક પોડમોર જેવા મહારથીઓ એ સંસ્થાના કર્તાહર્તા હતા.ઇંગ્લેન્ડની પ્રખ્યાત યુનિવર્સિટીઓ અને રિસર્ચ ફાઉન્ડેશનસના ખેરખાંઓ તેમજ યુની.ઓફ બર્કીનગહામના પ્રિસિપાલ સર ઓલિવર લોજ પણ તે સંસ્થા સાથે સક્રિયપણે જોડાયા.ખૂબ વૈજ્ઞાનીક ઢબે વિજ્ઞાનની સરાણે આ ગૂઢ રહસ્યોની ચકાસણી કરાઈ.એ પરીક્ષણ યાત્રાનું વર્ણન કરતી “હ્યુમન પર્સનાલિટી એન્ડ ઇટસ ઇફેક્ટ આફ્ટર ડેથ” નામની બુક ડો.માયર્સએ પ્રકાશીત કરી.
ડો.માયર્સએ પોતે પણ તેમના મૃત્યુ બાદ મિસિસ થોમ્પસન નામની એક ગૂઢ સાધક મહિલાના માધ્યમથી સર ઓલીવર લોજ સાથે વાત કરી.એ જ રીતે ડો.હોડસન અને વિલિયમ જેમ્સે પણ મૃત્યુ બાદ પૃથ્વી પરના મિત્રો સાથે ગપસપ કરી લીધી.
મહત્વનું એ છે કે આ બધા દાવાઓ કરનારાઓ કોઈ અબુધ અંધશ્રદ્ધાળુઓ નહોતા.બધા અત્યંત બૌદ્ધિક પ્રતિભા ધરાવતા જગવિખ્યાત વૈજ્ઞાનીકો હતા.ન્યુયોર્કના અગ્રીમ અખબાર ટાઈમ્સના 10મી ડિસેમ્બર 1991ના અંકમાં મશીગન યુની.ના એપલાઈડ મેથેમેટિક્સના પ્રોફેસર અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચના પ્રમુખ સી.એન.જોન્સે આ બધા વાર્તાલપો અંગે વિસ્તૃત જાહેરાત કરી અને બેધડક જાહેર કર્યું કે આત્મા અસ્તિત્વ ધરાવે છે,આત્મા અજર અમર છે અને તેનું આહવાન થઈ શકે છે.આત્મા પૂન:શરીર ધારણ કરે છે.સર ઓલીવર લોજ અને બ્રિટિશ વૈજ્ઞાનીક આલફ્રેડ આર. વોલેકે પણ ચોતરફથી થતી ટીકાઓથી વિચલીત થયા વગર એ દાવાને સમર્થન આપ્યું.”લો ઓફ સાઈકીક ફીનોમીના”નામના પુસ્તકના લેખક ડો.થોમસ હડસને તો એવો વ્યંગ કર્યો હતો કે મૃતાત્માઓ સાથેના સબંધનો ઇનકાર કરનારાઓ શંકાશીલ માનસ ધરાવનારા નહીં પણ અજ્ઞાની છે.
આત્માના અસ્તિત્વને આપણે હિંદુઓએ તો ખૂબ સહજ પણે સ્વીકાર્યું છે.એ સંદર્ભે ભારતીય તત્વજ્ઞાન ખૂબ ગહેરું છે.ગીતામાં સ્વયં કૃષ્ણ ભગવાને આત્માની અમરતાનું પ્રમાણ આપ્યું હતું.આત્માના રહસ્યોની સમજણ ક્યાંક ઊંડે ઊંડે આપણામાં ધરબાયેલી છે.એટલે જ કદાચ વૈજ્ઞાનીક ઢબે આત્માને ચકાસવાનો વ્યાયાયામ આપણે ત્યાં ઓછો થયો છે.