બાબુલ સુપ્રિયો વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવાર
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નાં વડાં મમતા બેનરજીએ પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવાર તરીકે શત્રુઘ્ન સિંહા અને બાબુલ સુપ્રિયોના નામની જાહેરાત કરી હતી. પેટાચૂંટણીમાં લોકસભાની આસનસોલ બેઠક પર શત્રુઘ્ન સિંહા અને વિધાનસભાની બાલીગંજ બેઠક પર બાબુલ સુપ્રિયો પક્ષના ઉમેદવાર હશે, એમ તેમણે કહ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો ગયા વરસે ભાજપ છોડી ટીએમસીમાં જોડાયા બાદ આસનસોલની લોકસભા બેઠક ખાલી પડી હતી. રાજ્યના પ્રધાન સુબ્રતા મુખરજીના અવસાનને પગલે બાલીગંજ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી.
ઑલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ વતી એ જાહેરાત કરતા મને આનંદ થાય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વિખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિંહા લોકસભાની પેટાચૂંટણીમાં આસનસોલથી અમારા પક્ષના ઉમેદવાર હશે, એમ મમતા બેનરજીએ કહ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વિખ્યાત ગાયક બાબુલ સુપ્રિયો વિધાનસભાની પેટાચૂંટણીમાં બાલીગંજથી અમારા પક્ષના ઉમેદવાર હશે, એમ તેમણે કહ્યું હતું.
- Advertisement -
આ અંગે પ્રતિક્રિયા આપતા બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે રાજ્યના લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું મમતા બેનરજીનો આભારી છું. રાજ્યના વિકાસ માટે હું કામ કરતો રહીશ, એમ તેમણે કહ્યું હતું.