રાજકોટમાં ભૂમાફિયા બેલગામ
રાધે-ક્રિષ્ના સોસાયટી બાદ સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીનાં રહીશોને પણ ભૂમાફિયાઓનો ત્રાસ : કલેક્ટરને આવેદન અપાયું
- Advertisement -
કલેકટરને આવેદન પત્ર પાઠવીને ભૂમાફિયાના આતંકનો ભોગ અન્ય કોઈ ન બને તે માટે સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીને રેગ્યુલરાઈઝડ કરવા કરી માંગ
મહિલાઓને કાયદાકીય સમય મર્યાદા બહાર બોલાવી ભૂમાફિયાના ઈશારે માનસિક ત્રાસ અપાય છે
રાધેક્રિષ્ના સોસાયટી જેવો બનાવ બનશે તો જવાબદાર કોણ?
- Advertisement -
સૂચિત ન્યુ શક્તિ સોસાયટીમાં ભૂમાફિયાઓએ 10 થી 15 જેટલાં મકાન તો ખાલી કરાવી અને પાડી પણ દીધા છે
બેલગામ ઘોડાની જેમ રાજકોટમાં લુખ્ખાગીરી સાથે ભૂમાફિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. કાયદા અને વ્યવસ્થાનો ભય જાણે હવામાં છૂ થઈ ગયો હોય એ રીતે અસામાજિક તત્વો ફૂલીને ફલી રહ્યા છે. શુક્રવારના રોજ રાધે-ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓના લીધે મારા-મારીના બનાવમાં એક કારખાનેદારનું મૃત્યુ નિપજ્યું હતું. ત્રણ થી ચાર વર્ષ માનસિક અત્યાચારોને સહન કરતાં રહેવાસીઓએ વહીવટી તંત્રને ફરિયાદ પણ કરી હતી પરંતુ તેમ છતાં ગંભીર બાબત ન ગણીને તંત્રેએ કોઈ કાર્યવાહી હાથ ધરી નહોતી. જેના કારણે એક વ્યક્તિને જાન ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે હુજ આ કરૂણ ઘટના ભૂલાઈ નથી ત્યાં ભૂમાફિયાના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ શહેરમાં સૂચિત ન્યુ-શક્તિ કો.ઓ.હા.સોસાયટીના રહેવાસીઓએ ભૂમાફિયાઓના ત્રાસથી બચવા માટે રાજકોટ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે અને સોસાયટીને સૂચિત કરવાની માંગ કરી છે. ભૂતકાળમાં જઈને વિગતોને સમજીએ તો 1976 થી શહેરી જમીન ટોચ મર્યાદા ધારો અમલમાં આવતાં ખેતીની જમીનો ટોચ મર્યાદામાં આવી જતી હતી.
જેને કારણે ખેડૂતોએ આવી જમીનો સૂચિત સોસાયટીમાં ફેરવીને લોકોને સસ્તી જમીનની લાલચ આપીને ગેરકાયદે જમીનના કાયદા વિરુધ્ધ પ્લોટીંગ કરીને ગરીબોને ઢાલ બનાવીને જમીનો વેંચી કાઢી હતી. જેમાં ગરીબો મકાન બનાવીને રહેવા લાગે છે. સમય જતાં સરકારે આ ધારો રદ કર્યો હતો અને 2015માં જમીન મહેસુલ કાયદામાં સુધારો કરીને મકાન ધારકોને કબજો નિયમિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જે કિસ્સામાં શહેરી જમીન ટોચ મર્યાદામાં કાયદા હેઠળ જમીન સરકારે પ્રાપ્ત ન કરી હોય તેવી જમીનો મુળ માલિકોના ખાતામાં ખેતીની જમીન તરીકે ચાલુ હોય છે. આ તકનો લાભ ઉઠાવીને રેકોર્ડનો ગેરકાયદે ઉપયોગ કરે છે અને ભૂમાફિયા બનીને રહેવાસીઓને ત્રાસ ગુજારે છે.
સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીએ મામલતદારને 18 માર્ચ 2021ના રોજ અરજી કરીને ભૂમાફિયાના ત્રાસની વાત પણ કરી હતી અને સોસાયટીને સૂચિત કરવાની વિનંતી કરી છે. પરંતુ હજુ સુધી મામલતદાર કક્ષાએ કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત કલેકટર કચેરીની બીનખેતી શરતભંગ શાખામાં હીરાભાઈ મામૈયાભાઈએ પણ અરજી કરીને સોસાયટીને રેગ્યુલરાઈઝડ કરવા કહ્યું હતું તેના ઉપર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાધે-ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓના લીધે મૃત્યુનો બનાવ બન્યો તેના પગલે સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીના રહેવાસીઓએ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું છે.
MODUS OPRENDI નો ભોગ બની રહેલાં સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીના રહેવાસીઓએ પોતાની આપવીતિ જણાવતાં કહ્યું છે કે, 20 વર્ષથી અમે તે જમીન ઉપરી રહી રહ્યા છીએ. તેથી અમારી એજ અરજી છે કે એડવર્સ પઝેશનના સિધ્ધાંત મજુબ અમારી પાસેથી બળજબરી પુર્વક અમારા રહેઠાણની જગ્યાં ન લેવામાં આવે. 6 ખાતેદારોએ અમારી ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસોને મોકલીને અમને ધાક ધમકી આપીને જગ્યા છોડવા દબાણ કરે છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસો પણ ઘટનાની સમગ્ર તપાસ કર્યા વિના અમને જગ્યા છોડવાનું કહે છે. તેમજ મહિલાઓને કાયદાકીય સમય મર્યાદા બહાર બોલાવી કલાકો સુધી બેસાડી રાખીને જમીન માફિયાઓના ઈશારે માનસિક ટોર્ચર કરવામાં આવે છે.
છેલ્લા સાત થી આઠ વર્ષથી અમે સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીમાં રહીએ છીએ. મહેનતના પરસેવાથી અમે મકાન બનાવ્યું પરંતુ હવે ભૂમાફિયાઓ કનડગત કરીને ક્રાઈમ બ્રાન્ચનો ડર બતાવીને મકાન ખાલી કરવાની ફરજ પાડી રહ્યા છે ત્યાં લગી યોગ્ય છે. 10 થી 15 જેટલા મકાનો તો ધમકીઓ આપીને ખાલી કરાવી દીધા છે અને પાડી નાખ્યા છે. પરંતુ અમે અમારા હકક માટે લડીશું. અમે વહીવટી તંત્ર પર વિશ્વાસ મુકીને ન્યાય માંગી રહ્યા છીએ કે, અમારી સોસાયટીને કાયદેસર સૂચિત સોસાયટીની મંજૂરી આપો. નહિં તો આ ભૂમાફિયાઓ અમારો જીવ લઈને રહેશે તેમ સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાધે-ક્રિષ્ના સોસાયટીની ઘટના બાદ તંત્ર એકશમાં આવ્યું છે. સાંસદ મોહન કુંડારિયાએ પણ ભૂમાફિયાઓની ગેરપ્રવૃતિઓને ધ્યાને લીધી છે. હવે જોવું રહ્યું કે, તંત્ર સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીના લોકોને કેટલી ઝડપે ન્યાય અપાવશે.
પોલીસનાં જોરે સૂચિત ન્યુ શક્તિ સોસાયટીનાં રહેવાસીઓને પજવતાં 6 ખાતેદાર
સૂચિત ન્યુ-શક્તિ સોસાયટીમાં રહેતાં જગદીશભાઈએ કહ્યું હતું કે, પોલીસનાં જોરે અમને ડરાવી ધમકાવી રહ્યા છે. તેમજ અમારા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરી છે. આ 6 ખાતેદારોમાં કિશોર લુણાગરીયા, રીટા લુણાગરીયા, જયદીપ માઘાણી, ભાવેશ પાનસુરા અને અશોક ડાંગરનો સમાવેશ થાય છે.
શરમ નેવે મુકતાં ભૂમાફિયાઓ
માનસિક ટોર્ચર કરતાં ભૂમાફિયાઓએ સૂચિત ન્યુ શક્તિ સોસાયટીનાં મહિલા રહેવાસીઓને પણ છોડ્યા નથી. પોલીસ અધિકારીઓને મોકલીને તપાસના નામે કાયદાકીય સમય મર્યાદા બહાર કલાકો સુધી બોલાવીને બેસાડી રાખે છે.


