ફોટોગ્રાફ સાથે 3 હજારથી વધુ સાહિત્યનો સંગ્રહ કરનાર કાંતિ વાડોલીયાની રસપ્રદ જીવનની સ્ટોરી
અબ્દુલ કલામ, પ્રમુખ સ્વામી મહારાજ, જોની લીવર સહિતના મહાનુભવોના ઓટોગ્રાફ લીધા છે
- Advertisement -
ક્રિકેટર કપિલ દેવને મળવાની ઈચ્છા છે : કાંતિ વાડોલીયા
નવરાશના સમયમાં સંસ્મરણોને વાગોળાની મજા કંઈક અલગ હોય છે. પરિવાર સાથે વાતો કરીને અથવા અલમારીમાં સાચવેલી જૂની તસવીરો જોઈને વીતિ ગયેલી ક્ષણોને જીવંત કરીને એકમેક પર ચર્ચા કરીને ઠહાકા લેવાની મજાની તો શું વાત કરવી. તસવીરો જોવાની મજા કંઈક અલગ જ હોય છે પરંતુ જો કોઈ તસવીર ખેંચતી વેળાના સાક્ષી તમે પોતે જ હોય તો પછી એના આનંદની અનુભૂતિ સવિશેષ જ હોય છે. આજે આવા જ એક વ્યક્તિની વાત કરવી છે જેઓ 2,000 થી વધુ તસવીરમાં રહીને તેના વિશેષ અનુભવના સાક્ષી બન્યા છે.
મૂળ જામનગરના પરંતુ વર્ષોથી રાજકોટમાં રહેતા કાંતિ વાડોલીયા 2000 થી વધુ મહાનુભવો સાથે મુલાકાત લઈને તેમની સાથે ફોટોગ્રાફ પડાવીને રાજકોટના તસવીર મેન બન્યા છે. શોખ માણસને નવી દિશા ચીંધીને સફળતા પ્રાપ્ત કરવાનું મહત્વનું પરિબળ સાબિત થતું હોય છે. આવો જ એક અનોખો શોખ સેવીને કાંતિ વાડોલીયા રાજકોટનું ગૌરવ બન્યા છે.
- Advertisement -

વિવિધ ક્ષેત્રની જાણીતી વ્યક્તિ સાથે ફોટોગ્રાફ – ઓટોગ્રાફ લઈને તેમની સ્ટોરીઓનો સંગ્રહ કરતાં કાંતિએ તેમના શોખની શરૂઆત વિશે વાત કરતાં કહ્યું હતું કે, અજાણતાં એવો વિચાર આવ્યો કે, મોરારી બાપુના વ્યક્તિત્વનું તેજ કેટલું ઉચું છે કે વિશાળ જનમેદની તેમની કથા સાંભળીને અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મારે તેમને મળવું છે. બસ આ સંકલ્પને સિદ્ધ કરવાનો વિચાર કર્યો અને મોરારી બાપુને મળ્યો અને ફોટો પડાવીને ઓટોગ્રાફ લીધો. બસ આ એક સંકલ્પને મોરારી બાપુ પુરતો સિમિત ન રાખતા તેને શોખમાં પરિણમીને રાજકોટમાં આવતાં દરેક ક્ષેત્રના સેલિબ્રિટીઓને મળવાનું તેમને લગતાં સાહિત્ય અને અખબારના કટીંગ્સને સાચવી રાખીને ફોટોગ્રાફની સાથે ઓટોગ્રાફ મેળવવાનું નક્કી કર્યું.
આશરે બે હજારથી વધુ પ્રતિષ્ઠીત વ્યક્તિઓની સાથે મુલાકાત લીધી છે. જેમાં અબ્દુલ કલામ, પ્રમુખ સ્વામી, મોરારી બાપુ, શર્મન જોષી, નેહા ક્કડ, અપરા મહેતા, રમેશ મહેતા, મનહર ઉધાસ, ટીના અંબાણી, સુરેશ ઓબેરોય, રવિન્દ્ર જાડેજા, દયાશંકર પાંડે, અનિલ કપૂર, જોની લીવર, કથાકાર જીજ્ઞેશ દાદા, રમેશ ઓઝા, પ્રફુલ્લ દવે, કીર્તીદાન ગઢવી, ઉપેન્દ્ર ત્રિવેદી, જાદુગર કે.લાલ, નિતિન જાની (ખજૂર), ચેતેશ્વર પુજારા સહિત વિવિધ ક્ષેત્રના લોકોને સમાવેશ થાય છે. આ ઉપરાંત જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને અનોખી સફળતા પ્રાપ્ત કરી હોય તેમની જોડે પણ મુલાકાત કરું છું તેમ કાંતિ વાડોલીયાએ કહ્યું હતું.
સાધારણ પરિવારમાંથી આવતાં કાંતિ પોતાના શોખને પૂર્ણ કરવાની સાથે ઘરની જવાબદારીને પણ સારી નિભાવે છે. કારખાનામાં કામ કરતાં કાંતિ નવરાશના સમયમાં પોતાના શોખને પૂર્ણ કરે છે. શોખ અને જવાબદારી વચ્ચે તાલમેલ સાધીને પોતાના મનગમતાં સાહિત્યના પુસ્તકોનું વાંચન અને બચતમાંથી નવા પુસ્તકોની ખરીદી પણ કરે છે. હાલમાં કાંતિ પાસે 500 પુસ્તકો, 2000 મેગેઝીન અને 4000 જેટલા અખબારોના કટીંગ્સ સચવાયેલા છે.
કાંતિ પત્રકાર જગત સાથે વિશેષ સ્નેહ ધરાવે છે. તેઓએ વિવિધ અખબારોના કાર્યાલયોની મુલાકાત પણ લીધી છે. અખબારના તંત્રીઓ સાથે ફોટોગ્રાફ પડાવ્યા છે. આમ કાંતિ વાડોલીયાની સફળતાની સાક્ષી સેલિબ્રિટીઓ સાથે પડાવેલી તસવીરો બની છે. 50 વર્ષે પણ કાંતિએ પોતાના શોખની આગ અને લગનને થમવા દીધી નથી. 2000 થી વધુ સેલિબ્રિટીને મળેલા કાંતિ ક્રિકેટર કપિલ દેવને મળવા માંગે છે. આશા રાખીએ કે તેઓ જલ્દી કપિલ દેવને મળે તેમજ રાજકોટ અને સ્વના ગૌરવમાં વધુ વધારો કરે.


