રાજકોટ સહિત રાજયમાં અડધા લાખથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ
પ્રથમ દિવસે નાના ભુલકાઓને ચોકલેટ-નાસ્તો આપી સ્વાગત કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના વાયરસની મહામારી હવે મૃતપ્રાય: દિશામાં ધકેલાતા લોકોમાં રાહત થવા પામી છે. તેની સાથે હવે રાજય સરકારની છુટછાટના પગલે આજથી રાજકોટ સહીત રાજયભરની અડધા લાખ ઉપર પ્રિ-સ્કુલો ફરી નવી આશાઓનાં સંચાર સાથે ધમધમી ઉઠતા આંગણવાડી અને પ્રિ-સ્કુલો બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠી છે.
કોરોના વાયરસની મહામારીના ફુંફાડાનાં પગલે ગત તા.16 માર્ચ 2020 થી સાવચેતીનાં પગલારૂપે આંગણવાડીઓ અને પ્રિ-સ્કુલો બંધ કરી દેવામાં આવી હતી. જે બે વર્ષનાં લાંબા સમયગાળા બાદ ફરી આજથી શરૂ થવા પામી છે. અહી એ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર જીલ્લામાં 450 જેટલી પ્રિ-સ્કુલો અને આંગણવાડીઓ આવેલ છે. જે ફરી નાના ભુલકાઓનાં કિલ્લોલથી ગુંજી ઉઠી છે.રાજય સરકારની એસ.ઓ.પી.મુજબ આંગણ વાડીઓ અને પ્રિ-સ્કુલો ધમધમતી થતા આજે પ્રથમ દિવસે પ્રિ-સ્કુલો અને આંગણવાડીઓમાં નાના ભુલકાઓનું ચોકલેટ અને નાસ્તો આપી ભુલકાઓનું સ્વાગત કરવામાં આવેલ હતું.