કેશોદના Dysp જે.બી. ગઢવી કડક પણ, કરૂણાવાન પણ
ગૌશાળા, વૃક્ષ ઉછેરથી લઈ ઝૂંપડપટ્ટીના બાળકોને અન્ન-આનંદ આપવા સુધીની સેવાકીય પ્રવૃતિઓ
ધાર્મિક-પ્રેરણાદાયી પુસ્તક વાંચનના શોખીન જે.બી.ગઢવી રોજ ગીતાના એક અધ્યાયનું પઠન કરે છે
સરકારી તંત્ર, સમાજ દ્વારા પીડિત અથવા સમાજથી તરછોડાયેલી વ્યક્તિ પોતાની જરૂરિયાત અને ન્યાય મેળવવા માટે પોલીસ પાસે સારા આશય અને આશા સાથે આવતાં હોય છે. ત્યારે પોલીસ જવાનની ફરજ બને છે કે, તેને શાંતિથી સાંભળવા, તેમની સાથે સારી રીતે વર્તન કરો અને બને ત્યાં સુધી કાયદાની મર્યાદામાં રહીને તમારાથી થાય તે શક્ય પ્રયાસો તેમને ન્યાય અપાવવા માટે કરો. આવો શુભ સંદેશો સર્વે પોલીસ જવાનોને આપનાર વ્યક્તિ એટલે કેશોદના ડીવાયએસપી જયવીર ભવાનીદાન ગઢવી. જેઓ સમાજ સેવાની વિવિઘ પ્રવૃતિઓ કરીને અન્યના જીવનને નિખારી રહ્યા છે. સમાજની સુરક્ષા કરનાર જે.બી.ગઢવી માત્ર લોકરક્ષક ન બની રહેતા લોકસેવક પણ બન્યા છે. જે.બી.ગઢવીએ ખાસ ખબરને જણાવતાં કહ્યું હતું કે, વર્ષ 2018માં કેશોદમાં ડીવાયએસપી તરીકે મારું પોસ્ટીંગ થયું હતું.
એકવાર અનાયાશે બાંટવા, માણાવદર અને વંથલી રોડ પરથી પસાર થતાં મેં ગાયોને નાળા પાસે કચરો અને પ્લાસ્ટિક ખાતી જોઈ અને એજ ક્ષણે નિર્ણય કર્યો કે ગાયો માટે કંઈક કરવું છે. એ નિર્ણયને સાધના સમજીને મેં કેશોદની વિભાગીય પોલીસ અધિકારીની કચેરી બહાર ગૌશાળા શરૂ કરી છે. ગૌશાળા શરૂ કર્યાને આશરે 14 મહિના જેવું થયું છે. ગાયોને બાંધવામાં આવી નથી પરંતુ તેમની મેળે તેઓ ઘાસચારા અને પાણી માટે ગૌશાળાએ આવી જાય છે. આશરે 40 જેટલી ગાયોના નિભાવ માટે 21 થી વધુ દાતાઓ તરફથી મહિનાનું 80-90 હજાર જેટલું દાન પ્રાપ્ત થાય છે. ગાયોની સેવા કરીને તેમની સાથે સમય પસાર કરીને મન હળવું થઈ જાય છે તેમ જે.બી.ગઢવીએ જણાવ્યું હતું.
- Advertisement -
કથની એ જ કરનીના વાક્યને ચરિતાર્થ કરતાં ઉુતા જે.બી.ગઢવી
સમાજ સુરક્ષાની સાથે સેવાના અદકેરા કાર્યો કરી રહેલા જે.બી.ગઢવી ચલાવી રહ્યા છે ગૌશાળા
પ્રકૃતિનું ઋણ અદા કરતાં ઉુતા ગઢવીએ કેશોદની પોલીસ કચેરીના પ્રટાંગણમાં વૃક્ષારોપણ કર્યું છે. પ્રટાંગણ 500 જેટલા ગુલાબના ફુલોથી રંગીન થયું છે સાથે પક્ષીઓના માળા પણ બાંધવામાં આવ્યા છે. તેમનો કૈકારવ વાતાવરણને વધુ મધુર બનાવે છે. આ ઉપરાંત 200 જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. વૃક્ષોના વાવેતરમાં પણ વિવિધ બાબતોનું ધ્યાન રાખીને વાવેતર કરવામાં આવ્યું છે. ધાર્મિક મહત્વ મુજબ બિલીપત્ર, આસોપાલવ, છાયો મળે તે માટે બોરસલી અને લીમડો તેમજ ઓછા પાન ખરે તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જે.બી.ગઢવીએ કથની એ જ કરનીના વાક્યને ચરિતાર્થ કરતાં લોકસેવાને પોતાનું અભિન્ન અંગ બનાવી દીધું છે. કહેવાય છે બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે. ત્યારે તેઓ ઈશ્વર સ્વરૂપ બાળકો માટે પણ ઉમદા કામ કરી રહ્યા છે. પોલીસ કચેરીની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને 2 ટાઈમનો નાસ્તો આપવામાં આવે છે. તેમના મનોરંજન માટે હિંચકા, લપસિયા જેવા સાધનો પણ ગોઠવવામાં આવ્યા છે. દાતાઓની સહાયથી બાળકો માટે 8 થી 9 જેટલી સાઈકલ લેવામાં આવી છે. જે તેઓ કંપાઉન્ડની અંદર અને કંપાઉન્ડની બહારના નજીકના વિસ્તારમાં ફેરવીને આનંદ મેળવે છે.
PSI તરીકે શરૂ કરેલી કારકીર્દિના સમયથી જ સિનિયર અધિકારીની શીખ આજસુધી ગાંઠે બાંધી રાખી છે : દિવસમાં બે વાર સેલ્ફલેસ કામ કરવા
18 ઓક્ટોમ્બર 1993ના રોજથી પી.એસ.આઈ તરીકે પોલીસ વિભાગમાં પોતાની યાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે જે.બી.ગઢવીએ ખાસ ખબરને જણાવતાં કહ્યું કે, આમ તો મેં અંગ્રેજી લિટરેચરમાં અભ્યાસ કર્યો છે. મૂળ સુરેન્દ્રનગરના હોવાથી અભ્યાસ બાદ ધાંગધ્રાની કેન્દ્રીય વિધાલયમાં પ્રોફેસર તરીકે બે વર્ષ કામ પણ કર્યું છે. સાથો સાથ કલેકટર અને ડેપ્યુટી કલેકટર બનાવાના લક્ષ્ય સાથે જીપીએસસીની પરિક્ષાની તૈયારી પણ કરતો. પરંતુ એજ સમયગાળામાં 10-12 વર્ષના લાંબા અંતરાલે પીએસઆઈની ભરતી બહાર પાડી હતી. જે પરીક્ષા પાસ કરીને પીએસઆઈ બન્યો હતો.
- Advertisement -
પોલીસ વિભાગ સાથે સંકળાયેલી સર્વ યાદીઓમાંની શ્રેષ્ઠ યાદગીરીને વાગોળતાં તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે PSI તરીકે દાહોદ હતો ત્યારે ઈંૠ તરીકે દિપક સ્વરૂપ સર હતા. તેઓ ઈન્સપેકશન માટે દાહોદ આવ્યા હતા. ત્યારે તેમની સલાહમાંથી સુંદર વચનો તારીને મેં આજદિન સુધી તેમણે આપેલી શીખને ગાંઠે બાંધી છે. દિપક સ્વરૂપ સરે કહ્યું હતું કે, આખા દિવસમાં બે સેલ્ફ લેશ કાર્યો કરવા. એ કાર્યો કરવાથી તમને જે આનંદ પ્રાપ્ત થશે તે અમુલ્ય હશે. તેમની આ સલાહને જીવનનો ગુરૂમંત્ર બનાવીને હું અનેક સેવાકીય કાર્યો કરીને લોકોને મદદરૂપ થઈ રહ્યો છું. સેવાના નશાને જીવનના સ્વઆનંદમાં પરિવર્તિત કરતાં ડીવાયએસપી ગઢવી ધાર્મિક અને પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાના પણ શોખીન છે. તેમણે આજ સુધીમાં 4 વખત ભગવદ્ ગીતા સંપૂર્ણ વાંચી છે તેમજ રોજ ગીતાના એક અધ્યાયનું પઠન પણ કરે છે. અંગ્રેજી લિટરેચરમાં અભ્યાસ કર્યો હોવાથી સાહિત્યને લગતી આંતરરાષ્ટ્રીય પુસ્તકોનું વાંચન કરે છે. તેમજ પ્રાદેશિક ભાષાના પુસ્તકો પણ વાંચે છે. નવરાશના સમયમાં ચેસની રમત રમવાનું પસંદ કરે છે.
સેવાની સરવાણીથી અન્ય લોકોના જીવનને સુંગદીત અને પ્રફુલ્લિત કરતાં ડીવાયએસપી જે.બી.ગઢવીની ખાતાકીય અને સેવાકીય પ્રવૃતિ સામાન્યજન અને પોલીસના દરેક જવાનોને પ્રેરિત કરનારી છે. અંતે તો ગઢવીના સતકાર્યોને જોઈને સ્વામી વિવેકાનંદનું પ્રચલિત વાક્ય મનોચક્ષુ સમક્ષ આવે છે જન સેવા એજ પ્રભુ સેવા.