નાળા માટે વખણાતું હોય તેવું એકમાત્ર નગર રાજકોટ છે અને આ એક જ નગર એવું છે જેની પાસે વજુભાઇ વાળા છે.
– જગદીશ આચાર્ય
લગભગ ત્રણ સદી પહેલાં રાજુભાઇ સંધી નામના એક સજ્જને આ નગરને વસાવ્યું હતું એવી માન્યતા છે.રાજુભાઈની સ્મૃતિ સાથે જ અમે વંદીએ અમારા પૂર્વજોના ડહાપણ,કોઠાસૂઝ અને દીર્ઘદ્રષ્ટિને કે તેઓ રાજુભાઇ સંધિના રાજકોટમાં વસ્યા અને એકંદરે અમે અહીં પ્રગટ્યા.અમે પહેલવહેલું રડ્યા ત્યારે અડધા નગરને સંભળાય એવું નાનું રાજકોટ હતું.પણ જેમ જેમ અમે મોટા થતાં ગયા તેમ તેમ અમારામાંથી પ્રેરણા લઈ રાજકોટનો પણ વિકાસ થતો ગયો.હવે તો રાજકોટ એવડું મોટું થઈ ગયું છે કે વાદળા પણ એકસાથે આખા રાજકોટને આવરી નથી શકતા.વરસાદ પણ કટકે કટકે પડે છે.કલાવડ રોડ ઉપર સાંબેલ ધારે વરસતો હોય ત્યારે જ્યુબિલી ચોક તડકે તપતો હોય એવા દ્રશ્યો ચોમાસામાં વારંવાર સર્જાય છે.
મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતને આગવું ગુજરાત બનાવી દેવાનું અભિયાન હાથ ધર્યું હતું.પણ રાજકોટ તો સ્વયંભૂ પહેલેથી જ આગવું હતું.દુનિયાભરના નગરો નદી કિનારે વસ્યા છે પણ કોઈના આંધળા અનુકરણમાં ન માનતું રાજકોટ નાળા એટલે કે વોંકળાને કિનારે વસ્યું છે.અમદાવાદ જેમ એની પોળો માટે પ્રખ્યાત છે એમ રાજકોટ એના નાળા અને વજુભાઇ વાળા માટે પ્રખ્યાત છે.નાળા માટે વખણાતું હોય એવું વિશ્વનું એક માત્ર નગર રાજકોટ છે એવું વટ સાથે અમે કહી શકીએ એમ છીએ.અને સાથે જ રાજકોટ એક જ એવું નગર છે જેની પાસે વજુભાઇ વાળા છે .અત્યારે ભલે વિજયભાઈ રૂપાણી પોતાની રીતે રાજકોટને પ્રખ્યાત બનાવી રહ્યા હોય પણ એ ભવ્ય પરંપરાનો પાયો વજુભાઇ વાળાએ નાખ્યો હતો એ સત્ય રાજકોટની કદરદાન જનતા ભૂલી નથી.
- Advertisement -
નાળા અને વાળાની મૂળ વાત ઉપર આવીએ.આમ તો એ બંન્ને વચ્ચે કોઈ પારસ્પરિક સાંઠગાંઠ નથી પણ વાયકા એવી હતી કે રાજકોટમાં નાળા બુરાતા ગયા અને વજુભાઇ નાણાંથી ઉભરાતા ગયા.જો કે આવી ક્ષુલ્લક ચર્ચાઓને વજુભાઇએ કદી જવાબ આપવા યોગ્ય નહોતી ગણી. પોતાના લેવલની વાત હોય તો જ વજુભાઇ પ્રતિભાવ આપતાં એ એમની મોટપ હતી.વચ્ચે કોઈ એવી માહિતી લઇ આવ્યું હતું કે વજુભાઇએ વ્હાઇટ હાઉસ માટે સૂથી આપી છે.ત્યારે પણ લાંબી પિંજણ કરવાને બદલે વજુભાઈએ માત્ર એટલું જ કહ્યું હતું કે એમના મોં માં ઘી સાકર.વજુભાઇ હાલ માં કર્ણાટકમાં ઇ…કરીને યેદુરપ્પાને કાઠિયાવાડી દુહા,છંદ અને જોક શીખડાવવાનું કામ કરે છે.
રાજકોટ આગવું છે રાજકોટવાસીઓને કારણે.રાજકોટવાસીઓ આરામપ્રિય અને રજવાડી પ્રકૃતિના છે.દુનિયા આખી ખીચડીના કાઢવા બપોરે ધંધા રોજગાર માટે પરસેવા પાડતી હોય ત્યારે રાજકોટવાસીઓ બપોરે બે કલાકની ગાઢ નીંદર ખેંચી કાઢે છે.પણ,ખબરદાર!અમને ઊંઘણશી કહ્યા તો.બપોરે પોઢી જનારા રાજકોટિયાઓ રાત્રે જાગે છે.મોડી રાત સુધી નર નારીઓ રેસકોર્સ પર આંટા મારે છે.આઈસ્ક્રીમો ઝાપટે છે.રાજકોટ સિવાયના લોકો અમોને આળસુ,પ્રમાદી વગેરે વગેરે જેવા કહીને અમને બદનામ કરે છે.બપોરે જાગવા માટે ઉશ્કેરે છે પણ અમારે ગર્વભેર કહેવું છે કે દુશમનોના એ તમામ પ્રયાસો નિષફળ ગયા છે.અમારી સંસ્કૃતિનું અમે બપોરની પૂરતી ઊંઘ કરીને જતન કર્યું છે.
રાજકોટની સંસ્કૃતિનું બીજું ઝગમગતું પાસું અમારી ચા પાનની કેબીનો છે.રાજકોટનું યુવાધન પપ્પાએ ભેગાં કરેલા લાખો રૂપિયા ચા પાનની કેબીનોમાં વાપરી પોતાની તંદુરસ્તી વધારે છે.પાન અને ફાકીના શોખીનો ગલોફામાં બે બે પાન ઠાંસી ને તે પછી ખિસ્સા ફાટી જાય એટલી હદે સ્ટોક કરી રાખે છે.પાનની પિચકારીઓને કારણે સરકારી ઓફિસો,જાહેર શૌચાલયો, કોમર્શિયલ કોમ્પલેક્ષના દાદરાઓ તથા શહેરની ફુતપાથો લાલ રંગથી રંગાઈ જાય છે અને પરિણામે રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે.
- Advertisement -
રેસકોર્સનું સ્થાન રાજકોટના હૃદય જેવું છે.ચરબી હટાવ ઝુંબેશ અન્વયે લોકો અહીં સવાર સાંજ દોડાદોડી કરે છે.મહિલાઓ પોતાના પતિઓ તથા કૂતરાઓને અહીં ફેરવવા નીકળે છે. દ્વિચક્રી …વધુ વાંચવા ક્લિક કરો
વાહનોની ગતિ માપવા માટેનું એ આદર્શ સ્થળ છે.આ પાવનકારી ભુમી ઉપર જ લાગણીશીલ યુવાનો ગાંઠના ખર્ચે પેટ્રોલ પુરાવી યુવતીઓને સ્ફુટર શીખડાવવાની પુણ્ય સેવા બજાવે છે.રેસકોર્સની પાળી ઉપર મોડી રાત્રી સુધી પડાવ નાખીને રાજકોટવાસીઓ હવા અને બગાસાં ખાય છે.
રેસકોર્સની તદ્દન નજીક જ એ.જી.ઓફીસ,બહુમાળી ભવન અને અન્ય સરકારી કચેરીઓ આવેલી છે. કર્મચારીઓ ઓફિસના બંધિયાર વાતાવરણમાં ગૂંગળામણ અનુભવતા હોવાને કારણે કચેરીઓના પટાંગણોમાં બેસીને વહીવટ ચલાવે છે.પટાંગણમાં બારેમાસ લોકમેળા જેવો ઉમંગ રચાયેલો રહે છે.કર્મચારીઓ મુખ્યત્વે અહીંથી જમીનોની લે વેંચ કર્યે રાખે છે.અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે રાજકોટનો મૂળ વ્યયસાય જ જમીન લે વેંચનો છે.દર વીસ માણસે એક માણસ આ ઉદ્યોગમાં પરોવાયેલો છે.આ ઉદ્યોગમાં રાજકોટવાસીઓનો જોટો જડે તેમ નથી.લોકો એટલા નિખાલસ અને ઉદાર મનનાં છે કે પોતાની માલિકીની ન હોય એ જમીનને પણ પોતાની જ માનીને વેંચી નાખે છે.પૃથ્વીના પટ પર હોય જ નહીં એવી જમીનોના પણ અહીં સોદા થાય છે.અરે!ઘણી વખત તો જમીનના માલિક પાસે તેની પોતાનીજ જમીન વેંચાવા આવે છે.રાજકોટના દલાલો પાસે ચંદ્ર અને મંગળની જમીનોના પણ સર્વેયરો અને નકશા છે કોઈને ત્યાં પ્લોટ ખરીદવા હોય તો જણાવજો!
રાજકોટવાસીઓ આમ પણ સાહસિક છે એક ઉદ્યોગકારે હમણાં લોન મેળવવા અરજી કરી તેમાં પોતે કોકકોલા અને થમ્સ અપ બનાવતા હોવાનું જણાવ્યું હતું.હાલમાં કેટલાક સાહસિકોએ સ્ટાર્ટ અપ ના ભાગરૂપે ગૌમૂત્ર તથા છાણમાંથી કોરોનાની દવા બનાવવાની હંગામી ફેકટરીઓ ચાલુ કરી છે.
રાજકોટની ભૂગોળ ઉપર પાછા ફરીએ તો રેસકોર્સથી આગળ જતાં પ્રખ્યાત મહિલા કોલેજના દર્શનનો લાભ મળે છે.યુવતીઓ અહીં ભણવા અને યુવાનો આંખો ટાઢી કરવા ઉમટે છે.મહિલા કોલેજથી જગવિખ્યાત કાલાવડ રોડની શરૂઆત થાય છે.કાલાવડ તરફથી રાજકોટને કોઈ ખેંચતુ હોય તેમ રાજકોટ એ દિશામાં સહુથી વધારે વિકસ્યું છે.પરિણામે રાજકોટનો નકશો સેવ તળવાના ઝારા જેવો થઈ ગયો છે.એ ઝારાનો દાંડો મહિલા કોલેજથી શરૂ કરીને કાલાવડ તરફ લંબાતો જ જાય છે.કાલાવડ રોડને છેડે જમણી બાજુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચારે દિશામાં પોતાના વાવટા ફરકાવતી અડીખમ ઉભી છે.
રાજકોટમાં બે ચાર બગીચાઓ પણ છે.બાવાઓ અને વ્યંઢળો માટે ખાસ બનાવાયેલા જ્યુબિલી બાગમાં ખૂણે ગાંધીબાપુનું બાવલું છે.ગાંધીજી જ્યાં ભણ્યા ઓછું અને બગડ્યા વધારે એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં હવે મ્યુઝિયમ બનાવાયું છે અને દેશભક્ત લોકો એ જોવા પણ જાય છે.ઘણા પવિત્ર લોકો જેમને ગાંધીજીની બા માને છે એ કસ્તુરબાની સ્મૃતિ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય શાળા પણ રાજકોટમાં છે.આ સ્થળનો ઉપયોગ શોકસભા અને પ્રાર્થનાસભા માટે કરવામાં આવે છે.
આખા રાજકોટની જ્યાં ચિંતા કરવામાં આવે છે એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારતને આંબેડકર ભવન નામ અપાયું છે.અધિકારીઓ અહીં બેઠા બેઠા રસ્તાઓ ખોદવાના અને ફરી બનાવવાના આયોજનો ઘડયે રાખે છે.એ સિવાય કોર્પોરેશનના કામઢા અધિકારીઓ સતત મચ્છર મારવાની પ્રવૃત્તિ કરતા રહે છે.તેમના આ ભગીરથ પ્રયાસ છતાં મચ્છરોની સંખ્યા વધતી જ રહે છે પરિણામે લાડ પ્યારમાં રાજકોટને મચ્છરનગર પણ કહેવામાં આવે છે.
રાજકોટમાં લાલપરી નામે એક તળાવ પણ છે.આ તળાવનો ઉપયોગ ખટારા ધોવા માટે થાય છે.શનિ રવીમાં આજી ડેમ અને ન્યારી ડેમે લોકો હરવા ફરવા માટે જય છે.જીવદયા પ્રેમીઓ અહીં માછલી માછલાંઅને પક્ષીઓને વેફર,ચાઈનીઝ ભેળ અને ગાંઠિયા ખવડાવે છે. આડા દિવસોમાં અહીં ઝાડવાની ઓથે બેસી પ્રેમી પંખીડાઓ સમયનો સદુપયોગ કરી લેવા અને મહોબ્બતના મારેલા હૈયાફુટાઓ અપઘાતો કરવા આ સ્થળોની મુલાકાત લેતા રહે છે.
રાજકોટના પેંડા અને ચેવડો અને ચટણી વખણાય છે.લોકો બહારગામ કે વિદેશ જાય ત્યારે ચટણીના ડબ્બા ભેગા લઇ જાય છે.એ ઉપરાંત એક પવિત્ર ફરજ રૂપે સવારે ગાંઠિયા ખાવાનો પણ રિવાજ પ્રચલિત છે.
રાજકોટ તેના અખબારો માટે પણ પ્રખ્યાત છે.સવાર,બપોર,સાંજ રાજકોટમાં અખબારો પ્રસિદ્ધ થતાં જ રહે છે.જાહેર માર્ગ ઉપર બકરીનું બચ્ચું જન્મે તો એ સમાચાર પણ મીસ ન થાય તેવું રાજકોટનું જાગૃત પત્રકારત્વ છે.
રાજકોટ તો રાજકોટ છે.રાજકોટ જેવું બીજું કોઈ થાય નહીં. આજે તો અહીં માત્ર ઝલક આપી છે.પણ હવે આ સ્થળે મળતાં રહેશું અને રાજકોટની જૂની અને નવી અને અલબેલી વાતો કરતાં રહેશું..