બાઇકસવાર વૃદ્ધને જાહેરમાં ફડાકા ઝીંકી બેફામ માર માર્યો, ગાળો ભાંડી રોફ જમાવ્યો
એ ડિવીઝન પોલીસે સિટી બસ ચાલકની અટકાયત કરી
સિટીબસનું સંચાલકન કરતી એજન્સીને કડક સૂચના અપાશે: મ્યુનિ. કમિશનર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે. શહેરના માલવિયા ચોક ખાતે આજે સવારના સમયે સિટી બસ ચાલક દ્વારા બાઈક ચાલક વૃદ્ધને ફડાકા ઝીંકી બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે વિજય કાપડી નામના બસ ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
શહેરના માલવિયા ચોક ખાતે આજે સવારે 11 વાગ્યે રોડ ક્રોસ કરતા બાઈક ચાલક અને સિટી બસ ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે એક સાથે 3-3 સિટી બસના ડ્રાઇવર-કંડક્ટર એકઠા થઇ ગયા હતા અને રસ્તા વચ્ચે સિટી બસ ઉભી રાખી ટ્રાફિકજામ કરી દીધો હતો. આ સમયે રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈક ચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો અને જાહેરમાં લુખ્ખાગીરી કરી રોફ જમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ સમયે ટ્રાફિકજામ થતા સામાન્ય રાહદારીઓ પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
- Advertisement -
બસના ચાલક વિજયની લુખ્ખાગીરીની બોલતી તસવીરો
રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈક ચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો અને જાહેરમાં લુખ્ખાગીરી કરી રોફ જમાવ્યો હતો.
બસ ચાલક વિજય કાપડીને બસમાંથી નીચે ઉતારી અટકાયત
- Advertisement -

ટ્રાફિક સમસ્યા સર્જાય અને મારામારીની ઘટના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇનપેક્ટર સી.જે. જોશી પસાર થયા હતા. આથી તેઓએ સિટી બસનો ચાલક વૃદ્ધને માર મારતો હોવાનું જોતા તાત્કાલિક અસરથી બસ ચાલક વિજય કાપડીને બસમાંથી નીચે ઉતારી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. સમગ્ર મામલે પોલીસ વિજય કાપડીની પૂછપરછ હાથ ધરી છે.
બસની સ્પીડ લિમીટ નક્કી કરાશે: મ્યુનિ. કમિશનર અરોરા
આ અંગે રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આજે બનેલા બનાવ અંગે સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ સાથે અગાઉ બનેલી આ પહેલાની ઘટનામા ડ્રાઇવરને છૂટા કરવામાં આવ્યા હતા. ઉપરાંત સિટીબસનું સંચાલકન કરતી એજન્સીને પણ કડક સૂચના આપવામાં આવશે અને જરૂર જણાયે આગામી દિવસોમાં બસની સ્પીડ લિમીટ નક્કી કરવામાં આવશે.


