મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
એક રશિયન પુરુષ અને ફ્રેન્ચ સ્ત્રી એક બીજાના પ્રેમમાં પડ્યાં. બંનેએ લગ્ન કર્યા. પાંચ વર્ષના લગ્ન જીવનમાં તેમને બે સંતાનો પણ થયા. એક દિવસ એક અંગ્રેજ નાગરિક આ યુગલને ત્યાં મહેમાન તરીકે પધાર્યો. અંગ્રેજ પુરુષે જોયું કે આ પતિ-પત્ની એક બીજાની ભાષા જાણતા ન હતાં. તેમ છતાં બન્ને વચ્ચે અદ્ભુત પ્રેમ હતો. બન્ને જણા ઇશારાથી કામ ચલાવતા હતાં અને ખૂબ સુખ પૂર્વક રહેતા હતાં. અંગ્રેજ પુરુષને થયું કે જો આ પતિ-પત્ની કોઈ એક સામાન્ય ભાષા જાણતા હોય તો એમનો પ્રેમ કેટલો બધો વધી જાય? આથી તે આ દંપતીના ઘરે છ મહિના રહી ગયો અને બન્નેને અંગ્રેજી ભાષા લખતા, બોલતા, વાંચતા શીખવી દીધી. પતિ-પત્ની પણ ખુશ થઈ ગયાં, તેમણે અંગ્રેજ અતિથિનો આભાર માન્યો અને એને પ્રેમ પૂર્વક વિદાય આપી. બે વર્ષ પછી એ અંગ્રેજ ફરીથી તેમને ત્યાં મહેમાન બનીને પધાર્યો પણ એણે જોયું તો ત્યાં માત્ર પત્ની જ રહેતી હતી એનો પતિ ક્યાંય દેખાયો નહિ. પશ્ચિમની સભ્યતા પ્રમાણે કોઈ સ્ત્રી કે પુરુષને એના લગ્ન જીવનની અંગત વાત પૂછવી એ શિષ્ટાચાર વિરુદ્ધની
બાબત કહેવાય. પણ અંગ્રેજનું કુતૂહલ અત્યંત પ્રબળ હતું. તેણે એ ફ્રેન્ચ મહિલાના પડોશીને ખાનગીમાં પૂછ્યું, “આ પતિ-પત્ની કેમ સાથે રહેતા નથી?”
- Advertisement -
પડોશીએ જવાબ આપ્યો, “જ્યાં સુધી એ બન્ને એક-બીજાની ભાષા જાણતા ન હતાં ત્યાં સુધી થોડું ઘણું કામ-કાજ ઇશારાથી ચલાવી લેતા હતાં અને બાકીનું મોટાભાગનું કામ મૌનની ભાષાથી ચલાવી લેતા હતાં. પરિણામે એ બન્ને વચ્ચે કોઈ પણ ગેરસમજ, કંકાસ, કજીયો, મનદુ:ખ આવું કશું જ થયું ન હતું. પણ જ્યારથી તેમને બન્નેને એક ભાષા આવડી ગઈ એટલે એમનું બોલવાનું શરૂ થયું. પછી બન્નેને વાત-વાતમાં વાંકુ પડવા માંડ્યું. અંતે ઝઘડા એ હદે પહોંચી ગયા કે બન્ને અલગ રહેવા લાગ્યાં. હવે કોર્ટમાં ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે. બન્ને છુટાછેડા લઈ લેશે.”
મિત્રો, આજનો મોર્નિંગ મંત્ર આપણને એ શીખવે છે કે જ્યાં સાચી લાગણી હોય ત્યાં ભાષાની જરૂર નથી. મૌનથી જ કામ લેવાનું રાખો. ભાષાથી જે અભિવ્યક્તિ થાય છે તે માત્ર ભાવની નથી થતી. તમારા મનની અંદર ઉઠતા અભાવોની પણ અભિવ્યક્તિ હોય છે. સંસારના મોટા ભાગના દુ:ખોની જડમાં આપણાં બોલાયેલા શબ્દો રહેલા છે. માટે જ કોઈ વિચારકે કહ્યું છે કે તમે બોલાયેલા શબ્દના ગુલામ છો અને ન બોલાયેલા શબ્દના માલિક છો. મિતાહારી બનો અને મિતભાષી બનો. કમ ખાઓ, ગમ ખાઓ.